બંધ પડેલી પોલીસ ચોકી પર દારૂડિયાઓનો કબજો? તંત્ર ક્યારે લેશે ગંભીર નોંધ?
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે. જોકે, જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી હાલ બંધ હાલતમાં હોવાથી આ સ્થળની હાલની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ, બંધ પડેલી આ પોલીસ ચોકી અને આસપાસનો વિસ્તાર દારૂ પીનારા લોકો માટે જાણે અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ ચોકી જેવી જગ્યાએ જ દારૂડિયાઓ બેસતા હોવાના આક્ષેપો સામે આવતા પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
- Advertisement -
ચોકી બંધ હોવાનો લાભ લઈને અસામાજિક તત્વો અહીં એકત્ર થતા હોવાની ચર્ચા છે. ખાસ કરીને સાંજના અને રાત્રિના સમયે આવા લોકોની અવરજવર વધતી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં પણ અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. એક તરફ શહેરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને સેવન સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ બંધ પડેલી પોલીસ ચોકીનો જ દારૂડિયાઓ દ્વારા ઉપયોગ થતો હોય તો આ બાબત પોલીસ તંત્ર માટે ચિંતાજનક બની શકે છે.
પોલીસ ચોકી જ જો દારૂ પીનારાઓ માટે અડ્ડો બની જાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થાય છે. સ્થાનિકો દ્વારા જૂની કુવાડવા રોડ પોલીસ ચોકીની સ્થિતિ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે, સ્થળ પર રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે અને દારૂ પીતા કે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે જૂની કુવાડવા રોડ પોલીસ ચોકીની આ સ્થિતિ અંગે રાજકોટ પોલીસ તંત્ર ક્યારે ગંભીર નોંધ લે છે અને સ્થળને દારૂડિયાઓના અડ્ડામાંથી મુક્ત કરાવવા શું કાર્યવાહી કરે છે.




