ગણદેવી તાલુકાના 25થી વધુ ગામમાં 1000થી વધુ વાહન તણાઇ ગયા : કરોડોનું નુકસાન
ગુજરાતમાં ચોમાસાની તોફાની પધરામણી વચ્ચે આજે સવારે ૬થી ૧૨ વાગ્યામાં ૨૩૯ તાલુકામાં વરસાદ ખાબક્યો છે, સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. નવસારીમાં પૂરની કટોકટી સામે પહોંચી વળવા NDRF-SDRF અને મિલિટરી બટાલિયન ઉપરાંત ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મ પર ફસાયેલા ૩૦થી વધુ લોકોને સફળતાપૂર્વક એરલિફ્ટ કરાયા છે. પૂરના કારણે એક હજારથી વધુ કારોને નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં પુરની વિકટ પરિસ્થિતિ સામે પહોંચી વળવા NDRF અને SDRFની ૪ ટુકડી ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને બોલાવવામાં આવી છે, જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથે ધમડાછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યુ કરી રહી છે. બીજી તરફ, ગણદેવી તાલુકાના ભાટ ગામ પાસે ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોએ મદદની ગુહાર લગાવતાં, વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને બચાવી લેવાયા છે. નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અંબિકા નદી ઘટીને ૩૬.૮ ફૂટ અને કાવેરી ૧૮ ફૂટ પર આવતાં રાહત થઈ છે, પરંતુ પૂર્ણા નદી હજુ ૨૯ ફૂટ પર સ્થિર છે. પાણી ઓસરતાં જ વાંસદા તરફનો ઓવરબ્રિજ ધોવાઈ જતાં રસ્તો બંધ થયો છે. ગણદેવી તાલુકાના ર૫થી વધુ ગામોમાં ૧,૦૦૦થી વધુ વાહનો તણાઈ જતાં કરોડોનું નુકસાન થયું છે, જ્યારે હીરા ઉદ્યોગના હબ ગણાતા શાંત દેવી વિસ્તારમાં ૧૨ ફૂટ પાણી ભરાતાં ૩,૦૦૦થી વધુ પરિવારો ફસાયા છે, જેમને મનપા દ્વારા ઘરી સુધી જઈને રાશન અને જરૂરી સામગ્રી પહોંચાડાઈ રહી છે.




