કથિત દુર્ઘટનામાં એક મહિલાના થયેલા મોત મામલામાં મોટો ખુલાસો, ભલભલી સસ્પેન્સ થ્રીલર ફિલ્મો ટૂંકી પડે એવી ઘટના રાજસ્થાનમાં બની
પિતાના અવસાન બાદ જે માતાએ પરિવાર સંભાળ્યો તેના જ મોતનું દિકરીએ ઘડયું કાવતરું
- Advertisement -
રાજસ્થાનમાંથી સામે આવેલી એક ચોકાવનારી ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે. શરૂઆતમાં સામાન્ય માર્ગ અકસ્માત તરીકે નોંધાયેલી ઘટનામાં હવે હત્યાના ગંભીર આરોપો સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ૨૩ વર્ષની આયુષી નામની યુવતીએ પોતાની જ વિધવા માતા નીરજ શર્માની હત્યા કરાવવા માટે ત્રણ મહિના સુધી સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. તપાસમાં એવો આરોપ છે કે આ સમગ્ર કાવતરું સરકારી નોકરી અને માતાના નામે રહેલી મિલકત મેળવવાના આશયથી રચવામાં આવ્યું હતું. જોકે, આ કેસમાં તપાસ આગળ વધી રહી છે અને અંતિમ નિર્ણય કોર્ટની પ્રક્રિયા બાદ જ આવશે. આ કેસે માત્ર એક ગુનાની તપાસને જ નહીં પરંતુ પરિવાર, વિશ્વાસ અને સંબંધો અંગે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસનો દાવો છે કે જે માતાએ પતિના અવસાન બાદ પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી હતી તે જ માતાને પોતાના નજીકના સંબંધીઓએ નિશાન બનાવી, સમગ્ર ઘટનાક્રમ કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ આ એક વાસ્તવિક ઘટના છે. આ ઘટના ૩ જુલાઈના રોજ સાંજે લગભગ ૪:૪૫ વાગ્યે બની હતી. નીરજ શર્મા પોતાના
દિવ્યાંગ પુત્રને કોચિંગ ક્લાસમાં મૂકીને પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક એસયુવી ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. વાહનની ઝડપ જેટ આશરે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકલી હતી, જેના કારણે ટક્કર અત્યંત ભયાનક સાબિત થઈ. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે નીરજ શર્મા ઘણા ફૂટ દૂર ફેંકાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સજર્યા બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં સમગ્ર ઘટના સામાન્ય હિટ-એન્ડ-રન અકસ્માત જેવી લાગી હતી, તેથી પ્રાથમિક તપાસ પણ તે જ દિશામાં આગળ વધી રહી હતી. પરંતુ થોડા જ દિવસોમાં મળેલા કેટલાક પુરાવાઓએ સમગ્ર કેસને નવી દિશા આપી. નીરજ શર્માના ભાઈ રાકેશ શર્માએ પોલીસ સમક્ષ રજૂઆત કરી કે આ સામાન્ય અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યા હોઈ શકે છે. તેમણે પોલીસને જણાવ્યું કે તેમની બહેન છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતી અને વારંવાર કહેતી હતી કે પરિવારના કેટલાક સભ્યો મિલકત અને અન્ય કારણોસર તેને હેરાન કરી રહ્યા છે. રાકેશ શર્માના નિવેદનને ગંભીરતાથી લઈ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા, મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ તપાસવામાં આવ્યા તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ગતિવિધિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર આ ટેકનિકલ પુરાવાઓએ તપાસને હત્યાના કાવતરાની દિશામાં આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. પોલીસ તપાસ મુજબ નીરજ શર્માના પતિ વિજય કુમાર શર્મા કોર્ટમાં એલડીસી તરીકે ફરજ બજાવતા હતા.
લગભગ એક વર્ષ પહેલાં તેમના અવસાન બાદ પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો. પરિવારનું ભરણપોષણ થઈ શકે તે માટે નીરજ શર્માને અનુકંપાના ધોરણે સરકારી નોકરી આપવામાં આવી હતી. આ જ સરકારી નોકરી પુત્રી આયુષી માટે લાલચનું મુખ્ય કારણ બની. આયુષીને લાગતું હતું કે માતાના અવસાન બાદ અનુકંપાના ધોરણે મળતી નોકરી તેને મળી શકે છે. ઉપરાંત માતાના નામે રહેલી મિલકત પર પણ તેનો કબજો થઈ શકે એવી માન્યતાએ સમગ્ર કાવતરાને જન્મ આપ્યો હતો. હાલ આયુષી સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં લોકોની નજર કોર્ટની કાર્યવાહી અને પોલીસની અંતિમ ચાર્જશીટ પર ટકેલી છે.
- Advertisement -
ત્રણ મહિના સુધી ચાલ્યું માતાની હત્યાનું પ્લાનિંગ
આ હત્યા કોઈ ક્ષણિક ગુસ્સો કે અચાનક લેવાયેલા નિર્ણયનું પરિણામ નહોતી. છેલ્લા લગભગ ત્રણ મહિનાથી તેની તૈયારી ચાલી રહી હતી. દરેક પગલું ખૂબ જ આયોજનબદ્ધ રીતે ભરવામાં આવ્યું હતું જેથી ઘટના અકસ્માત જેવી જ દેખાય અને કોઈને શંકા ન જાય. તપાસમાં એવો આરોપ છે કે આયુપીએ પોતાના કાકા મોહન સ્વરૂપ અને પિતરાઈ ભાઈ બલરામ ઉર્ફે રવિ સાથે મળીને આખી યોજના તૈયાર કરી હતી. શરૂઆતમાં ભાડાની એસયુવી દ્વારા અકસ્માત સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે યોજના સફળ થઈ નહોતી. ત્યારબાદ બીજા વાહનની વ્યવસ્થા કરવામાં આવી અને ઘણા દિવસો સુધી નીરજ શર્માની રોજિંદી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી.




