રાજકોટ જિલ્લા દૂધ સંઘે ઉત્પાદકોને 75 કરોડનો ભાવફેર આપ્યો
પશુઓની સંખ્યા ઓછી હોવાથી IVF ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાંસદ રૂપાલાની ટકોર
- Advertisement -
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂઘ સંઘે વર્ષ 2025-26ના નફામાંથી પ્રતિ કીલો ફેટે રૂ. 84 લેખે 761 મંડળીના 52182 દૂધ ઉત્પાદકના ખાતામાં કુલ રૂ.75 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. જન્માષ્ટમીના તહેવાર પૂર્વે મંડળીઓને દૂધના ભાવફેર જમા આપવામાં આવતા પશુપલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પશુપાલકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, આપણી પાસે પશુ છે પણ દૂધ આપતા પશુ ઓછા છે માટે હવે ટેક્નોલોજી સાથે ચાલી IVFની મદદથી વાછરડી જ જન્મે તેવા સીમેન ઉપયોગ કરી પશુપાલકોએ આગળ વધવાની આવશ્યકતા છે. રાજ્યના પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ પણ દૂધમાં કોઈ પણ ભેળસેળ ચલાવી લેવામાં નહિ આવે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. દૂધ મંડળીના આગેવાનોને ભેળસેળ ન થાય તેની જવાબદારી લેવા સૂચના આપી હતી.
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2025-26માં રૂપિયા 1185 કરોડનું ટર્નઓવર થયું છે અને તેમાં 90 કરોડથી પણ વધુનો કાચો નફો થયો છે. ત્યારે 75 કરોડ રકમ ભાવફેર તરીકે આજે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં સંઘને કુલ 288 કરોડ કાચો નફો થયો છે જેમાંથી 70 ટકા એટલે 196 કરોડ રૂપિયા રકમ પશુપાલકોને પરત ચુકવામાં આવી છે. દૂધ સંઘ દ્વારા 227 દૂધ મંડળીના દૂધમાં ભેળસેળ સામે આવતા તેમાં કલર ઉમેરી નાશ કરી દેવામાં આવ્યો છે અને તેમની પાસેથી 97 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, દૂધ ડેરી શરૂ કરવા માટે અમે ચોક્કસ સાથ સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં. લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં રાજકોટ ડેરી દ્વારા ચલાવવામાં આવતા નથી. જે લોકો ભેળસેળ કરે છે તે મંડળીને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. મંડળીના આગેવાનોને વિનંતી કરું છું કે, ભેળસેળ ન થાય એ જવાબદારી તમારી પણ છે, તમે જ ભેળસેળ વગર દૂધ આવે તેનું ધ્યાન રાખો કારણ કે, રાજકોટ ડેરી તમને પૂરતો ભાવ પણ આપે છે અને પછી ભાવફેર પણ આપે છે, માટે ભેળસેળ ક્યારે પણ ચલાવી લેવામાં નહિ આવે.
- Advertisement -
‘બાયો CNG પ્લાન્ટ માટે સરકાર મદદ કરશે’ : મંત્રી જીતુ વાઘાણી
મંત્રી જીતુ વાઘાણીએ પણ આગામી દિવસો બાયો CNG પ્લાન્ટ માટે પહેલ કરી શરૂઆત કરવા ડેરીના ચેરમેનને અપીલ કરી હતી. જેમાં સરકાર પૂરતી મદદ કરશે અને સહાય પણ આપશે તેવી જાહેરાત કરી નવી પહેલ શરૂ કરવા રાજકોટ સહકારી આગેવાનોને પણ સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરી દ્વારા દૂધ મંડળીઓ પાસેથી દૈનિક હજારો લીટર દૂધની ખરીદી કરવામાં આવે છે અને નિયમીત પણે તમામ મંડળીઓના હિસાબ પણ ચૂકવવામાં આવે છે.




