રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
હત્યા, હત્યાની કોશિષ, દુષ્કર્મના કેસોમાં આરોપીઓને સજા અપાવવાની કાબિલેદાદ કામગીરી
- Advertisement -
રાજકોટમાં ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડક સજા કરાવવા માટે પોલીસ જવાનોની જે તે ગુનામાં દસ્તાવેજી પુરાવા, સાહેદોની જુબાની, ફોરેન્સિક રિપોર્ટ સહિતની કામગીરી મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે ત્યારે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નિલેશભાઈ મકવાણાને આ જ પ્રકારની કાબિલેદાદ કામગીરી કરવા બદલ ગોંડલ સ્વાતંત્ર્ય પર્વ દિને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેર પોલીસ દળમાં છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા નિલેશભાઈ મુળજીભાઈ મકવાણાનું ગોંડલ ખાતે ધ્વજવંદન બાદ કૃષિમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક ગંભીર ગુનાઓમાં આરોપીઓને કડક સજા કરાવી પાછળ ધકેલી દીધા છે તેમણે હત્યાના 3 ગુનામાં 3 આરોપીઓને આજીવન કેદની સજા, હત્યાની કોશિષનાં 1 ગુનામાં 3 આરોપીઓને 12-12 વર્ષની સજા, પોક્સો વિથ દુષ્કર્મના 8 કેસમાં 9 આરોપીઓને આજીવન કેદથી 20 વર્ષ સુધીની સજા કરાવવા સહિતની મહત્વપૂર્ણ દસ્તાવેજી કામગીરી કરી હતી આ ઉપરાંત 27 ગુનેગારોને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે અપહરણના કેસોમાં 23 બાળકોને શોધી કાઢવાની પણ કાબિલેદાદ કામગીરી કરી છે આ ઉપરાંત જમીન કૌભાંડના કેસમાં 1 આરોપીને સાત વર્ષની સજા અપાવવામાં પણ મહત્વની કામગીરી કરી છે અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે તે મુજબ નિલેષભાઈના પિતા, કાકા, મોટાબાપુ, દાદા, મામા, નાના, ભાઈ બધા પોલીસ દળમાં ફરજ બજાવી ચુક્યા છે પરિવાર અને મોસાળ દ્વારા ચીંધવામાં આવેલા માર્ગ ઉપર જ ચાલીને નિલેશભાઈએ વારસો જાળવી રાખ્યો છે.
મૃતક મહાવીરસિંહ સિંધવના રાજકોટ રહેતા પોલીસમેન ભાઈ-પિતા પાસે વ્યાજખોરોની 1.35 કરોડની ઉઘરાણી કરી ધમકી : જો પૈસા નહિ આપો તો તને અને તારા પિતાને બિલ્ડીંગમાંથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દેશુ
સુરેન્દ્રનગર જિલ્લાના નિવૃત આર્મીમેન અને ગુજસીટોકના આરોપી અને હાલમાં જ અવસાન પામેલ મહાવીરસિંહ સિંધવના પોલીસમેન ભાઈ અને પિતાને વ્યાજખોરોએ ધમકી આપી પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી. તારા ભાઈ મહાવીરસિંહને અમે 1.35 કરોડ વ્યાજે આપેલ હતા, તે રૂપિયા તારે અમને પરત આપવા પડશે નહીંતર તને અને તારા બાપને કોઈક બિલ્ડીંગ પર લઇ જઈ તારા ભાઈની જેમ નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દેશું તેવી ધમકી વ્યાજખોરોએ આપી હતી. સમગ્ર મામલે એલઆરડી જવાને પ્ર.નગર પોલીસ મથકે વ્યવાજખોર બેલડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે મૂળ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ રાજકોટ શહેરના રેસકોર્સ રીંગ રોડ પર સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષીય કોન્સ્ટેબલ કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવે ચુડાના ચોકડી ગામના રાજા હરજી રાતડિયા અને સુરેન્દ્રનગરના રમેશ ઉર્ફે ચોટી કુંમરા વરૂ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અનાર્મ લોકરક્ષક તરીકે અઢી વર્ષથી ફરજ બજાવે છે. તેમના મોટાભાઇ મહાવીરસિંહ અમદાવાદ રહેતા હતા તેમનું ગઇ તા.09/06 ના રોજ અવસાન થયેલ છે. માતા-પિતા વતન ચોકડી મુકામે ખેતીકામ કરે છે ગઇ તા.09/06 ના મોટાભાઈ મહાવીરસિંહનું અમદાવાદ તેમના ફ્લેટ ખાતે ચોથા માળેથી નિચે પટકાવવાથી અવસાન થયેલ હતું. જેમનું બેસણું તા. 13/06 ના રોજ રાખેલ હતુ. આ વખતે બેસણામા ગામના રાજા રાતડીયા અને તેની સાથે રમેશ ઉર્ફે ચોટી વરૂ તથા અન્ય ત્રણ અજાણ્યા માણસો આવેલ હતા. રાજાએ પોલીસમેનના પિતાને ઘરની બહાર બોલાવેલ ત્યારે તેઓ પણ પિતા સાથે ઘરની બહાર રાજા પાસે ગયેલ હતો. ત્યારે આરોપીએ પિતાને કહેલ કે, અમે તમારા દિકરા મહાવીરસિંહને રૂ.1.35 કરોડ વ્યાજે આપેલ હતા, જે રૂપીયા અમારે લેવાનાં બાકી છે. જેથી પિતાએ બંને શખ્સોને કહેલ કે, મારા દિકરાએ અમને કોઇ દિવસ તમારી પાસેથી વ્યાજથી રૂપીયા લીધેલ હોય તેવી વાત કરેલ નથી, તેમજ મહાવિરસીંહ સાથે છેલ્લા ચાર વર્ષથી અમારે કોઇ સબંધ નથી. ત્યારે રાજા રાતડીયા તથા રમેશ ઉર્ફે ચોટીએ કહેલ કે, અમે મહાવિરસિંહને આપેલ રૂપીયા તમારે બાપ-દિકરાએ આપવા જ પડશે કહી જતાં રહેલ હતા.ગઇ તા.27/06 ના રાજા રાતડીયાનો ફોન આવેલ કે, તારા ભાઇ મહાવિરસિંહને આપેલ રૂપીયા બાબતે આપણે કયારે મળવુ છે ? તો તેમને કહેલ કે, મારા ભાઈ મહાવિરસિંહને તમે આપેલ રૂપીયા બાબતે હું કાંઈ જાણતો નથી, તમારે રૂપીયા બાબતે મને ફોન કરવો નહી. ત્યારે રાજા રાતડીયાએ કહેલ કે, તારા ભાઇને આપેલ રૂપીયા તારે તો આપવા જ પડશે, તુ રૂપીયા નહી આપે તો તારો ભાઇ જેમ બિલ્ડીંગમાંથી પડીને મરી ગયેલ હતો, તેવી જ રીતે તને અને તારા બાપને પણ કોઇ બિલ્ડીંગ ઉપર લઇ જઈને નીચે ફેંકીને મારી નાખીશુ તેમ કહી ગાળો આપવા લાગેલ હતા. બાદ ગઇ તા.04/07 ના સાંજના ફરીવાર રાજા રાતડીયાએ ફોન કર્યો હત, ત્યારે રાજા રાતડીયા સાથે રમેશ વરૂનો ફોન ચાલુ હતો કોન્ફરન્સ કોલમાં રમેશ ઉર્ફે ચોટીએ કહેલ કે, તમારા ભાઈ મહાવિરસિંહને આપેલ રૂપીયા બાબતે આપણે કયારે મળવુ છે ? તેને કહેલ કે, હું રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોકરી ઉપ2 હાજર થઇ ગયેલ છુ, મારા ભાઇ મહાવિરસિંહને તમે આપેલ રૂપીયા બાબતે હું કાંઇ જાણતો નથી, મારા પિતા સાથે રૂપીયા બાબતે વાત કરેલ હતી.મારા પિતાએ મને કહેલ કે, તારે રૂપીયાની મેટરમાં કોઈ પણ જાતની કોઇ સાથે વાત કરવાની નથી અને મે જે જવાબ આપવાનો છે તે જવાબ આપી દિધેલ છે. જે સાંભળતા બંને શખ્સો ઉશ્કેરાઇ ગયેલ અને રૂપીયા આપવા બાબતે ધમકાવવા લાગેલ હતા. બંનેએ કહેલ કે, સીધી રીતે રૂપીયા આપી દેજો નહી, તો અમારી પાસે રૂપીયા કઢાવવાનાં ઘણા રસ્તા છે, તું અમને હજુ ઓળખતો નથી, અમારા વિશે ગામમાં કોઇને પુછી લેજે કહી ગર્ભીત ધમકી આપેલ હતી. જે અંગે બેલડી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં લોક રક્ષક જવાન તરીકે નોકરી કરતા પોલીસ મેને પ્ર. નગર પોલીસ મથકમાં વ્યાજખોર બેલડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
મેટોડામાં પુત્રની પરિણીત પ્રેમીકા સહિતના શખ્સોના ત્રાસથી કંટાળી વૃધ્ધ માતાએ ફાંસો ખાઈ જીવ દીધો : પુત્રને ફસાવી જુગારી નિકુ દર મહિને 25 હજાર પડાવતી : લાખોના દાગીના પણ કરાવી લીધા
મેટોડા જીઆઇડીસીના આશુતોષ પાર્કમાં પુત્રની પરિણીત પ્રેમીકા સહિતના શખ્સોના ત્રાસથી કંટાળી વૃધ્ધ માતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. મેટોડા પોલીસ મથકમાં મરવા મજબુર કર્યાની ફરીયાદ પણ નોંધાઈ છે. મુળ પાટણવાવના વતની અને હાલ મેટોડા જીઆઇડીસીમાં આશુતોષ પાર્કમાં રહેતાં મયુરકુમાર રસીકભાઈ મારૂએ નિરૂબા ઉર્ફે નિકુ સંજય વાજા, સંજય વાજા, હેતલબેન શાકવાળા, ઉકા ઉનેવાલ, જશુબેન ઉકા ઉનેવાલ, સુધાબેન અને સંજય કોળી સામે મેટોડા પોલીસમાં માતાને મરવા મજબુર કરવા અંગે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કટારીયા ચોકડી પર આવેલ નોસબાઇટ સ્નેક્સ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે ફરીયાદી અને નીકુ એક બીજાને પસંદ કરવા લાગેલ અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયેલ હતો. આ નીકુને જુગાર રમવાની ટેવ વાળી હોય તે અવાર નવાર રૂપીયાની માંગણી કરવા લાગેલ અને તે દર મહિને તેને રૂ.20 હજારથી રૂ.25 હજાર આપતો હતો. લગભગ ચારેક વર્ષ સુધી આ નીકુને દર મહીને પૈસા આપેલ હતા. યુવકે મહેનતની કમાણીમાંથી ધીમે ધીમે તેને ઘરેણા કરી આપેલ હતા. જે ઘરેણાના બીલ નીકુના કહેવાથી તેના પતિ સંજય વાજાના નામે લીધેલ હતા. એકાદ વર્ષ પહેલા નીકુ અને તેના પતિ સંજયને મેટોડા શ્રીનાથ રેસીડેન્સીમાં મકાન લેવાનું હોય જેથી યુવક પાસે રહેલ સોસાયટીના વહીવટના પૈસા માંથી રૂ.3.50 લાખ રોકડા નીકુ અને તેના પતિ સંજયને આપેલ અને પોતે તે પૈસાનું રૂ.4800 વ્યાજ સોસાયટીને ચુકવતો હતો. છએક મહિના પહેલા યુવકના સામેના ફ્લેટમાં ભાડેથી એકલા રહેતા હેતલબેન શાક વાળાના ઘરે ચીભડા ગામના સંજયભાઇ કોળી અવાર નવાર આવતા હોય જેથી માતા રસીલાબેનને વાત કરેલ કે, આપણે મકાન ખુલ્લુ રાખીને પણ બેસી શકતા નથી આ હેતલબેન વારંવાર સંજયને તેમના ઘરે બોલાવ્યા કરે છે.જેથી તેમના મકાન માલીકને રજુઆત કરતા તે બંને સાથે ઝઘડો થયેલ હતો. જે અંગે પોલીસમાં અરજી કરતા અમારા બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયેલ હતુ. બાજુમાં રહેતા ઉકાભાઇ, જશુબેન ઉનેવાલ તથા સુધાબેન પણ આ લોકોનુ ઉપરાણું લઇ માતા સાથે બોલાચાલી કરેલ હતી. તેમજ એકાદ વર્ષ પહેલા પૈસાની જરૂર હોય જેથી નીકુ પાસેથી પૈસાની માંગણી કરતા દંપતીએ કહેલ કે, અમારી પાસે હાલ પૈસા નથી, તે કરાવી દીધેલા ઘરેણા ગીરવે મુકીને ગોલ્ડ લોન લઇ લે. પછી ઘરેણા છોડાવી અમને પાછા આપી દેજે તેમ વાત કરી દાગીના આપતા ચારેક લાખની ગોલ્ડ લોન લીધેલ હતી. નીકુને દર મહિને પૈસા આપવાનું બંધ કરી દેતાં તે વારંવાર પૈસાની માંગણી કરવા લાગી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગેલ હતી. તેમજ ઘરેણા પરત માંગવા લાગેલ હતી. અને ચારેક મહિના પહેલા નિકુ ઘરે આવી માતા રસીલાબેનને કહેવા લાગેલ કે, તમારો છોકરો ક્યા ગયો છે? એને કહેજો મારા ઘરેણા, તમારા મકાનના કાગળીયા તથા તમારી કાર આપી દો અને ઘરની બહાર નીકળી જાવ, બાકી સારાવાટ નહી રહે તેવી ધમકી આપેલ તેમજ બહેન જીંકલબેનને બે વખત ફોન કરીને ધમકી આપેલ કે, તારા ભાઇને સમજાવી દે જે મારા ઘરેણા, પૈસા, મકાન તથા ગાડી આપી દે બાકી સારાવાટ નહી. ત્યારબાદ આ નિકુ અને તેના પતિએ યુવકના વિરુધ્ધમા ખોટી અરજીઓ કરી ઘરેણા પડાવી લેવાનો પ્રયત્ન કરેલ અને માતા પુત્ર ઘરની બહાર નીકળે ત્યારે આ લોકો જેમ ફાવે તેમ ગાળો આપી માનસીક ત્રાસ આપવા લાગતાં આ લોકોના સતત ટોર્ચરના લીધે માતા એકાદ અઠવાડીયાથી ડિપ્રેશનમા રહેતા હતા.ગઇ તા.14 ના સવારના નવ વાગ્યે યુવક નોકરી ઉપર ગયેલ અને સાંજના માતા રસીલાબેનને ફોન કરી વસ્તુ લાવવાની છે કે કેમ? તે અંગે પુછતા તેમણે દાબેલી નાસ્તામાં મંગાવેલ હતી. જે લઇ છએક વાગ્યે ઘરે પરત આવી ગયેલ હતો. સાંજના જમીને માતા રસીલાબેન તેમના રૂમમાં જતા રહેલ હતા. રાત્રીના દશેક વાગ્યે તેમના રૂમમાં પાણી દેવા માટે ગયેલ.ત્યારે તેમણે મને ગોદડુ ઓઢાડવાનું કહેતા તેમને ગોદડુ ઓઢાડેલ અને વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસમાં તે પાણી પીવા માટે જાગેલ ત્યારે માતા તેમના બેડ ઉપર સુતેલ હતા. સવારે સાતેક વાગ્યે યુવક જાગેલ ત્યારે જોયેલ તો 2સોડામાં પંખે ચુંદડી બાંધી માતા ગળાફાસો ખાઈ લીધેલ હતો. જેથી તુરત અમારી બાજુમાં રહેતા ઉકાભાઇને બોલાવેલ અને પોલીસને જાણ કરેલ હતી.માતાનો ફોટો તથા આધાર કોર્ડ શોધતા હતા ત્યારે કબાટના ડ્રોઅરમાંથી ઘડી વાળેલ એક નોટબુકનો અડધો કાગળ મળેલ જે ખોલી જોતા તેમા માતાએ લખેલ સુસાઇડ નોટ મળેલ હતી. જે બનાવ અંગે મેટોડા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
એક વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ બુટલેગર 1548 બોટલ દારૂ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાયાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા નામચીન આરોપી જયેશ સરેણાને ભરૂડી ટોલ નાકા પાસેથી 1548 બોટલ વિદેશી દારૂ અને ટ્રક સાથે ઝડપી લીધો છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલી સૂચના અન્વયે એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલ આરોપી જયેશ માધાભાઈ સરેણા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને નીકળવાનો છે આ બાતમી આધારે ગોંડલ તાલુકાના ભરુડી ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી આરોપીને તેના સાગરીત સાથે ઝડપી લીધો હતો પોલીસે આ દરોડા દરમિયાન રુ.4,87,296.ની કિંમત ની અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,548 બોટલ જપ્ત કરી ઉપરાંત રૂા.15,00,000ની કિંમતનો એક ટ્રક અને 11,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ 19,98,296નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ દરોડામાં પોલીસે જયેશભાઈ માધાભાઈ સરેણા અને પ્રવીણભાઈ ઉર્ફે પવલો ધનાભાઈ કારેણાની ધરપકડ કરી છે. જ્યારે મધ્યપ્રદેશના ખંડવાથી દારૂનો જથ્થો મોકલનાર વીરજન અને જૂનાગઢના કેશોદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર રાહુલને વોન્ટેડ જાહેર કરી તેમની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટમાં વૃદ્ધાની સાર સંભાળ રાખતી માહીએ 16.70 લાખની મતા ચોરી ગઈ : માલવીયાનગર પોલીસે ગુનો નોંધી મહિલાની કરી ધરપકડ : અન્ય એકની શોધખોળ
રાજકોટમાં કેરટેકર મહિલાએ વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.16 લાખના દાગીના અને રૂ.70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્તેશમમાં નોંધાઈ હતી જેમાં કેરટેકર તરીકે કામ કરતી રાજસ્થાની મહિલાએ 16 તોલાથી વધુ સોનુ અને 70,000 રોકડ સેરવી લઈ બીમાર હોવાનું બહાનું બનાવી રાજસ્થાન પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી બીજા દિવસે ચોરી અંગે જાણ થતા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપી મહિલા કેરટેકરની ધરપકડ કરી પુછપરછ કરતા અગાઉ કામ કરતી અન્ય એક રાજસ્થાની કેરટેકર મહિલાએ પણ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે ફરાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, કારખાનેદાર વિપુલભાઈ નાનજીભાઈ પટેલએ તેમની માતાની સારસંભાળ માટે કેરટેકર તરીકે મહિલાને કામે રાખી હતી. જેમાં તા.15.07.2026ના રોજ રાજસ્થાની મહિલા બંસતીકુમારી ધુલેશ્વર મીણા ઘરે કામ કરવા માટે આવી હતી તેને માસીક 18,000 પગાર નક્કી કરવામાં આવ્યો હતો. બંસતીએ તબીયત સારી નથી મારે ઘરે રાજસ્થાન જવુ છે કહી તા.13.08.2026ના રોજ સાંજના 4.30 વાગ્યે નીકળી હતી બાદમાં 5 વાગ્યા આસપાસ ફરિયાદીને તેમની માતાએ કબાટમાં રાખેલ પર્સમાંથી રૂપીયા માંગતા પર્સમાંથી રૂપીયા 70,000 ઓછા હોવાનું સામે આવતા ચોરી થયાની જાણ થઇ હતી.આ પછી તપાસ કરતા રોક ઉપરાંત 16 તોલાથી વધુ વજનના દાગીના પણ ગાયબ હતા જેથી ઘરે કામ કરતી બંસતકુમારી 16 લાખના દાગીના અને 70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કર્યા અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલાની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી કુલ 13.45 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ બાકીના મુદામાલ અંગે પુછપરછ કરતા વૃધ્ધાની બે સોનાની બંગડી અગાઉ કેરટેકર તરીકે કામ કરતી મહિલાએ ચોરી કર્યા અંગે હકીકત જણાવતા પોલીસ ફરાર મહિલા આરોપી મીના કુમારી મીણાની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી બસંતી ધુલેશ્વર મીણા 15.07.2026થી ફરિયાદીના ઘરે માસીક રૂપિયા 18,000 પગાર પર કામે લાગી હતી. આ પછી તેને વૃધ્ધાની માતાની સારસંભાળ રાખતા રાખતા રોકડ અને દાગીના અંગે રેકી કરી બાદમાં ચોરીને અંજામ આપી તબિયત સારી ન હોવાનું બહાનું કરી નાસી છૂટી હતી. જયારે વૃધ્ધાની બે સોનાની બંગડી જૂન અને જુલાઈ મહિના દરમિયાન કામ કરતી રાજસ્થાની મહિલા મીના કુમારી મીણાએ ચોરી કર્યાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
વિછિયા વાડીમાંથી 1556 બોટલ દારૂ ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કાર અને પાણીના ટાંકામાં સંતાડ્યો હતો દારૂ : 21.35 લાખનો મુદામાલ કબ્જે : બે વોન્ટેડ
રાજ્યભરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે વિંછીયાના મોટા માત્રા ગામના વાડી વિસ્તારમાં સ્ટેટ દરોડો પાડી 9,35,230 રૂપિયાનો 1556 બોટલ દારૂ સહીત 21.35 લાખનો મુદામાલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ એસ.એ.જાડેજાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે મોટા માત્રા ગામમાં વિજય ભરત ખાચર નામના વ્યક્તિની વાડીમાં દારૂ ઉતારવામાં આવી રહ્યો છે આ બાતમી આધારે ટીમે વાડીમાં દરોડો પાડ્યો હતો અહીં પાર્ક કરેલી એક કાર તેમજ જમીનમાં બનાવેલા પાણીના ખાલી ટાંકામાં સંતાડેલો દારૂની 1556 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,556 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો દારૂના આ જથ્થા ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 21.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC દ્વારા આ સમગ્ર મામલે વિછિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી વિજય ભરત ખાચર તેમજ દારૂ મોકલાવનારા વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં ચોકલેટ-વેફરની લાલચ આપી શખસે બાળકી પાસે બિભત્સ હરકત કરાવી : પંચરની દુકાનમાં આચરેલું કૃત્ય : આજી ડેમ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
રાજકોટમાં સમાજનું માથું શરમથી ઝૂકી જાય તે પ્રકારની ઘટના સામે આવી છે. પંચરની દુકાન ધરાવતા શખસે 10 વર્ષની બાળકીને ચોકલેટ અને વેફર આપવાની લાલચ આપી તેની સાથે બિભત્સ હરકત કરાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શહેરના એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને ત્યાં જ પોતાની પંચરની દુકાન ધરાવતા શાંતિલાલ મોહનભાઈ કાપડીયા 15 ઓગસ્ટના સવારે 11 વાગ્યા આસપાસ ત્યાં જ રહેતી 10 વર્ષની બાળકીને પોતાની પાસે બોલાવી હતી. બાળકીને વેફર અને ચોકલેટ આપીશ તેવી લાલચ આપી હતી. જે બાદ આ શખસે બાળકીને પોતાની પંચરની દુકાનમાં લઈ ગયો હતો.દુકાનમાં લઈ ગયા બાદ બાળકીને ટેબલ નીચે બેસાડી બિભત્સ ચેનચાળા કરીને હવસ સંતોષી હતી. જો કે બાદમાં બાળકી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ચાલી ગઈ હતી અને ઘરે પહોંચ્યા બાદ બાળકીએ શખસની કરતૂત માતાને જણાવી હતી. જેથી બાળકીની માતાએ હિંમતપૂર્વક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના કનકનગરમાં ખુલ્લી રહેલી દુકાનમાંથી 4 લાખની ચાંદીની ચોરી : સીસીટીવી ફુટેજમાં કેદ મહિલાને ક્રાઈમ બ્રાંચે મુદામાલ સાથે ઝડપી લીધી
રાજકોટના સંતકબીર રોડ નજીક કનક નગરમાં ઘરમાં આવેલી દુકાનમાં ચાંદીનુ કામ કરતા શ્રમીક યુવકની ખૂલ્લી દુકાનમાંથી રૂ. ચાર લાખના ચાંદીની ચોરી થયાની ફરીયાદ થતા થોરાળા પોલીસે ગુનો નોધી તપાસ કરતા સીસીટીવીમાં એક સાડી પહેરેલી મહિલા કેદ થઈ જતા ક્રાઈમ બ્રાંચે ચોરી કરનાર મહિલાને ઝડપી લઈ તેની પાસેથી રૂ.૨.૭૦ લાખનું ચાંદી કબજે કરી વધુ કાર્યવાહી કરી છે. રાજકોટના સંતકબીર રોડ નજીક કનક નગરમાં રહેતા અને ઘરની દુકાનમાં ચાંદી કામની મજુરી કામ કરતા રાજેશભાઈ વલ્લભભાઈ પીઠવાએ થોરાળા પોલીસમાં ફરીયાદ કરી હતી. ઘરની આગળ એસ. એસ. સિલ્વર આર્ટ નામથી ચાંદીકામનો વ્યવસાય કરતા હોય અને તેમના ભાઈ રાજેશભાઈ ૧૫ ઓગસ્ટના બપોરે પોણા બે વાગ્યાની આસપાસ દુકાનનું શટર બંધ કરી પાછળના ભાગે ઘરમાં જમવા ગયા હતા. બાદમાં બપોરે સાડા ત્રણ વાગ્યે દુકાન ખોલ્યા બાદ કારીગરે ચાંદીની પટ્ટી લેવા જતા માલુમ પડયું હતું કે એક કિલો ૪૦૦ ગ્રામ ચાંદી ગાયબ હતી. શોધખોળ કર્યા છતા નહી મળતા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં બપોરે ૧:૪૫થી ૩:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સાડી પહેરેલી અને ખભા પર કચરો ભરવાનો થેલો ભરાવેલી એક અજાણી મહિલા ખુલ્લી દુકાનમાં અંદર પ્રવેશતી જોવા મળી હતી અને તેને ચાંદીની ચોરી કરી નાસી ગયાનું બહાર આવતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ ચાવડા સહીતની ટીમે માર્કેટીંગ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતી લીલા ધીરૂભાઈ વાઘેલાની અટકાયત કરી તેની પાસેથી રૂ.૨.૭૦ લાખની ચાંદી કબજે કરી વધુ પુછતાછ કરી છે.
જેતપુર પાસે હોટલ વ્રજ વાટીકામાં ચાલતા જુગારધામ પર રેન્જ સ્ક્વોડ ત્રાટકી : 9 શખ્સોની 12 લાખની રોકડ સહીત 41.26 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
રાજકોટ જિલ્લાના જેતપુરના જૂનાગઢ હાઇવે રોડ પર આવેલી હોટલ વ્રજ વાટીકા હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીને આધારે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી હોટેલ માલીક સહિત નવ શખ્સોને રૂપિયા ૧૨,૨૬,૧૦૦ની રોકડ રકમ તથા બે કાર અને છ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૧,૨૬,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતાં. જેતપુર-જૂનાગઢ હાઈવે રોડ પર જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલના માલિક દીપકભાઈ જમનભાઈ પોલરા તથા હોટલમાં સંચાલન કરતા પરેશભાઈ ભીખુભાઈ કાછડીયા બહારથી માણસો બોલાવી નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની રાજકોટ રેન્જ પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેન્જ ટીમના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો પોલીસે જેતપુરના પરેશભાઈ ઉર્ફે બટર ભીખુભાઈ કાછડીયા અને અનિલભાઈ શાંતિભાઈ વેકરીયા, મંડલીકપુરના હરેશભાઈ છગનભાઈ સંગાણીયા, ખંભાળિયાના ગોગનભાઈ નાથાભાઈ પરમાર, માયાભાઈ જાડાભાઈ માયાણી, કુતિયાણાના રામજીભાઈ ઉર્ફે રામદે ગોગનભાઈ ભોગેસરા, કાનાભાઈ દેવાભાઈ બામણીયા, જૂનાગઢના ભાવેશભાઈ રસીકભાઈ ધુણેસીયાની ધરપકડ કરી પોલીસે હોટલ માલીક દીપકભાઈને પોલીસે ૧૨,૨૬,૧૦૦ની રોકડ રકમ તથા બે કાર અને છ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૧,૨૬,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં તમામ આરોપીઓ વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઢાંઢણી ગામે રાત્રે કૌટુંબિક ભાભીને મળવા ગયેલા યુવાન ઉપર પરિવારનો હુમલો : આજી ડેમ પોલીસમાં બે મહિલા સહિત ચાર સામે નોંધાતો ગુનો
રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં રાત્રિના સમયે છૂપાઈને મળવા ગયેલા યુવક પર બે મહિલાઓ સહીત ચાર શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગામે રહેતા અને સરકારી નોકરીની તૈયારી કરતા અલ્પેશભાઈ ભીમજીભાઈ વઘેરા (ઉ.૨૮) તા. ૧૪/૦૮ના રોજ રાત્રિના આશરે સાડા દસેક વાગ્યે તેના કુટુંબી ભાઈના ઘરે હતો ત્યારે પુંજાભાઈ વઘેરા, તેની પત્ની, પુત્ર મુકેશ અને પુત્રી સહીતે લોખંડના સળીયા વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે આજીડેમ પોલીસે તપાસ કરતા તેની સાથે સરકારી નોકરીની તૈયારી કરતી કૌટુંબિક ભાભી અંજુબેનને રાત્રીના મળવા તેના ઘેર ગયો હતો તે દરમિયાન તેના પતિ સહિતના સાસરિયાઓએ હુમલો કર્યો હોવાનુ જણાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.
મીશો કંપનીના ઓનલાઈન ઓર્ડરમાં ડિલિવરી બોય દ્વારા છેતરપિંડી : વેપારીના પાર્સલ બદલાવી ડીલવરી બોયએ આચરી 3.70 લાખની ઠગાઈ
રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં ઓનલાઈન વેપાર કરતા વેપારીઓના પાર્સલની અદલાબદલી કરી રૂ.૩.૭૦ લાખનું નુકસાન પહોંચાડવાના મામલે સેડોફેક્સ કુરિયર કંપનીના કુરિયર બોય સામે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કોઠારિયા સોલ્વન્ટના રઘુવીર સર્કલ પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મચ્છોધણી એન્ટરપ્રાઈઝ, આઈ ખોડલ એન્ટરપ્રાઈઝ સહિતની વેપારી પેઢીઓ ઓનલાઈન મીશો કંપની મારફતે વેચાણ કરતી હતી. તા.૧૮ મે થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કુરિયર બોય રમેશભાઈ સરવૈયાએ વેપારીઓ પાસેથી પાર્સલ મેળવ્યા હતા.બાદ પાર્સલમાંથી મૂળ વસ્તુ બદલી અન્ય વસ્તુ મૂકી વેપારીઓના લેબલ લગાવી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી હતી. ગ્રાહકો દ્વારા ઓર્ડર મુજબની વસ્તુ ન મળતાં પાર્સલ વેપારીઓને પરત મોકલાતા હતા. પરત થયેલી વસ્તુની કિંમત તથા મીશો કંપનીની પેનલ્ટી મળીને વેપારીઓએ આશરે રૂ.૩.૭૦ લાખ ચૂકવવા પડયા હતા. જેથી તપાસ કરતા કુરીયર બોય રમેશભાઈ સરવૈયાએ છેતરપિંડી આચરી હોવાની કોઠારીયા સોલવન્ટની શિવ શકિત પાર્ક શેરી નં ૧માં રહેતા વેપારી મિતેષભાઈ રાજેશભાઈ મેવાડાએ ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
રાજકોટમાં ઊંચા વ્યાજે લીધેલા નાણા ચુકવ્યા છતાં યુવકને ધમકાવી પઠાણી ઉઘરાણી : બે ચેકો તથા એકટીવા પડાવી લેનાર છ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ
રાજકોટમાં વ્યાજના દુષણને ડામવા પોલીસ તંત્ર દ્વારા અવાર નવાર લોકદરબારનું આયોજન કરાતું હોય છે. તેમ છતાં લોકો વ્યાજખોરીના ચક્રવ્યુમાં ફસાઈ જતા હોય છે.ત્યારે માંડાડુંગર પાસે રહેતા યુવકે એકાદ વર્ષ પૂર્વે છે વ્યાજખોરો પાસે ૧૦ થી ૨૫ ટકા સુધી વ્યાજે રકમ લીધેલ હતી.જેના બદલામાં અડધી રકમ ભરપાઈ કર્યા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બે ચેકો તથા એકટીવા પડાવી લઈ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ છે. જૂના મહીકા મેઈન રોડ પર હરસિધ્ધી પાર્કમાં રહેતા વનરાજ ધુધાભાઈ સુંવાણ નામના યુવકે આજીડેમ પોલીસમાં વ્યાજખોર સંજય આહિર, મનીશ, ભૂપત આહિર, મેહુલ વચકાણી, રાજ અને કાલી ભરવાડ સહિત છ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એકાદ વર્ષ પૂર્વે પૈસાની જરૂરીયાતભી થતા સંજય પાસેથી રૂ.૫૦ હજાર ૧૦ ટકે લીધેલ હતા.જેના બદલામાં પૈસા ચુકવ્યા છતાં ધમકી આપી હતી.તેમજ મનીશ પાસેથી ૧ લાખ ૧૦ ટકે, જેને ત્રણ માસ વ્યાજ ભરપાઈ કર્યા છતાં પેનલ્ટી મારી રૂ.૧.૮૦ લાખની ઉઘરાણી કરી હતી. તથા ભૂપત પાસે ૫ ટકે લીધેલા પૈસા સાત માસ સુધી ભરપાઈ કર્યા હતા.બાદ મેહુલ પાસે પ ટકે લીધેલ રૂપિયાનું સાત માસ વ્યાજ ભરપાઈ કર્યુ હતું. તેમજ રાજ પાસેથી એકટીવા ગીરવે મુકી રૂ.૩૦ હજાર ૧૦ ટકે લીધેલ જેના બદલામાં રૂ.૫૮ હજાર ભરપાઈ કર્યા હતા.અને છેલી પાસેથી ૨૫ ટકે લીધેલા ૩૦ હજારનું વ્યાજ એક મહિના સુધી ચુકવેલ હતું.આમ છ લોકો પાસેથી લીધેલા નાણાનું વ્યાજ ભરપાઈ કરવા છતાં વધુ પૈસાની માંગણી કરી ધાક-ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
રાજકોટમાંથી સગીરાનું અપહરણ કરી અમદાવાદ લઇ જઈ વિધર્મીએ આચર્યું દુષ્કર્મ : લગ્નની લાલચ આપી આચરેલું કૃત્ય : બી ડિવિઝન પોલીસે બેલડીની કરી ધરપકડ
રાજકોટમાં રહેતી સગીરા બે દિવસ પૂર્વે લાપતા થઈ જતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ગુમ નોંધ આધારે તપાસ હાથ ધરી સગીરા તથા તેને ભગાડનાર અને મદદગારી કરનાર ત્રણેયને અમદાવાદથી શોધી લઈ બાદ તેણીની માતાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે પોકસો હેઠળ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી ૧૬ વર્ષ અને ૪ માસની સગીરા બે દિવસ પહેલાં શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ જતાં તેની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી અમદાવાદથી મુખ્ય આરોપી મોરબીના અરમાન શેખ અને સગીરાને ભગાડી જવામાં મદદગારી કરનાર મિત્ર અફ્સલ શેખ સહિતને શોધી કાઢી રાજકોટ લાવ્યા હતા અને માતાની ફરિયાદ પરથી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં અગાઉ સામાકાંઠા વિસ્તારમાં જ રહેતો હોવાને કારણે અરમાન સાથે સગીરાને છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હોવાનું અને તે આ સગીરાને લગ્નની લાલચે પોતાના મિત્રની મદદથી ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું છે પોલીસે બંને આરોપીઓને જેલભેગા કર્યા હતા.
રાજકોટમાં જુગારના 11 દરોડામાં 71 લોકો પત્તા ટિંચતા ઝડપાયા : શહેર પોલીસના જુદા જુદા દરોડામાં 3.88 લાખની રોકડ કબજે કરાઈ
રાજકોટમાં જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શહેર પોલીસે જુદા જુદા મકાનો, કારખાના અને જાહેર સ્થળોએ 11 દરોડા પાડી પોલીસે 71 લોકોની ધરપકડ કરી 3.88 લાખની રોકડ કબજે કરી હતી. દરોડાની વિગતો મુજબ, પીસીબીની ટીમે ઘંટેશ્વર પાર્કમાં મિતરાજ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો, જ્યાં મકાનમાલિક જય ઝિંઝુવાડીયા બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવીને પોતાના મકાનમાં જુગાર રમાડતો હતો. અહીંથી પોલીસે સૈનીકામ સાથે સંકળાયેલા વેપારીઓ સહિત ૭ લોકોને પકડી રૂ. ૧.૧૫ લાખની રોકડ જપ્ત કરી હતી. બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચે જામનગર રોડ પર પરસાણા નગરમાં નિકુંજ બારૈયાના મકાનમાં દરોડો પાડી મકાનમાલિક સહિત ૬ શખ્સોને રૂ. ૧.૨૦ લાખની રોકડ સાથે દબોચી લીધા હતા. તાલુકા પોલીસે મવડી પાળ રોડ પર શિવ ટાઉનશિપમાં દરોડો પાડી ૬ મહિલા અને ૧ પુરુષને રૂ. ૧૫,૪૬૦ની રોકડ સાથે પકડ્યા હતા. જ્યારે પ્ર.નગર પોલીસે રેસકોર્સ પાર્કના બ્લોક નંબર ૪૭માં દરોડો પાડી ૩ મહિલા અને ૬ પુરુષોને રૂ. ૩૧,૬૦૦ સાથે ઝડપ્યા હતા. આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસે પણ શેરી નં. ૧૦માંથી ૩ મહિલા સહિત ૫ લોકોને રૂ. ૧૦,૬૧૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા શહેરમાં રહેણાંક મકાનો, કારખાના અને જાહેરમાં પણ પોલીસે સપાટો બોલાવ્યો હતો. એલસીબી ઝોન ૨ ની ટીમે રેલનગર શિવમ પાર્કમાંથી ૯ શખ્સોને રૂ. ૨૭,૮૦૦ અને યુનિવર્સિટી વિસ્તારના મફતિયા પરામાંથી જાહેરમાં જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓને રૂ. ૨૧,૪૦૦ સાથે ઝડપ્યા હતા. પ્ર.નગર પોલીસે રેલનગરના શ્રીનાથ દ્વારા પાર્કમાં ૮ શખ્સોને રૂ. ૨૪,૪૦૦ ની રોકડ સાથે પકડ્યા હતા. ભક્તિનગર પોલીસે ગોકુલ નગર મેઇન રોડ પર નિરમા એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં દરોડો પાડી ૫ લોકોને રૂ. ૧૪,૦૦૦ ની રોકડ સાથે અને યુનિવર્સિટી પોલીસે રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સો પાસેથી રૂ.૧૦,૪૦૦ની રોકડ કબ્જે કરી હતી.
રાજકોટમાંથી રીક્ષા ડ્રાઇવર 362 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો : મોબાઈલ અને રોકડ સહીત 27 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ સદર બજાર ભીલવાસ ચોક પાસે જાહેરમાંથી રૂ.૧૮,૧૦૦ ની કિંમતના ૦.૩૬૨ કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે માદક પદાર્થ, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂ.૨૭,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકોટ શહેર વિસ્તારમાં સે નો ટુ ડ્રગ ઝુંબેશ અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક તથા નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) રાકેશ દેસાઈએ આપેલી સૂચના અન્વયે પ્રધ્યુમનનગર પીઆઇ એમ.ડી.મકવાણા અને એલસીબી ઝોન-૨ના પીએસઆઈ એસ.વી.ચુડાસમાની રાહબરીમાં એએસઆઈ જે.વી.ગોહિલ, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રાજકોટ સદર બજાર ભીલવાસ ચોક પાસે વોચ ગોઠવી જાહેરમાંથી માદક પદાર્થ 362 ગ્રામ ગાંજાના જથ્થા સાથે હુડકો ક્વાટરમાં રહેતા ઇમ્તિયાઝ સુલેમાનભાઈ જુણાચની ધરપકડ કરી હતી આરોપી અગાઉ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુણામ પકડાઈ ચુક્યો છે પોલીસે તેની પાસેથી રૂ.૧૮,૧૦૦ ની કિંમતનો ૦.૩૬૨ કિ.ગ્રામ માદક પદાર્થ ગાંજો, રૂ. ૩,૦૦૦ ની કિંમતનો મોબાઈલ તથા રૂ. ૬,૧૫૦ ની રોકડ રકમ મળીને કુલ રૂ.૨૭,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં 14 વર્ષ પૂર્વે મરચાની ભૂકી છાંટી 12 લાખની લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઇ : 2012માં એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો
રાજકોટમાં અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2012માં ઠાકર હોટલ પાછળ યુવકને મરચાની ભૂકી છાંટી 12 લાખની લૂંટ ચલાવવા અંગે એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે પોપટપરાની ત્રિપુટી પાસેથી રોકડા અઢી લાખ કબ્જે કર્યા છે. રાજકોટમાં પોલીસ ચોપડે નોંધાયેલા અને વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડાની રાહબરીમાં પીએસઆઈ એસ એમ રાણાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કનકસિંહ સોલંકી, રાજેશભાઈ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમી આધારે પોપટપરા વેર હાઉસ પાસે વોચ ગોઠવી ત્રણ શકમંદોને અઢી લાખની રોકડ સાથે ઝડપી લઇ આગવી ઢબે પૂછતાછ કરતા 2012માં લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી પોલીસે ત્રણેયના નામઠામ પૂછઠા પોપટપરામાં રહેતા અબઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાન્તભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઇ શેખ હોવાનું જણાવતા ત્રણેયની ધરપકડ કરી હતી ઉપરોક્ત ત્રિપુટીએ 2012માં ઠાકર હોટલવાળી શેરીમાં યુવકના એક્ટિવાને અટકાવી આંખમાં મરચાની ભૂકી છાંટી મોઢા ઉપર મુક્કા મારી પગ પાસે રહેલો 12 લાખ ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતા.અબઝલ સામે 5, રાકેશ સામે બે અને ઇકબાલ સામે અગાઉ ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે.
કુવાડવા રોડ પરથી 1000 લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરતી એલસીબી
રાજકોટમાં પ્રતિબંધિત પેટ્રોલિયમ પેદાશો વેંચતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ના પીએસઆઈ એમ કે મોવલિયાની રાહબરીમાં એએસઆઈ હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના રવિરાજભાઈ પટગીર, નરેન્દ્રભાઈ ગઢવી અને નીખિલભાઈ પિરોજીયાને મળેલી બાતમી આધારે કુવાડવા રોડ ઉપર સાત હનુમાન સામે આવેલ કૈલાશ પેટ્રોલ પમ્પ ખાતેના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન થઇથી 200 લિટરના 5 બેરલ શંકાસ્પદ ઇંધણ ભરેલા મળી આવતા 1000 લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરી સેમ્પલ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે મોટર સહીત 92,200નો મુદામાલ સીઝ કરી ગેલાભાઇ અરજણભાઈ ગમારા સામે જાણવાજોગ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




