જંગલેશ્વર ડીમોલિશનના 27 લાખના કથિત ખર્ચમાં ગરબડ-ગોટાળા થયા હોવાનો આડકતરો સ્વીકાર
ટેન્ડર પ્રક્રિયા અનુસર્યા વિના કરવામાં આવેલું કોઈ પણ બિલનું ચૂકવણું કોર્પોરેશનના નિયમોની વિરુદ્ધઃ સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં જંગલેશ્વર ડીમોલિશન દરમિયાન થયેલા 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્તને નામંજૂર કરી દેવામાં આવી છે. ગત ફેબ્રુઆરી માસમાં જંગલેશ્વરમાં ડીમોલિશન કરવામાં આવ્યું હતું, આ સમયે પોલીસ સહિતના સ્ટાફ માટે ભોજન પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ટેન્ડર પ્રક્રિયા વિનાના લાખો રૂપિયાના બિલને નામંજૂર કરવા સહિત તમામ શાખાઓના રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવાના મહત્વના આદેશો આપવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સૌથી મોટો નિર્ણય જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડીમોલિશન દરમિયાન થયેલા ભોજન ખર્ચ અંગે લેવાયો હતો. ડિમોલિશનની કામગીરી વખતે થયેલા ૨૭ લાખના ભોજન ખર્ચની ચૂકવણી માટેની દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી નામંજૂર કરી દેવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ કહ્યું હતું કે, નિયત ટેન્ડર પ્રક્રિયા અનુસર્યા વિના કરવામાં આવેલું કોઈ પણ બિલનું ચૂકવણું કોર્પોરેશનના નિયમોની સદંતર વિરુદ્ધ છે. આથી, યોગ્ય વહીવટી પ્રક્રિયા વગર આ બિલ ચૂકવી શકાય નહીં. આ સાથે જ કડક તાકીદ કરવામાં આવી છે કે, આગામી સમયમાં મ.ન.પા.ની તમામ શાખાઓએ કોઈ પણ નાણાકીય ચુકવણી કે કામગીરી માટે ફરજિયાતપણે નિયત ટેન્ડર પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.
- Advertisement -
રેટ કોન્ટ્રાક્ટની પુનઃ સમીક્ષા કરાશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હાલ અસ્તિત્વમાં રહેલા તમામ રેટ કોન્ટ્રાક્ટની પુનઃ સમીક્ષા કરવાનો અને જરૂર જણાયે તેને રદ્દ કરી રી-ટેન્ડર કરવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જે રેટ કોન્ટ્રાક્ટમાં ભાવો વધારે હોવાનું કે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાશે, તેમાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયાના વિચાર કર્યા વિના રી-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણય ટેકનિકલ અને નોન-ટેકનિકલ એમ બંને પ્રકારના રેટ કોન્ટ્રાક્ટને લાગુ પડશે. રેટ કોન્ટ્રાક્ટ રદ્દ થવાને કારણે કોર્પોરેશનની કોઈ પણ વિકાસલક્ષી કામગીરી ખોરંભે ન પડે તે માટે પણ કમિટી દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. જ્યાં સુધી નવી રી-ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા તુરંત જ એક સ્પેશિયલ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.




