બાળકીનો જન્મદિવસ જ બન્યો અંતીમ દિવસ : ચારના મૃત્યુથી ખુશી માતમમાં ફેરવાઇ
ખોડીયારનગર અને રોણકીમાં રહેતા પરિવારમાં માતમ : પરિવારનું હૈયાફાટ રૂદન
- Advertisement -
રાજકોટ નજીકના બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહ પાસેના તળાવમાં રવિવારે બપોરે બાળકી, બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકો અને એક યુવાનનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જેમાં છ વર્ષના સોહમનો જન્મ દિવસ જ અંતિમ દિવસ બન્યો હતો. બનાવને લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાય ગયો હતો રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર ખોડીયાનગરમાં રહેતા પરિવારના બાળકનો જન્મદિવસ હોય જેથી પરિવાર રોણકી ગામે ફઇના ઘરે ગયા હતાં. ત્યાંથી પરિવારના સભ્યો દરગાહે સલામ ભરવા જતા આ કરૂણતા સર્જાઇ હતી. છ વર્ષનો બાળક તળાવમાં ડૂબવા લાગ્યા બાદ તેને બચાવવા જતાં બીજા બે બાળકો અને યુવાને જીવ ગુમાવ્યો હતો.
આ કરૂણ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ નજીકના રોણકી ગામથી મુસ્લિમ પરિવારના 15 જેટલા સભ્યો જુદા-જુદા વાહનોમાં બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહે સલામ ભરવા માટે ગયા હતા. દરમિયાન પાંચ વર્ષનો સેફાન સાજીદભાઇ અભેસરા (ઉ.વ.6) કોઇપણ રીતે નજીકના તળાવમાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો. જેને કારણે દેકારો મચી જતાં સેફાનનો ભાઇ સોહાન (ઉ.વ.11) અને અલીફા અકરમભાઇ સોરા (ઉ.વ.9) સેફાનને બચાવવા તળાવમાં ખાબક્યા હતા. જેથી આ બંને પણ ડૂબવા લાગતા ત્રણેય બાળકોને બચાવવા તેમના બે કૌટુંબિક કાકા સાહીલ જમાલભાઇ અભેસરા (ઉ.વ.20) ઉપરાંત તેનો ભાઇ રીયાઝ (ઉ.વ.23) તળાવમાં કૂદી પડયા હતા. જેમાંથી સાહીલ પણ ડૂબવા લાગ્યો હતો.કોઇપણ રીતે રીયાઝ તળાવમાંથી બહાર નીકળી ગયા બાદ પરિવારના સભ્યોએ ભેગા મળી સોહાન, તેના ભાઇ સેફાન અને અલીફા ઉપરાંત સાહીલને બહાર કાઢી સિવિલ અને જનાનામાં હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ ચારેયને મૃત જાહેર કરતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમય બની ગયું હતું. ભોગ બનનાર સાહિલ અને અલીફા નામની બાળકી રોણકી ગામમાં રહે છે.જ્યારે સેફાન અને સોહાન નામના સગા બંને સગા ભાઇઓ પુનિતનગરના ટાંકા પાસે ખોડીયારનગરમાં રહે છે. આ કરૂણ બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, 150 ફૂટ રીંગરોડ પર ખોડીયારનગરમાં રહેતા પરિવારના છ વર્ષના સોફાનનો ગઇકાલે જન્મદિવસ હતો. રવિવારની રજા પણ હોવાથી તે અને તેનો ભાઇ સોહાન સહિતના પરિવારજનો રોણકી ગામે રહેતા ફઇને ત્યાં ગયા હતા. જ્યાંથી પરિવારના પંદરેક સભ્યો રિક્ષા સહિતના વાહનોમાં બેડી નજીકની દરગાહે સલામ ભરવા ગયા હતા. દરમિયાન આ ઘટના બની હતી.




