125 તાલુકામાં મેઘમહેર : સુરત પરથી પૂરનું સંકટ ટળ્યું
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૨૫ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૪.૫૦ ઈંચ નોંધાયો હતો. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
સોમવારે દિવસ દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત જેવો વરસાદ વરસ્યો હતો. વલસાડના પારડીમાં માત્ર ૨ કલાકમાં ૩.૫૦ ઈંચ સહિત કુલ ૪.૫૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં ૪.૨૫ ઈંચ અને નવસારીના ખેરગામમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. જલાલપોર, ગણદેવી, ચીખલી, ધરમપુર, ઉમરગામ અને વાપી જેવા વિસ્તારોમાં પણ ૨ થી ૩.૫ ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં હજુ સુધી સરેરાશ ૧૦ ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ ૨૭% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશવાર સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ૨૪ ઈંચ વરસાદ સાથે સીઝનનો સૌથી વધુ ૪૦% વરસાદ પૂરો થયો છે. સૌરાષ્ટ્રમાં ૮.૮૫ ઈંચ વરસાદ સાથે સીઝનનો ૨૯.૫૬% વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬.૧૫ ઈંચ વરસાદ સાથે ૧૯% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪.૧૫ ઈંચ વરસાદ સાથે ૧૪.૫૨% ચોમાસું પૂર્ણ થયું છે અને કચ્છમાં માત્ર ૦.૬૬ ઈંચ વરસાદ સાથે સીઝનનો ૩.૪૨% વરસાદ જ વરસ્યો છે. આગામી ૩ થી ૫ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.




