ગળું કાપી શરીરનાં ત્રણ ટુકડા કર્યા, પહેલાં 2 ટુકડા જંગલમાં ફેંક્યા; બીજી રાતે પગ ફેંકવા જતાં જ ઝડપાયો
રેશ્મા અન્ય કોઈ યુવક સાથે વાત કરતી હોવાની શંકાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી
યુપીના જૌનપુરમાં વોટ્સએપ ચેટ ન બતાવવા પર યુવકે પોતાની પરિણીત ગર્લફ્રેન્ડનું ગળું કાપીને હત્યા કરી દીધી. ત્યારબાદ ધારિયાથી મૃતદેહને ત્રણ ટુકડામાં કાપ્યો. હાથ અને કમરના નીચેના ભાગને કાળી પોલીથીનમાં ભરીને બે અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આરોપી યુવક ભાવનગરનો રહેવાસી છે, જ્યારે મૃતક મહિલા વારાણસીની રહેવાસી હતી. જૌનપુરમાં મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ રસ્તા કિનારે ઝાડીઓમાં મોટી પોલીથીન જોઈ તો તેમને શંકા ગઈ. તરત જ તેની જાણ પોલીસને કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પોલીથીન ખોલી. જેમાં મહિલાની કમરનો ઉપરનો ભાગ પડ્યો હતો. જ્યારે આસપાસ તપાસ કરવામાં આવી તો લગભગ એક કિમી દૂર તેના બંને હાથ પડેલા મળ્યા. જ્યારે પગનો ભાગ ગાયબ હતો. પોલીસે બંને ધડ કબજે લઈને આરોપીની શોધખોળ શરૂ કરી. રવિવારે મોડી રાત્રે આરોપી પગના ટુકડા પોલીથીનમાં ભરીને ફેંકવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે તેને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈને તેણે ફાયરિંગ કર્યું. ત્યારબાદ પોલીસે એન્કાઉન્ટરમાં તેના પગ પર ગોળી મારીને તેને પકડી લીધો. તેના જમણા પગમાં ગોળી વાગી છે. તેની પાસેથી ગડાસા (ધારિયું) અને તમંચો મળી આવ્યો છે. આ ઘટના મડિયાહું કોતવાલી વિસ્તારની છે.
- Advertisement -
ગુજરાતના ભાવનગર જિલ્લાનો રહેવાસી હેમલ ખખરિયા ઉર્ફે દિલીપ (42) પુત્ર ભૂપેન્દ્રભાઈ ખખરિયા મડિયાહું કસબાની ટીચર્સ કોલોનીમાં ભાડે રૂમ લઈને રહેતો હતો. બે મહિના પહેલા તેની મુલાકાત વારાણસીના રાજાતાલાબના કેવલીપુર ગામની રહેવાસી રેશ્મા ખાતૂન ઉર્ફે સના (38) સાથે થઈ હતી. બંનેએ નંબરની આપ-લે કરી. ત્યારબાદ રેશ્મા દિલીપ સાથે વાત કરવા લાગી. મડિયાહુંના સીઓ વિજય ચૌધરીએ જણાવ્યું- રેશ્માએ દિલીપને નોકરી અપાવવાની વાત કરી. જેના પર તેણે તેને પોતાની પાસે મડિયાહું બોલાવી લીધી અને બંને સાથે રહેવા લાગ્યા. તેણે તેને મડિયાહુંમાં 18 હજાર પગાર પર એક ખાનગી કંપનીમાં નોકરી લગાવી દીધી. આ દરમિયાન રેશ્મા પોતાના ઘરે પણ આવતી-જતી રહી. રેશ્મા એક અઠવાડિયા પહેલા પોતાના ઘરે ગઈ હતી. શનિવારની સાંજે તે મડિયાહું પોતાના પૈસા લેવાના બહાને આવી. તે દિલીપના રૂમમાં પહોંચી. જ્યાં દિલીપ અને રેશ્મા સાથે જમ્યા. ત્યારબાદ દિલીપે રેશ્મા પાસેથી તેનો મોબાઈલ માંગ્યો. કહેવા લાગ્યો કે તેની વોટ્સએપ ચેટ જોવી છે. તેને શંકા હતી કે રેશ્મા કોઈ બીજા સાથે પણ વાત કરે છે.
રેશ્મા અન્ય કોઈ યુવક સાથે વાત કરતી હોવાની શંકાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે જ રાત્રે તેના વોટ્સએપ ચેટ્સને લઈને વિવાદ વધુ વકર્યો હતો. રેશમાએ વોટ્સએપ ચેટ બતાવવાનો ઇનકાર કર્યો. આ વાત પર બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. આ દરમિયાન રાત્રે લગભગ નવ વાગ્યે ગુસ્સામાં દિલીપે રસોડામાં રાખેલી છરી વડે રેશમાનું ગળું કાપી નાખ્યું. આ પછી તે લાશને ઠેકાણે પાડવા માટે બજાર ગયો અને ત્યાંથી ધારિયું અને કાળી પોલિથીન ખરીદીને લાવ્યો. ત્યારબાદ તેણે તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા અને તે ટુકડાઓને અલગ-અલગ સ્થળોએ ફેંકી દેવાની તૈયારીમાં હતો.
ધારિયા વડે મૃતદેહના ત્રણ ટુકડા કર્યા. બંને હાથ કાપ્યા. ત્યારબાદ કમરથી ધડને અલગ કરી દીધું. પગનો ભાગ અલગ કર્યો. રાતના અંધારામાં તેણે કમરના ઉપરના ભાગને પોલિથીનમાં ભરીને રૂમથી લગભગ બે કિમી દૂર રાણીપુર બાયપાસ પાસે રોડ કિનારે ઝાડીઓમાં ફેંકી દીધો. ત્યારબાદ બંને હાથ પ્લાસ્ટિકની થેલીમાં નાખીને લગભગ 4 કિમી દૂર રામનગર પુલ પાસે ફેંકી દીધા. પોલીસ દ્વારા મૃતદેહની ઓળખની કાર્યવાહી શરૂ થવાની જાણકારી મળતાં તે બાકીના ભાગને ઠેકાણે પાડવા જઈ રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા, પુરાવા નષ્ટ કરવા, પોલીસ પર જીવલેણ હુમલો અને ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.




