રશિયાથી તેલ લેતાં દેશો પર અમેરિકા ટેરિફ બોમ્બ ઝીંકશે, US સંસદમાં પાસ થયું બિલ
અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટે રશિયાની ઊર્જા આવક પર લગામ લગાવવા અને તેના મુખ્ય ખરીદદારો સામે દંડાત્મક પગલાં લેવાના હેતુથી લાવવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બિલને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલા મતદાનમાં સેનેટે ૮૬-૧૨ની ભારે બહુમતીથી બિલ પર ચર્ચા આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો હતો. જો આ વિધેયક આખરી તબક્કામાં પસાર થઈને કાયદાનું સ્વરૂપ લેશે, તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર ૧૦૦ ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાની અભૂતપૂર્વ સત્તા પ્રાપ્ત થશે.
આ પ્રસ્તાવિત કાયદા હેઠળ અમેરિકામાં આયાત થતા રશિયન સામાન પર ૫૦૦ ટકા સુધીનો કડક ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રશિયન તેલ અને ગેસના વિશ્વના પાંચ સૌથી મોટા ખરીદદારો તથા પ્રતિબંધોમાંથી બચવામાં મોસ્કોને મદદ કરતા દેશોને પણ આ ૧૦૦ ટકા ટેરિફના દાયરામાં આવરી લેવાશે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી રિયાયતી દરે ક્રૂડ ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો હોવાથી, આ કાયદો ભારતની વેપાર નીતિ અને નિકાસ ક્ષેત્ર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે. બિલમાં રશિયન નાણાકીય સંસ્થાઓ, ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિબંધોથી બચીને તેલની હેરફેર કરતી “શેડો ફ્લીટ” પર પણ કડક પ્રતિબંધો મૂકવાનો પ્રસ્તાવ છે.
- Advertisement -
સેનેટમાં જ્યારે આ બિલ પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદોમિર ઝેલેન્સ્કી સેનેટ ગેલેરીમાં પોતે હાજર રહ્યા હતા. વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ અમેરિકી સાંસદોને અપીલ કરી હતી કે રશિયા પર આર્થિક દબાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે.
આ કાયદો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સત્તા આપે છે કે તેઓ રશિયા પાસેથી કૂડ ઓઈલ અને કુદરતી ગેસ ખરીદતા વિશ્વના પાંચ સૌથી મોટા દેશોર્માથી અમેરિકા આવતા સામાન પર ૧૦૦ ટકા સુધીનો દંડાત્મક ટેરિફ લાદી શકે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ તેલ ખરીદવામાં ભારત અને ચીન સૌથી આગળ હોવાથી, ભારતીય નિકાસકારો અને વેપાર ક્ષેત્ર પર આની મોટી નકારાત્મક અસર પડી શકે છે.
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા રશિયન ફૂડની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર ૧૦૦% ટેરિફ લગાવે, તો અમેરિકી બજારમાં ભારતીય સામાન મોંઘો થઈ જશે અને ભારતની અમેરિકા ખાતેની નિકાસને ભારે નુકસાન પહોંચી શકે છે.




