24 કલાકમાં સૌથી વધુ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
દરિયાકાંઠે ભારે પવનની સંભાવના
- Advertisement -
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંઘાયો છે. રવિવારે ૨૨૬ તાલુકામાં સૌથી વધુ રાજકોટમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રકના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. તો બીજી તરફ, સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો હટી જતાં હાલ ભારે વરસાદની સંભાવના નહિવત છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે. સાથે બંદરો પર લોકલ કોશનરી સિગ્નલ નંબર-૩ (LCS-3) લગાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ૨૧ ટકા વધુ નોંધાયો છે, જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું સક્રિય રહ્યું છે.
આજે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ આગાહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
- Advertisement -
અમદાવાદ માટે હવામાન વિભાગે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને એકથી બે વરસાદી ઝાપટાંની આગાહી કરી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ મિમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ ૨૧.૭૫ ઈંચ (૫૫૨.૪ મિમી) સુધી પહોંચ્યો છે, જે સામાન્ય કરતાં ૬.૦૩ ઈંચ (૧૫૩.૧ મિમી) વધુ છે.




