પ્રજાના પ્રશ્નો યથાવત, તંત્ર ભરનિંદ્રામાં
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની રાજકોટ શહેર કોંગ્રેસની ચીમકી
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે જ શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન
અને ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ જુદા જુદા પોસ્ટરો દર્શાવી મનપા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિવિધ મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસ દ્વારા તેમને અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને કચેરી પરિસરમાંથી દૂર કર્યા હતા.
રાજકોટ શહેરમાં સતત વધી રહેલી પ્રજાલક્ષી સમસ્યાઓ, મહાનગરપાલિકાની કામગીરી સામેના આક્ષેપો અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિરોધ કાર્યક્રમ
યોજવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ પ્રશ્નોને લઈને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને પ્રજાના પ્રશ્નોનો
તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચોમાસાની શરૂઆત સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિક સ્થિતિ સામે આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં હજુ
પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરો સુધી પહોંચતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ, શહેરના વિવિધ માર્ગો પર સર્જાયેલા અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો
કરવો પડી રહ્યો છે.
- Advertisement -
કોંગ્રેસે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કર્યાના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદી ઋતુ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી, પાણી ભરાવા અને
રસ્તાઓની બિસ્માર સ્થિતિ સામે આવતા આ કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, પ્રિમોન્સૂન કામગીરીનો મોટો હિસ્સો માત્ર કાગળ પર જ પૂર્ણ કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના
રસ્તાઓ પર પડેલા ખાડાઓ અંગે પણ કોંગ્રેસે તંત્રને ઘેર્યું હતું. ખાડાઓના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે ત્યારે માર્ગોની યોગ્ય રીતે મરામત કરવામાં આવે અને વરસાદ દરમિયાન ખાડાઓને કારણે સર્જાતી
સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તાજેતરમાં રાજકોટ શહેરમાં હાથ ધરાયેલા મેગા ડિમોલેશન બાદ જવાબદારી નક્કી કરવા માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) અંગે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે SITની રચના થયા બાદ
પણ આજદિન સુધી કોઈ જવાબદાર વ્યક્તિ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસના મતે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં વિલંબ થવાથી SITની કામગીરી માત્ર દેખાડા પૂરતી રહી હોવાની પ્રજામાં લાગણી
ઊભી થઈ રહી છે. જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ પણ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન ત્રિકોણ બાગ ખાતે જનઆક્રોશ ધરણા કાર્યક્રમ યોજીને શહેરના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા. તે સમયે ગંદુ પીવાનું પાણી,
ખાડાયુક્ત રસ્તાઓ, કથિત ભ્રષ્ટાચાર, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે અગાઉ રજૂ કરાયેલા પ્રશ્નો પૈકી અનેક પ્રશ્નો આજે પણ યથાવત
છે. વારંવાર રજૂઆતો અને વિરોધ કાર્યક્રમો બાદ પણ સમસ્યાઓનો અસરકારક ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને ગંદા પાણીના પ્રશ્નને કારણે રોગચાળાની સ્થિતિ અંગે પણ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ, અખબારી અહેવાલોમાં છેલ્લા એક સપ્તાહમાં 1,500થી
વધુ રોગચાળાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં આરોગ્યલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવાની જરૂર હોવા છતાં તંત્ર દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવી રહી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો
હતો. કોંગ્રેસે માંગ કરી હતી કે શહેરમાં ગંદા પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે, ગંદકી દૂર કરવામાં આવે, દવા છંટકાવ અને સફાઈ કામગીરીમાં વધારો કરવામાં આવે તથા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે
અસરકારક પગલાં ભરવામાં આવે.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટની જનતા આજે ગંદા પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, રોગચાળો, અધૂરી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ત્રસ્ત છે. મેગા ડિમોલેશન બાદ
રચાયેલી SIT અંગે પણ તેમણે સવાલ ઉઠાવી કહ્યું હતું કે જો કોઈ જવાબદાર સામે કાર્યવાહી જ ન થાય તો SITની કામગીરી અંગે લોકોમાં શંકા ઊભી થવી સ્વાભાવિક છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પ્રજાના પ્રશ્નોને લઈને
અવારનવાર રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે છતાં ઘણા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ભાજપના કોર્પોરેટરો ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપે છે, પરંતુ હવે પોતાના જ વોર્ડના પ્રશ્નો સમયે તેઓ ગાયબ
થઈ ગયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ડૉ. જાડેજાએ જણાવ્યું હતું કે પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓની પ્રથમ જવાબદારી પોતાના વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારી માટે કામ કરવાની છે. શહેરમાં આરોગ્ય,
ગંદકી, શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવવું જોઈએ. પરંતુ વર્તમાન તંત્ર આ મુદ્દે નિષ્ફળ સાબિત થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
વિરોધ કાર્યક્રમમાં જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનગઢ, સંજયભાઈ અજુડીયા, વૈશાલીબેન શિંદે, જયદીપ મયાત્રા, હરદીપભાઈ રાઠોડ, આર્યનભાઈ કુરેશી, કરીનાબેન કુરેશી,
હરેશભાઈ ભારાઈ, સુરેશભાઈ ગરૈયા, કનકસિંહ જાડેજા, ડાયાભાઈ શેઠિયા, દીપુબેન રવૈયા, નિલેશભાઈ મારુ, હીરાભાઈ પરમાર, હેમાંગીબેન ગોંડલીયા, સુનિલભાઈ ચાવડીયા, રસિકભાઈ ભટ્ટ, એસાનભાઈ ચૌહાણ, રણજીતભાઈ
મુંધવા, જલ્પેશભાઈ વાઘેલા, સલીમભાઈ કારીયાણીયા, જીતુભાઈ રાઠોડ, ભાવેશભાઈ વાઘેલા, યજ્ઞેશભાઈ જોશી, નીતિનભાઈ ભંડેરી, યોગીતાબેન વાડોલીયા, રાજુભાઈ ચાવડા, હિરલબેન રાઠોડ, મેપાભાઈ કણસાગરા, ગૌરવભાઈ
પુજારા, મયુરભાઈ શાહ, અલ્તાફભાઈ મેમોન, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા, કિશનભાઈ ગોંડલીયા, મિલનભાઈ પરમાર, નયનાબા જાડેજા, રૈયાભાઈ બાંભવા, જીગ્નેશભાઈ વાગડિયા, ધ્રુમિલ રાઠોડ, અનીશભાઈ જોશી,
જગદીશસિંહ જાડેજા, દીપેનભાઈ ભગદેવ, જયાબેન ટાક, નરેન્દ્ર પટેલ, ફેનિલભાઈ વોરા, બબીતાબેન ગઢીયા, સિકંદરભાઈ ડાકોરા, હાજીભાઈ ઓડિયા, અક્ષાંશ ગોસ્વામી, પ્રવીણભાઈ દેસાઈ, તુષારભાઈ નંદાણી, રાજુ અમરાણીયા,
ઠાકરશીભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
શુદ્ધ પાણી અને સારા રસ્તા નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે રાજકોટની જનતાને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તા અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ ન મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે. મહાનગરપાલિકા
તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક અને અસરકારક નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.




