સદરબજારના પુલના કામ મુદ્દે ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની રજૂઆત
એક વર્ષથી માર્ગ બંધ રહેતાં ટ્રાફિકથી લોકો ત્રસ્ત : જન્માષ્ટમી પહેલાં કામગીરી પૂર્ણ કરવાની માંગ
- Advertisement -
રાજકોટ શહેરના સદર બજાર નજીક આવેલા ઐતિહાસિક વોકળા પરના રાજાશાહી સમયના પુલના નવીનીકરણની કામગીરીમાં થઈ રહેલા વિલંબને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક વિસ્તારમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, સદર બજાર, પરા બજાર, મોચી બજાર, રૈયા નાકા, ટાવર વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ અને મીનાબેન કુંડલિયા મહિલા કોલેજ તરફ જતાં હજારો લોકોને રોજિંદા ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને પણ માર્ગ બંધ હોવાથી અવરજવર અને વ્યવસાય પર અસર પડી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણી પૂર્વે વિકાસના કામોમાં ઢીલાશ જોવા મળી રહી છે અને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર રાજના કારણે વિકાસકાર્યો સમયસર પૂર્ણ થઈ રહ્યા નથી. પક્ષના નેતાઓએ કહ્યું કે શહેરની મધ્યમાંથી પસાર થઈ અજી નદીમાં મળતો સદરનો વોકળો મૂળ વરસાદી પાણીના નિકાલ માટેનો નેચરલ વોટરવે હોવા છતાં ગેરકાયદેસર ભૂગર્ભ ગટર જોડાણોના કારણે વર્ષભર ગંદા પાણીથી ઉભરાતો રહે છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે વોકળા પર થયેલા ગેરકાયદેસર દબાણો અને યોગ્ય સફાઈના અભાવે તેની મૂળ સ્થિતિ બગડી રહી છે. કરોડો રૂપિયાના ડ્રેનેજ કામો થયા હોવા છતાં વોકળાની અસરકારક સફાઈ થતી નથી અને દર વર્ષે પ્રી-મોન્સૂન સફાઈના નામે લાખો રૂપિયાના ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળતો નથી. પક્ષના જણાવ્યા મુજબ, પુલના નવીનીકરણનું કામ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. જેના કારણે શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક લાંબા સમયથી બંધ છે અને ટ્રાફિકનો બોજ અન્ય માર્ગો પર વધી રહ્યો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર અને લોકમેળો યોજાનાર હોવાથી વાહનોની અવરજવર વધુ વધશે અને જો તે પહેલાં પુલનું કામ પૂર્ણ નહીં થાય તો ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેથી મહાનગરપાલિકાએ જનહિતને ધ્યાનમાં રાખીને કામગીરીમાં ઝડપ લાવી જન્માષ્ટમી પહેલાં પુલનું નવીનીકરણ પૂર્ણ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરવામાં આવી છે.




