રાજકોટને બેંચ મળવાથી કેસોનું ભારણ ઘટશે અને લોકોને સમય-નાણાંની બચત થશે
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગુજરાત હાઈકોર્ટની બેંચ રાજકોટ ખાતે સ્થાપવાની વર્ષો જૂની માંગણીને ફરી એકવાર વેગ મળ્યો છે. આ મુદ્દે સંબંધિત સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકોના હિતમાં રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ ફાળવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસોમાંથી અંદાજે 40 ટકા જેટલા કેસો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના છે. જો આ કેસોની સુનાવણી માટે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેંચ કાર્યરત કરવામાં આવે તો અમદાવાદ સ્થિત મુખ્ય હાઈકોર્ટ પરનો કેસોનો ભાર નોંધપાત્ર રીતે ઘટી શકે છે. સાથે જ કેસોની પેન્ડન્સી ઘટાડવામાં પણ મદદ મળશે અને ન્યાયિક પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બની શકશે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલ સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પક્ષકારો, વકીલો અને અરજદારોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે છે. આ માટે ઓછામાં ઓછા 6થી 12 કલાકની મુસાફરી ઉપરાંત ટ્રાફિક, સમય અને ખર્ચનો સામનો કરવો પડે છે. જો કેસમાં મુદત પડે તો ફરીથી આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેના કારણે સામાન્ય નાગરિક પર વધારાનો આર્થિક અને માનસિક બોજ પડે છે.
- Advertisement -
રજૂઆતમાં રાજકોટને સૌરાષ્ટ્ર-કચ્છનું કેન્દ્રસ્થાન ગણાવી જણાવાયું છે કે ભૌગોલિક દૃષ્ટિએ રાજકોટ સૌથી અનુકૂળ સ્થળ છે. ભૂતકાળમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત રહી ચૂકી હોવાનું પણ યાદ અપાવવામાં આવ્યું છે. દેશના અન્ય અનેક રાજ્યોમાં બે કે તેથી વધુ હાઈકોર્ટ બેંચો કાર્યરત છે, જેથી લોકોને નજીકના સ્થળે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે પૂરતી સરકારી જમીન તેમજ ન્યાયાધીશોના રહેણાંક માટે પણ વિશાળ જગ્યા ઉપલબ્ધ છે. તેથી માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ પણ રાજકોટ હાઈકોર્ટ બેંચ માટે યોગ્ય શહેર છે. રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કેશુભાઈ પટેલના કાર્યકાળથી લઈને અત્યાર સુધી વિવિધ મુખ્યમંત્રીઓએ ચૂંટણી ઢંઢેરાઓમાં રાજકોટને હાઈકોર્ટ બેંચ આપવાનું વચન આપ્યું હતું. આથી સરકારે પોતાના વચનનું પાલન કરી વર્ષો જૂની આ માંગણીને સ્વીકારી રાજકોટ ખાતે હાઈકોર્ટની બેંચ સ્થાપવા માટે જરૂરી નિર્ણય લેવો જોઈએ.
આવેદનપત્રમાં અંતે જણાવાયું છે કે સરકાર અને હાઈકોર્ટ દ્વારા કેસોનું ભારણ ઘટાડવા માટે તાલુકા કક્ષાની અદાલતો અને ફેમિલી કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. એ જ ભાવનાને આગળ વધારી સૌરાષ્ટ્ર-કચ્છના લાખો નાગરિકોને ઘરઆંગણે ઝડપી, સરળ અને સસ્તો ન્યાય ઉપલબ્ધ કરાવવા રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચની સ્થાપના સમયની માંગ બની ગઈ છે. સરકાર આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ હકારાત્મક નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે.




