ઔદ્યોગિક વિકાસને વેગ : મોટા ઉદ્યોગોને ‘ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ’ આપવા માટેની સમિતિની બેઠક યોજાઇ હતી
2,999 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી, હજારો નવી રોજગારીનું સર્જન થશે
- Advertisement -
કમિટીએ રૂ 1,977.04 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી 32 અરજીને મંજૂરી આપી હતી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઊભી થશે
ગુજરાત સરકાર રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીના વિકાસને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમિતિઓની બેઠકોમાં વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ 2,999 કરોડથી વધુના મૂડીરોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે હજારો લોકોને સીધી રોજગારી ઉપલબ્ધ કરાવશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ગુજરાતની ઔદ્યોગિક નીતિ-2015 અંતર્ગત અમલમાં રહેલી ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના દ્વારા અત્યાર સુધીમાં 1,48,336.35 કરોડનું રોકાણ આકર્ષવામાં સફળતા મળી છે, જેના પરિણામે 1,65,053થી વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. આ નીતિએ રાજ્યમાં એમએસએમઈ સહિતના વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ઉદ્યોગ-અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
27 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી બેઠકમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવા માટેની સમિતિએ કુલ 32 અરજીઓને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં કુલ 1,977.04 કરોડનું મૂડીરોકાણ થશે અને અંદાજે 4,739 લોકોને સીધી રોજગારી મળશે. જિલ્લાવાર જોવામાં આવે તો અમદાવાદમાં ઓટોમોબાઈલ, મેટલ, સિમેન્ટ અને કોંક્રીટ ક્ષેત્રે 528.49 કરોડ, કચ્છમાં મેટલ ક્ષેત્રે 332.71 કરોડ, ગાંધીનગરમાં 35.41 કરોડ, ભરૂચમાં 12.26 કરોડ, મહેસાણામાં પ્લાસ્ટિક અને મેટલ ક્ષેત્રે 301.16 કરોડ, મોરબીમાં સિરામિક, કેમિકલ, પેપર અને પ્લાસ્ટિક ક્ષેત્રે 480.16 કરોડ, વડોદરામાં કેમિકલ ક્ષેત્રે 102.94 કરોડ, સાબરકાંઠામાં સિરામિક ક્ષેત્રે 110.42 કરોડ તેમજ સુરતમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ અને મેટલ ક્ષેત્રે 74.49 કરોડનું રોકાણ મંજૂર કરવામાં આવ્યું છે.
- Advertisement -
મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર માટેની કેપિટલ સબસિડી યોજના અંતર્ગત પણ સમિતિએ 649.23 કરોડના રોકાણ ધરાવતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી અંદાજે 871 લોકોને સીધી રોજગારી મળશે. સરકારના મતે આ રોકાણ રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને આડકતરી રોજગારીની નવી તકો પણ ઊભી કરશે.
રાજ્ય સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ‘ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-2019’ હેઠળ ત્રણ નવા એકમોને મંજૂરી આપી છે. આ ત્રણ પ્રોજેક્ટ્સમાં કુલ 165 કરોડનું રોકાણ થશે અને આશરે 500 લોકોને સીધી રોજગારી મળશે. સરકારે જણાવ્યું હતું કે આ એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરિફ સહાય સહિતના લાભો મળશે અને આગામી પાંચ વર્ષ દરમિયાન તેમને 50 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.
ચાર ઇન્ડસ્ટ્રિયલ પાર્કને પણ મંજૂરી
ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 હેઠળ ઔદ્યોગિક પાર્ક સહાય યોજના અંતર્ગત ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં કુલ 371.70 કરોડથી વધુનું રોકાણ થશે. રાજ્ય સરકારના મતે આ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક રાજ્યના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સશક્ત બનાવશે અને ભવિષ્યમાં નવા ઉદ્યોગોને આકર્ષવામાં મદદરૂપ થશે.
ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક હબ બનાવવાનો પ્રયાસ
રાજ્ય સરકારનું કહેવું છે કે ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ અમલમાં રહેલી પ્રોત્સાહક યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવાનો, નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર રાજ્ય તરીકે વિકસાવવાનો છે. નેટ એસજીએસટી (Net SGST) રિફંડ સહિતની વિવિધ સહાય યોજનાઓના કારણે ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે વધુ આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. આ બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, ટી. નટરાજન, મમતા વર્મા સહિતના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયર પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારનો વિશ્વાસ છે કે મંજૂર થયેલા આ તમામ પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે અને રોજગારી સર્જન સાથે ગુજરાતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
જિલ્લાવાર મંજૂર થયેલું રોકાણ
અમદાવાદ : ઓટોમોબાઈલ, મેટલ, સિમેન્ટ અને કોંક્રીટ ક્ષેત્રે રૂ 528.49 કરોડ
કચ્છ : મેટલ સેક્ટરમાં રૂ 332.71 કરોડ
ગાંધીનગર : મેટલ સેક્ટરમાં રૂ 35.41 કરોડ
ભરૂચ : મેટલ સેક્ટરમાં રૂ 12.26 કરોડ
મહેસાણા : પ્લાસ્ટિક અને મેટલ સેક્ટરમાં રૂ 301.16 કરોડ
મોરબી : સિરામિક, કેમિકલ, પેપર અને પ્લાસ્ટિક સેક્ટરમાં રૂ 480.16 કરોડ
વડોદરા : કેમિકલ સેક્ટરમાં રૂ 102.94 કરોડ
સાબરકાંઠા : સિરામિક સેક્ટરમાં રૂ 110.42 કરોડ
સુરત : ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ અને મેટલ સેક્ટરમાં રૂ 74.49 કરોડ




