રણુજા મંદિર પાસે ઋષિ પ્રસાદ સોસાયટીમાં ખાડા-ખબડાવાળા રસ્તાથી સ્થાનિકો પરેશાન
વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનીકોની ઉગ્ર માંગ
- Advertisement -
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર નજીક ઋષિ પ્રસાદ સોસાયટી, શેરી નંબર-3માં લાંબા સમયથી ખાડા-ખબડાવાળા અને બિસ્માર રસ્તાના પ્રશ્નને લઈને સ્થાનિક મહિલાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ થાળી વગાડી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો અને રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીનો મુખ્ય રસ્તો લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદી મોસમમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત રહે છે. વૃદ્ધો, મહિલાઓ અને સ્કૂલ જતા બાળકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે.
આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરીને પોતાના અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી.




