ગુરુપૂર્ણિમાએ વ્રજધામ સંકુલમાં હજારો વૈષ્ણવોએ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહારાજના આશીર્વાદ મેળવ્યા
ફીડ ધ હન્ગ્રી : ગુરુપૂર્ણિમાથી દિવાળી સુધી ૧ લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સંકલ્પ લેવાયો
- Advertisement -
૧૦૦થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી
ગુરુપૂર્ણિમાના પાવન અને પવિત્ર અવસરે વ્રજધામ સંકુલ ખાતે ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને માનવસેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા ભવ્ય મહોત્સવમાં ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાંથી હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુવંદના, સત્સંગ, બ્રહ્મસંબંધ દીક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવા સંકલ્પોથી સમગ્ર વ્રજધામ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દેશના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો વ્રજધામ સંકુલ ખાતે પહોંચ્યા હતા. ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે હજારો હરિભક્તોએ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમના પ્રેરણાદાયી વચનામૃતનો લાભ લીધો હતો. સમગ્ર સંકુલમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને ઉદ્યોગજગતના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનોની હાજરીએ કાર્યક્રમને નવી ઊર્જા અને સંસ્કારમય દિશા આપી હતી. ગુરુપૂર્ણિમાના આ શુભ દિવસે ૧૦૦થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી. વૈષ્ણવાચાર્યના પાવન સાનિધ્યમાં પ્રાપ્ત થયેલી આ દીક્ષાને અનેક પરિવારો માટે જીવનનો અવિસ્મરણીય અને આધ્યાત્મિક પરિવર્તનનો પ્રસંગ માનવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ ગુરુમહિમા વ્યક્ત કરતી ભાવસભર સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. નાનાં બાળકો દ્વારા રજૂ થયેલી ગુરુવંદના, સંસ્કારગીતો અને ગુરુભક્તિના સંદેશોએ સમગ્ર સભાને ભાવવિભોર બનાવી દીધી હતી.
પોતાના આશીર્વચનમાં વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહારાજે જણાવ્યું હતું કે આજના યુગમાં માનવી પાસે સંપત્તિ, ટેક્નોલોજી અને સુવિધાઓ તો વધી છે, પરંતુ જીવનની સાચી દિશા માટે સ્પષ્ટ લક્ષ્યો જરૂરી છે. તેમણે દરેક વ્યક્તિને જીવનમાં પાંચ મહત્વપૂર્ણ લક્ષ્યો નક્કી કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રથમ લક્ષ્ય આધ્યાત્મિક હોવું જોઈએ, કારણ કે ભગવાન સાથેનો સંબંધ જ જીવનમાં શાંતિ અને સ્થિરતા આપે છે. બીજું લક્ષ્ય શિક્ષણનું હોવું જોઈએ, કારણ કે જીવનભર શીખવાની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ થતી નથી. ત્રીજું વ્યવસાયિક લક્ષ્ય પ્રામાણિકતા, ગુણવત્તા અને સમાજહિત સાથે જોડાયેલું હોવું જોઈએ. ચોથું લક્ષ્ય પરિવારનું હોવું જોઈએ, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને સંસ્કાર જળવાઈ રહે. જ્યારે પાંચમું લક્ષ્ય આરોગ્યનું હોવું જોઈએ, કારણ કે સ્વસ્થ શરીર અને મન વિના જીવનની કોઈ સિદ્ધિનો સાચો આનંદ મેળવી શકાતો નથી. જે વ્યક્તિ આ પાંચેય ક્ષેત્રોમાં સંતુલન જાળવે છે તે જ સાચા અર્થમાં સફળ, સમૃદ્ધ અને આનંદમય જીવન જીવી શકે છે. માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યેની જવાબદારી નિભાવતાં સર્વાંગી વિકાસ કરવો એ જ સાચી જીવનસાધના છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને ભગવાન સુધી પહોંચાડનાર દિવ્ય માર્ગદર્શક છે. ગુરુના આશીર્વાદથી જીવનમાં દિશા, સંસ્કાર, આત્મવિશ્વાસ અને ભક્તિનો પ્રકાશ પ્રગટે છે. સાચી ગુરુદક્ષિણા સેવા, કરુણા, સત્સંગ અને માનવતાના કાર્યોમાં સમાયેલી છે.
- Advertisement -
કાર્યક્રમ દરમિયાન અનેક વૈષ્ણવોએ ગુરૂના માર્ગદર્શનથી પોતાના જીવનમાં આવેલા આધ્યાત્મિક, પારિવારિક, શૈક્ષણિક અને વ્યવસાયિક પરિવર્તનના અનુભવો કહ્યા હતા. હરિભક્તોએ જણાવ્યું કે ગુરુના આશીર્વાદથી તેમના જીવનમાં નવી દિશા, માનસિક શાંતિ, સંસ્કાર અને સફળતાનો માર્ગ ખુલ્યો છે. આ પ્રસંગોએ સમગ્ર સભાને ભાવવિભોર બનાવી દીધી હતી. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ઉદ્યોગપતિ જયેશભાઈ ઠક્કર, ગુજરાત રાજ્ય એકમના ભૂતપૂર્વ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, ડૉ. દર્શનભાઈ અને પારૂલબેન બેંકર, સામાજિક કાર્યકર સુરેશભાઈ પટેલ, સતીશ પટેલ, બિલ્ડર મયંકભાઈ પટેલ, પ્રિતેશભાઈ શાહ સહિત નગરસેવકો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને ‘ફીડ ધ હન્ગ્રી’ વૈશ્વિક સેવા અભિયાનનો પ્રારંભ કર્યો
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે VYO દ્વારા સમગ્ર વિશ્વમાં સેવાભાવનો સંદેશ પહોંચાડવાના ઉદ્દેશ સાથે ફીડ ધ હન્ગ્રી વૈશ્વિક સેવા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ગુરુપૂર્ણિમાથી દિવાળી સુધી ૧ લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. દેશના વિવિધ શહેરોમાં VYOના સ્વયંસેવકો નિયમિત રીતે જરૂરિયાતમંદ વિસ્તારોમાં ભોજન સેવા આપશે. આગામી સમયમાં આ સેવા ભારત ઉપરાંત વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તૃત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. અંતે વ્રજરાજકુમાર મહારાજે સૌ વૈષ્ણવોને ગુરુઆજ્ઞા અનુસાર જીવન જીવવા, સેવા અને સત્સંગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, યુવાનોને સંસ્કાર સાથે જોડવા અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પ્રેમ, કરુણા અને માનવસેવાનો સંદેશ પહોંચાડવા આહ્વાન કર્યું.




