વાહનોને સાયબર હુમલાથી બચાવવા સરકાર બની સતર્ક
સરકાર છ મહિનામાં નવું માળખું લાગુ કરશે, ઇ-રિક્ષા હેકિંગ બાદ સાવચેતીના પગલાં
- Advertisement -
સરકાર દેશમાં વેચાતાં તમામ નવા વાહનો માટે કડક સાયબર સુરક્ષા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. આ બાબત સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી છ મહિનામાં એવું માળખું તૈયાર કરવામાં આવશે, જેથી નવા વાહનોને હેકિંગ અને સાયબર હુમલાઓથી સુરક્ષિત બનાવી શકાય. આ પગલું તાજેતરમાં સામે આવેલા એવા કિસ્સાઓ બાદ ઉઠાવવામાં આવી રહ્યું છે, જેમાં મોબાઈલ એપ દ્વારા ઈ-રિક્ષાની બેટરી સાથે મંજૂરી વગર છેડછાડ કરવામાં આવી હતી.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તાજેતરમાં બે નવા ધોરણો AIS-189 અને AIS-190 નો મુસદ્દો બહાર પાડ્યો છે. જેમાં કનેકટેડ વાહનો માટે સાયબર સુરક્ષા અને સોફ્ટવેર અપડેટ મેનેજમેન્ટ સિસ્ટમના નિયમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. તેમને ઓક્ટોબર ૨૦૨૬થી તબક્કાવાર રીતે લાગું કરવાની યોજના છે. પ્રસ્તાવિત નિયમો હેઠળ વાહન કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે વાહનોમાં ડેટા એકત્રિત કરવા, તેને પ્રોસેસ કરવા અને વાહનને નિયંત્રિત કરતી તમામ ડિજિટલ સિસ્ટમ્સ સાયબર હુમલાઓથી સુરક્ષિત હોય. એવું એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર એ સમીક્ષા પણ કરી રહી છે કે ઇન્ટરનેટથી જોડાયેલી આ ગાડીઓ ડ્રાઈવર અને મુસાફરોનો ડેટા કઈ રીતે એકત્રિત અને ઉપયોગ કરી રહી છે.
સરકારની ચિંતા માત્ર ઈ-વાહનો સુધી સીમિત નથી. દેશમાં ઓટોમેટિક પાર્કિંગ, ઓટોમેટિક બ્રેકિંગ અને લેન આસિસ્ટ જેવી સુવિધાઓ ધરાવતી સેમી-ઓટોમેટિક ગાડીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નીતિ આયોગના અંદાજ મુજબ, ૨૦૩૦ સુધીમાં ભારતમાં વેચાતી ૯૦ ટકા પેસેન્જર કારમાં એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ હશે. તાજેતરમાં ઈ-રિક્ષામાં બ્લૂટૂથ-આધારિત બેટરી ટ્રેકિંગ સિસ્ટમને હેક કરવાના કિસ્સા સામે આવ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટનાઓએ ઈ-વાહન ઉપયોગ કરતા ચાલકોની ચિંતા વધારી દીધી છે. ઘણા ઘણા ગ્રાહકો હવે બ્લૂટૂથ આધારિત બેટરી ટ્રેકિંગ સિસ્ટમ છોડીને વધુ સુરક્ષાવાળા ઉપકરણો અપનાવી રહ્યા છે
- Advertisement -
નિયમોમાં EV ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પણ સામેલ થશે
હાલમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયનો પ્રસ્તાવ માત્ર પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનો પર લાગું છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો તેમાં સામેલ નથી. જોકે, તાજેતરની હેકિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકાર તેમને પણ નિયમોનાં દાયરામાં લાવવા વિચારી રહી છે. વાહન ઉદ્યોગ સાથે સંકળાયેલાં નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોની છે અને તેમનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. તેથી તમામ શ્રેણીનાં વાહનો માટે સમાન સાયબર સુરક્ષા ધોરણો જરી છે.



