રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 14માંથી 12 દરખાસ્તો મંજૂર : એક નામંજૂર અને એક દરખાસ્ત પેન્ડિંગ
રેસકોર્સ ઓડિટોરિયમના રિનોવેશનની દરખાસ્ત નામંજૂર, પીપીપી ધોરણે એજન્સી શોધવા સૂચના
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વહીવટી તંત્ર, આર્થિક વ્યવસ્થા, સ્વચ્છતા અને પર્યાવરણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કુલ 14 દરખાસ્તો રજૂ કરવામાં
આવી હતી, જેમાંથી 12 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રાજકોટ મનપાના વાહનોમાં ડીઝલ ભરાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી મનપાના વાહનો માટે કન્ઝ્યુમર પંપ મારફતે ડીઝલ મેળવવામાં આવતું હતું. હવે મનપાના વાહનો માટે
સીધા રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. મનપાના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થાના અમલથી ડીઝલની ખરીદીમાં આર્થિક બચત થશે અને રાજકોટ મહાનગરપાલિકાને દર મહિને અંદાજે
રૂ.40 લાખનો આર્થિક લાભ થઈ શકે છે. વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો કરવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
બેઠકમાં રેસકોર્સ ઓડિટોરિયમના રિનોવેશન માટે રજૂ કરાયેલી દરખાસ્ત નંબર-4ને નામંજૂર કરવામાં આવી હતી. ઓડિટોરિયમના નવીનીકરણ માટે હવે મનપા દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે નવી
એજન્સીની પસંદગી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે. આ માટે આગામી ચાર મહિનામાં યોગ્ય એજન્સી શોધવા સૂચના આપવામાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન યોગ્ય એજન્સી મળી નહીં આવે તો રિનોવેશનની
આ દરખાસ્તને ફરીથી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સમીક્ષા માટે રજૂ કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટ શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને પર્યાવરણ સંબંધિત કામગીરીને મજબૂત કરવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકાર માન્ય નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસિસ ઇન્કોર્પોરેટેડ
(એનઆઈસીએસઆઈ) એજન્સી દ્વારા 16 પોર્ટલ પર કામગીરી હાથ ધરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી સ્વચ્છતા સર્વેક્ષણ તથા ડેટા રોડમેપને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે. મનપાના
મતે સ્વચ્છતા સંબંધિત કામગીરી અને તેના ડેટાનું યોગ્ય સંચાલન થવાથી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વધુ ગ્રાન્ટ મેળવવામાં પણ મદદ મળી શકે છે.
એર પોલ્યુશન અને ડસ્ટ ફ્રી કામગીરી પર ભાર
શહેરમાં હવાના પ્રદૂષણને ઘટાડવા તેમજ ધૂળની સમસ્યા નિયંત્રણમાં લેવા માટે ડસ્ટ ફ્રી કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કામગીરી વધુ
અસરકારક બને તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. મનપા તંત્રનું માનવું છે કે સ્વચ્છતા, ડસ્ટ ફ્રી કામગીરી અને એર પોલ્યુશન નિયંત્રણ માટેના પ્રયાસો આગામી સમયમાં રાજકોટના સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામોમાં
પણ સકારાત્મક અસર પાડી શકે છે.




