શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક ભાઈ ઑફિસકામમાં ગળાડૂબ રહેતા હતા. વહેલી સવારે ઑફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઑફિસથી પરત આવે. એક દિવસ આ ભાઈ કોઈ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના ૭-૮ વર્ષના પુત્રને પોતાના પિતાને
વહેલા ઘેર આવેલા જોઈને થોડું આશ્ચર્ય પણ થયું.
- Advertisement -
પુત્રે પોતાના પિતાને પૂછયું, પપ્પા, તમે આટલું બધું કામ કરો છો, તો તમારી કંપની તમને શું પગાર આપે છે ? પેલા ભાઈએ જવાબ આપ્યો, બેટા, મને કલાક પર પગાર મળે છે. હું એક કલાક કામ કરું એટલે મને ૫૦૦ રૂપિયા
મળે.
પુત્રે પોતાના પિતાને કહ્યું. પપ્પા મને ૩૦૦ રૂપિયા આપોને મારે જોઇએ છે. રૂપિયા આપવાની વાત તો દૂર રહી પરંતુ બાળકને તો ગાલ પર નાનો તમાચો મળ્યો. બાળક રડતાં રડતાં જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઈને
વિચાર આવ્યો કે, ‘મારા આ દીકરાએ કોઈ દિવસ પાંચ પૈસા પણ નથી માંગ્યા અને આજે આટલી મોટી રકમ કેમ માંગી હશે ?’
એ પુત્ર પાસે ગયા. એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી ૩૦૦ રૂપિયા કાઢીને તેના હાથમાં મૂક્યા. પછી પૂછ્યું, બેટા, મને એ તો કહે કે તારે આ ૩૦૦ રૂપિયાને શું કરવા છે ? છોકરો ઊભો થયો. પોતાની
ગલ્લાપેટી ખોલીને તેમાંથી બધું પરચૂરણ કાઢ્યું અને આ પરચૂરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા ૩૦૦ રૂપિયા ઉમેર્યા.
- Advertisement -
ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો, પપ્પા, મારી ગલ્લાપેટીમાં ૨૦૦ રૂપિયા ભેગા કર્યાં હતાં અને તમે 300 આપ્યા એટલે આ ૫૦૦ રૂપિયા થયા. હમણા તમે એમ કહેતા હતા કે તમે એક કલાક કામ કરો એટલે તમને
કંપની ૫૦૦ રૂપિયા પગાર આપે. પપ્પા, આ તમારા એક કલાકના ૫૦૦ રૂપિયા હું તમને આપું છું. તમે મને તમારો એક કલાક આપો. મારી સાથે બેસો અને વાતો કરો.
સંતાનને માત્ર સુવિધાઓ જ નહીં સમય અને પ્રેમની પણ જરૂર હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરીએ કે, રૂપિયા કમાવા જતા ક્યાંક કંઈક એવું ન ગુમાવી બેસીએ જેથી કમાયેલા રૂપિયા ખર્ચવા છતાં
પણ પેલું ગુમાવેલું પાછું ન મળે!
તમે બાળકને મેઘધનુષ બતાવતા હો ત્યારે કામ તમારી રાહ જોઈ શકે છે, પરંતુ તમે કામ પૂરું કરો ત્યાં સુધી મેઘધનુષ તમારી રાહ નહીં જુએ.
– પેટ્રસિયા ક્લિફોર્ડ




