તંત્રની ઐસી તૈસી! : રહેણાંક હેતુ માટે ફાળવાયેલી જમીન પર ખાનગી મેળાનું આયોજન
યાંત્રિક મંજૂરી, ફિટનેસ અને લાયસન્સ વિના જ ચકડોળ સહિતના રાઈડ્સ શરૂ કરાયાનો આક્ષેપ
- Advertisement -
રાજકોટ તાલુકાના સરધાર ગામે ભાવનગર હાઈવે પર લેઉવા પટેલ સમાજની બાજુમાં રહેણાંક હેતુ માટે ફાળવાયેલી જમીન પર હાલ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શૌર્ય ગ્રુપ દ્વારા આયોજિત આ મેળો 17 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે જે 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. પરંતુ મેળાના આયોજનને લઈને મંજૂરી અને સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા છે કે કલેક્ટર તંત્રની જરૂરી મંજૂરી વિના જ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે અને યાંત્રિક સાધનો માટે જરૂરી ફિટનેસ, સલામતી ચકાસણી તથા લાયસન્સ વિના જ રાઈડ્સ લોકો માટે ચાલુ કરી દેવામાં આવી છે. મેળામાં ચકડોળ સહિતના યાંત્રિક સાધનો મોટી સંખ્યામાં લોકોના મનોરંજન માટે ઉપયોગમાં લેવાઈ રહી હોય ત્યારે સવાલ એ છે કે આવા સાધનોની યાંત્રિક સલામતીની ચકાસણી કોણે કરી? ફિટનેસ પ્રમાણપત્ર ક્યાં છે? જરૂરી લાયસન્સ મેળવવામાં આવ્યું છે કે નહીં? અને સૌથી મહત્વનું જો કોઈ ચકડોળ કે અન્ય યાંત્રિક રાઈડમાં ખામી સર્જાય અને દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે?
મેળાના આયોજનને લઈને સૌથી ગંભીર મુદ્દો જરૂરી વહીવટી મંજૂરીનો છે. જો ખરેખર કલેક્ટર તંત્રની મંજૂરી મેળવવામાં આવી ન હોય તો તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. એક તરફ સામાન્ય નાગરિકને નાના કાર્યક્રમ માટે પણ વિવિધ પરવાનગીઓ અને પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, ત્યારે જાહેર સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવો ખાનગી મેળો જરૂરી મંજૂરી વિના શરૂ થઈ ગયો હોવાના આક્ષેપો સામે તંત્ર શા માટે નિષ્ક્રિય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. મેળામાં યાંત્રિક રાઈડ્સ માટે સલામતી સૌથી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. ચકડોળ, ઝૂલા અને અન્ય રાઈડ્સમાં ટેકનિકલ ખામી સર્જાય તો ક્ષણવારમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. છતાં ફિટનેસ અને યાંત્રિક સલામતીની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા વિના રાઈડ્સ શરૂ કરવામાં આવી હોય તો આ માત્ર નિયમભંગ નહીં પરંતુ લોકોના જીવ સાથેનો ગંભીર ખેલ ગણાય. તંત્ર દ્વારા ઘટનાની રાહ જોવાને બદલે મેળો શરૂ થાય તે પહેલાં જ તમામ યાંત્રિક સાધનોની ચકાસણી કરવી જરૂરી હતી. પરંતુ જો આવી ચકાસણી વિના જ મેળો ધમધમી રહ્યો હોય તો જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસવા જેવી બને છે.
આ સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો વીજતંત્ર તરફથી થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. PGVCL દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું જણાવાય છે કે માત્ર ઇલેક્ટ્રિકલ મંજૂરી જોઈને જ મેળાને વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. અહીં સવાલ એ છે કે વીજ જોડાણ માટે ઇલેક્ટ્રિકલ મંજૂરી મળી ગઈ એટલે શું મેળાની તમામ યાંત્રિક રાઈડ્સ સલામત બની જાય છે? ઇલેક્ટ્રિકલ મંજૂરી અને યાંત્રિક સાધનોની ફિટનેસ બંને અલગ બાબતો છે. ત્યારે વીજ પુરવઠો શરૂ કરતા પહેલાં મેળા માટે જરૂરી અન્ય મંજૂરીઓ અને સલામતી પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ જવાબદાર તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે.
- Advertisement -
આયોજકોની જવાબદારી પણ નક્કી થવી જરૂરી
મેળાના આયોજકો તરીકે મિલન ઢાંકેચા, કિરીટ બલદાણીયા, પ્રિતેશ રામાણી, પંકજ વસોયા, અશોક ટીંબડીયા, મનીષ ખૂંટ, વીર વસોયા, રાજદીપ લક્કડ, ઘનશ્યામ ઢાંકેચા અને દેવાંગ વસોયાના નામ સામે આવ્યા છે. જો મેળા માટે જરૂરી મંજૂરીઓ મેળવ્યા વિના યાંત્રિક રાઈડ્સ શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ સાચા હોય તો આયોજકો સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. સાથે જ સંબંધિત સરકારી વિભાગોએ પોતાની જવાબદારીમાંથી છટકી જવાને બદલે સમગ્ર મામલાની સ્થળ તપાસ કરી તમામ દસ્તાવેજોની ચકાસણી કરવી જોઈએ. હવે જોવાનું એ છે કે તંત્ર કોઈ અનિચ્છનીય દુર્ઘટના બને તેની રાહ જોશે કે પછી સમયસર જાગીને સરધારના આ મેળાની મંજૂરી, જમીનના ઉપયોગ, યાંત્રિક ફિટનેસ, લાયસન્સ, ફાયર સેફ્ટી અને વીજ સલામતી સહિતના તમામ મુદ્દે કડક તપાસ હાથ ધરશે?




