દુર્ઘટના – અકસ્માત પર આક્રોશ સ્વાભાવિક, આંધળું દોષારોપણ અયોગ્ય
તપાસ પહેલા તાત્કાલિક ગૃહમંત્રીથી લઈ પોલીસ અધિકારીનું રાજીનામું માંગી લેવું કેટલું વાજબી?
- Advertisement -
ભવ્ય રાવલ : લેખક-પત્રકાર
જ્યારે સમાજમાં લઠ્ઠાકાંડ – અગ્નિકાંડ જેવી દુર્ઘટના – અકસ્માત સર્જાય છે ત્યારે લોકોમાં રોષ – આક્રોશ ફેલાય તે સ્વાભાવિક છે. પણ હા, આ આવેગમાં આવીને સ્થાનિક પોલીસકર્મીથી લઈને છેક ગૃહમંત્રી સુધી સમગ્ર વ્યવસ્થા પર સીધું દોષારોપણ કરી દેવું જરાય સ્વાભાવિક નથી. કોઈ એકાદ વ્યક્તિગત બેદરકારી, અણધાર્યા સંજોગો કે કુદરતી આપત્તિને સમગ્ર તંત્રની નિષ્ફળતા તરીકે ખપાવી કોઈનું પણ રાજીનામું માગી લેવું એ 24×7 આપણી સુરક્ષા કરતી વ્યવસ્થા સાથે મોટો અન્યાય છે.
શું કોઈપણ ઘટના માટે સરકારના એક મંત્રીને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી શકાય? જો આવું જ માપદંડ અપનાવીએ તો દેશ કે રાજ્યના કોઈપણ વિભાગમાં બનતી દરેક અનિચ્છનીય ઘટના માટે સંબંધિત મંત્રીનું રાજીનામું માગવું પડે. હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થાય તો આરોગ્યમંત્રી જવાબદાર, શાળામાં વિદ્યાર્થી નાપાસ થાય તો શિક્ષણમંત્રી જવાબદાર, એસટી બસની અડફેટે મુસાફર આવે તો વાહનવ્યવહારમંત્રી જવાબદાર અને ગૃહ વિભાગ હેઠળના વિસ્તારમાં કંઈપણ બને તો ગૃહમંત્રી જવાબદાર..
- Advertisement -
બૌદ્ધિક બદમાશો અને વિપક્ષની વાતોમાં આવ્યા વિના આપણે સમજવું પડશે કે, સરકારની જવાબદારી સિસ્ટમ ઊભી કરવાની અને તેને કાર્યક્ષમ રાખવાની છે. જ્યારે કોઈ ચોક્કસ અધિકારી, કર્મચારી, સંસ્થા કે વ્યક્તિ નિયમોનો ભંગ કરે છે ત્યારે તેની જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ઉચ્ચસ્તરીય તપાસના આધારે થવી જોઈએ. ગૃહમંત્રી પોલીસ તંત્રના રાજકીય વડા હોઈ શકે પરંતુ તેઓ દરેક પોલીસ સ્ટેશનમાં બેઠેલા અધિકારી નથી અને દરેક ગલી-મહોલ્લાની પરિસ્થિતિનું વ્યક્તિગત સંચાલન કરતા નથી.
હોનારત, આપત્તિ, અકસ્માત હોય કે અન્ય કોઈ દુર્ઘટના.. દરેક વખતે સૌથી પહેલાં દોષિત કોણ છે? નિયમોનું ઉલ્લંઘન ક્યાં થયું? અગાઉ કોઈ ફરિયાદ થઈ હતી કે નહીં? કોઈ અધિકારીની બેદરકારી હતી કે નહીં? બચાવ અને રાહત કામગીરીમાં ક્યાં ખામી રહી? જેવા સવાલો પૂછાવા જોઈએ. સવાલો પૂછવાનો અધિકાર સૌને છે પણ સીધું જ ગૃહમંત્રી કે આઈજી, એસપી, કમિશનરનું રાજીનામું માંગવું એને પણ આપણો અધિકાર સમજી લેવો જોઈએ?
સોશિયલ મીડિયામાં ઘણી વખત તપાસ પહેલાં જ ચુકાદો આવી જાય છે. કોઈ ઘટના બને અને ગણતરીની મિનિટોમાં ‘સરકાર નિષ્ફળ’, ‘પોલીસ નિષ્ફળ’ અને ‘ગૃહમંત્રી રાજીનામું આપે’ જેવા નારા શરૂ થઈ જાય. ચોક્કસથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ અને ગૃહ વિભાગની છે પરંતુ દરેક ઘટના સુરક્ષા તંત્રની નિષ્ફળતાનું પરિણામ હોય એવું જરૂરી નથી.
ઘણી વખત લઠ્ઠાકાંડ કે અગ્નિકાંડ જેવી ઘટના બન્યા બાદ ‘પોલીસ શું કરતી હતી?’ એવો સવાલ ઉઠે છે. પોલીસનું કામ માત્ર ઘટના બને પછી આરોપીને પકડવાનું નથી. ટ્રાફિક વ્યવસ્થા, ગુનાખોરી પર નિયંત્રણ, રાત્રિ પેટ્રોલિંગ, તહેવારોમાં બંદોબસ્ત, વીઆઈપી સુરક્ષા, મહિલાઓ અને બાળકોની સુરક્ષા, સાયબર ક્રાઈમ સામેની કાર્યવાહીથી લઈને કુદરતી આફતો અને ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકોની મદદ સુધી પોલીસ સતત મેદાનમાં કાર્યરત રહે છે. આ પાછળ ગૃહમંત્રી અને તેમનું વિભાગ સતત રોકાયેલું હોય છે. હવે દરેક અરજી પોલીસ ચોકીના જમાદારથી લઈ દેશના ગૃહપ્રધાન સુધી રવાના કરાતી હોય ત્યા કામના ભારણની કલ્પના પણ છે?
રાતના સમયે પેટ્રોલિંગ કરતો પોલીસકર્મી, ટ્રાફિકમાં કલાકો સુધી ઊભેલો જવાન, તહેવારના બંદોબસ્તમાં પરિવારથી દૂર રહેલો કર્મચારી, પૂર કે ભારે વરસાદ દરમિયાન લોકોને સલામત સ્થળે પહોંચાડતો પોલીસકર્મી કે કોઈ ગુનાની તપાસમાં દિવસ-રાત મહેનત કરતો અધિકારી.. જ્યારે આપણે પરિવાર સાથે ઘરમાં સુખચેનથી બેઠા હોઈએ કે ઉત્સવ મનાવતા હોઈએ ત્યારે પોલીસવાળા પોતાના પરિવાર-પ્રસંગોની પરવા કર્યા વિના રસ્તા પર આપણી શાંતિ-સુરક્ષા માટે તહેનાત હોય છે. કોઈ મોટો કાર્યક્રમ હોય, મેળો હોય, સરઘસ હોય કે અચાનક અરાજકતાની સ્થિતિ ઊભી થાય તો સૌથી પહેલાં રસ્તા પર ઊભેલો માણસ પોલીસનો જ હોય છે. અફસોસ.. જે રીતે આપણે વાર-તહેવારે અવારનવાર કોઈ ઘટના બને કે તરત જ તંત્ર વિરુદ્ધ દેકારો કરી મૂકીએ છીએ તે રીતે તેમની સારી કામગીરી સમયે નોંધ સુદ્ધા લેતા નથી.
પોલીસ કોઈ મોટી ગેંગને ઝડપી પાડે છે, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડે છે, ગુમ થયેલા બાળકને શોધી કાઢે છે, ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહી કરે છે, સાયબર ફ્રોડમાં નાણાં બચાવે છે અથવા તહેવારોમાં લાખો લોકોની અવરજવર વચ્ચે કાયદો-વ્યવસ્થા જાળવી રાખે છે ત્યારે આ કામગીરી પણ ‘પોલીસનું કામ છે’ કહીને સામાન્ય બનાવી દેવી યોગ્ય નથી. પોલીસનું કામ જટિલ છે અને તેમાં દરેક ક્ષણે નિર્ણય લેવાનો હોય છે. જેમ એક ભૂલની ટીકા થઈ શકે તેમ હજારો યોગ્ય નિર્ણયોની પણ નોંધ લઈ શકાય.
આ બધું લખવા પાછળનું કારણ લઠ્ઠાકાંડ – અગ્નિકાંડ જેવી કોઈ દુર્ઘટના – અકસ્માત બને ત્યારે ગૃહમંત્રી – પોલીસને છાવરવાની વાત નથી. વાત એટલી જ છે કે ન્યાયપૂર્ણ તપાસ પહેલાં સામૂહિક દોષારોપણ ન થવું જોઈએ. જ્યાં ખામી છે ત્યાં આંગળી ચીંધાવી જોઈએ, જ્યાં બેદરકારી છે ત્યાં કાર્યવાહી કરાવવી જોઈએ, જ્યાં ગુનો છે ત્યાં કાયદા મુજબ કામગીરી થવી જોઈએ પરંતુ સાથે સાથે જ્યાં સુરક્ષા તંત્રએ સારું કામ કર્યું હોય ત્યાં બે શબ્દની પ્રશંસા પણ થવી જોઈએ. કારણ કે તેઓ સફળ થાય ત્યારે તે સમાચાર બનતા નથી, તેમની નાની અમથી બેદરકારી પણ મોટી સ્ટોરી બની જાય છે. આફ્ટર ઓલ આપણે નિરાંતે સૂતા હોઈએ ત્યારે આપણા માટે તેઓ રાતભર જાગતા હોય છે.
નાગરિકોની શાંતિ-સલામતી માટે પોતાનું અંગત જીવન, આરામ અને અનેક વખત પરિવાર સાથેનો સમય પાછળ મૂકી ફરજ બજાવતા પોલીસ જવાનો તથા તેમને દિશા આપતા ગૃહ વિભાગના મંત્રીથી લઈ પોલીસ અધિકારી પાસે કોઈ અનિચ્છનીય બનાવ બનતા જ રાજીનામું માંગનારાઓએ એક ક્ષણ માટે પોતાને પણ પૂછવું જોઈએ – જેઓ અહર્નિશ આપણા સુખચેન માટે હાજર છે તેને કોઈ એક ઘટના પરથી નિષ્ફળ ગણવા ખરેખર ન્યાયી છે? જવાબદારી ચોક્કસ નક્કી થવી જોઈએ, દોષિતને ચોક્કસ સજા થવી જોઈએ અને બેદરકારી સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ. પણ શું દરેક દુઃખદ બનાવને રાજીનામાની સીડી બનાવવી જોઈએ?




