ડૉ. શરદ ઠાકર
પહેલી ઓગસ્ટે સવારના સમયે મારી બાનુ મૃત્યુ થયું. જિંદગીમાં આટલો દરિદ્ર હું ક્યારેય ન હતો. મારા જીવનમાં મારું સૌથી તીવ્ર જોડાણ મારી બા સાથે હતું. જ્યારે બા ચાલી ગઈ ત્યારે માતા વિશે લખાયેલા તમામ કાવ્યો,
વાર્તાઓ અને અવતરણો મોળા લાગ્યા.
- Advertisement -
આજે પાંચ દિવસ પછી પણ મનનો આઘાત અને હૃદયનો ખાલીપો રત્તિભાર ઓછા થતા નથી.
બચપણથી જ મારી અને બાની વચ્ચે એક વ્યવસ્થા દૃઢ થઈ ગઈ હતી, બહાર જતી વખતે હું બાને કહીને જ જઉં કે હું ક્યાં જઈ રહ્યો છું અને ક્યારે પાછો આવવાનો છું. આ નિયમ મેં જીવનભર પાળ્યો. મેં કહ્યું હોય કે હું રાત્રે આઠ
વાગ્યે ઘરે આવી જઈશ એટલે બા તે સમય સુધી કશું જ બોલે નહીં, પરંતુ જ્યારે ઘડિયાળનો કાંટો આઠ ઉપરથી ખસીને એકાદ મિનિટ જેટલો આગળ વધે એટલે બાની પૂછપરછ શરૂ થાય.
એ મારા દીકરાને પૂછે, “તારા બાપને ફોન કરીને પૂછ કે ઘરે આવતા મોડું કેમ થયું?“ મારો દીકરો ઘરમાં હાજર ન હોય તો મારી પત્નીને પૂછે. એનો આ વલવલાટ જોઈને બધા હસે. ઘરે આવ્યા પછી મને ખબર પડે એટલે હું પણ
બાને પૂછું, “બા, તું આટલી બધી ચિંતા શા માટે કરે છે? બહાર ગયા હોઈએ એટલે થોડું વહેલું-મોડું તો થાય જ. “ બા કંઈ બોલે નહીં એના મૌનમાંથી મને જવાબ સમજાઈ જાય.
- Advertisement -
જીવનમાં એક જ વખત હું નિયમ ચૂક્યો. દસેક મહિના પહેલા હું સવારે આઠ વાગ્યે ડભોઈ જવા માટે નીકળ્યો. બાના રૂમમાં ડોકિયું કર્યું તો બાને ઘસઘસાટ ઊંઘતા જોઈ. હું રવાના થઈ ગયો. બપોરના ચારેક વાગ્યે ઘરે પાછો
આવ્યો ત્યારે મારી પત્નીએ મારા કાનમાં ગણગણાટ કર્યો, “સીધા ઉપર જતા ન રહેતા, સૌથી પહેલા બાને મળી લો. બા ખૂબ જ ગુસ્સામાં છે.”
મને આવેલો જોઈને બાએ મને રિમાન્ડ ઉપર લઈ લીધો, “ક્યાં ગયો હતો? મને કહ્યા વગર કેમ ગયો? તારી મા મારી ગઈ છે? તું એટલો મોટો થઈ ગયો છે કે બહાર જતી વખતે માને જણાવવાનું પણ નહીં?* સવાલોમાં તીખાશ
હતી, અવાજમાં ઉગ્ર ઠપકો હતો અને આંખોમાં ભીનાશ હતી.
મેં કશું જ બોલ્યા વગર બાના બે પગ ઉપર મારું માથું મૂકી દીધું. મારા નેત્રજળથી એના ચરણ પખાળ્યા પછી ગદગદ સ્વરે કહ્યું. “બા, મારી ભૂલ થઈ ગઈ. હું ગયો ત્યારે તું ઊંઘતી હતી એટલે તને જગાડવાનું મને યોગ્ય ન
લાગ્યું પણ હું આગલી સાંજે તને જણાવી શક્યો હોત. હવે પછી ક્યારેય આવી ભૂલ નહીં થાય.” એણે એવી અદાથી મને માફ કર્યો જેવી રીતે રાષ્ટ્રપતિ કોઈ અપરાધીની ફાંસીની સજા માફ કરતા હોય. આ તો મા તરફથી મળેલી
માફી હતી. મને ખૂબ મીઠી લાગી. મૃત્યુના દિવસે ઓરડામાં માત્ર અમે બે જ હતા. બાનો હાથ મારા હાથમાં હતો. બાએ છેલ્લો શ્વાસ મૂક્યો પછી એના ફેફસાં શાંત થઈ ગયા. હાથમાં હજી ગરમાવો વર્તાતો હતો. ધીમે ધીમે શરીર
ઠંડુ પડતું ગયું. હું મારા હોઠ બાના કાન પાસે લઈ જઈને મોટેથી ઉચ્ચારતો રહ્યો, “બા, આવતા જન્મમાં તું જ મારી બા બનજે. ૐ નમઃ શિવાય, ૐ નમ: શિવાય. ૐ નમઃ શિવાય
મેં ચીસ પાડીને પત્નીને બોલાવી લીધી. સ્મિતાએ ” બાની આંખોમાં ટોર્ચનો પ્રકાશ ફેંકીને કહ્યું. “”Pupils are dilated and fixed.””
બા મને કહ્યા વગર જ ચાલી ગઈ હતી. મારે એને કડક હપકો આપવો છે પણ એ પાછી આવે તો ને?




