એક જ વિભાગમાં વર્ષોથી ફરજ બબજાવતા કર્મચારીઓ સામે અરજદારોનો રોષ
રાજકોટ પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ખાતે વર્ષોથી એક જ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કચેરીમાં લાઇસન્સ, વાહન ટ્રાન્સફર, ફિટનેસ અને પરમિટ જેવી કામગીરી માટે આવતા અરજદારો અને વાહન સંબંધી કામ કરતા એજન્ટોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અમુક પ્રકારના કાગળકામ માટે બિનસત્તાવાર રીતે નક્કી કરેલી રકમ લેવામાં આવે છે. લાંબા સમયથી એક જ સ્થાને કાર્યરત કર્મચારીઓની કામકાજ પદ્ધતિ સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. અરજદારોનું કહેવું છે કે કચેરીમાં આવતા દરેક નાગરિકને સમયસર અને પારદર્શક સેવા મળવી જોઈએ. સમયાંતરે કર્મચારીઓની બદલી કરવાથી કામગીરી વધુ પારદર્શક બનશે અને ગેરરીતિની શંકાને સ્થાન રહેશે નહીં. જોકે, આ પ્રકારના આક્ષેપો અંગે તંત્ર કે સંબંધિત અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમ છતાં, સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે. સ્થાનિક લોકો અને અરજદારોએ રાજ્યના RTO કમિશનરને રાજકોટ RTO કચેરીની અચાનક મુલાકાત લેવા અપીલ કરી છે. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરે, અરજદારો સાથે સીધો સંવાદ સાધે અને જો કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ RTO તંત્ર આ મામલે કેવા ટાંક પગલાં લે છે.
- Advertisement -
RTO કમિશનરની સરપ્રાઈઝ વિઝિટની માંગ
અરજદારોએ RTO કમિશનરને રાજકોટ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ લઈ કર્મચારીઓની કામગીરી ચકાસવા અને ગેરરીતિ સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે.




