જમ્મુ-કાશ્મીરના નર્સ સરલા ભટ અત્યાચાર-હત્યા કેસમાં યાસીન મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
કાશ્મીરી હિંદુ મહિલાની હત્યાનો કેસ 36 વર્ષે ખૂલ્યો, પરિવારજનોને ન્યાયની આશા જાગી
- Advertisement -
જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA)એ 18 એપ્રિલ 1990ના રોજ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅડિકલ સાયન્સિસ (SKIMS)માં સ્ટાફ નર્સ સરલા ભટના અપહરણ, અત્યાચાર અને હત્યાના કેસમાં શ્રીનગરમાં ઍડિશનલ સૅશન્સ જજની ખાસ કોર્ટમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં જેલમાં બંધ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના પ્રમુખ અને આતંકવાદી મોહમ્મદ યાસીન મલિકને આ હત્યાના કાવતરા પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યો છે. યાસીન મલિક ઉપરાંત SIAએ આ કેસમાં ખુર્શીદ અહેમદ ચાલકુ, અબ્દુલ હમીદ શેખ, મોહમ્મદ યુસુફ સોફી (ઉર્ફે ઇદ્રીસ) અને ગુલામ મોહમ્મદ ટપલૂને પણ આરોપી ગણાવ્યા છે. એજન્સી અનુસાર શેખ, સોફી અને ટપલૂનું અવસાન થયું છે જ્યારે ચાલકુ પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) ભાગી ગયો હોવાનો આરોપ છે અને તેને જાહેર ગુનેગાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યાસીન હાલમાં આતંકી ફંડિંગના કેસમાં તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
તપાસ અનુસાર 18 એપ્રિલ 1990ના રોજ સરલા રોજની જેમ ડ્યુટી પર જઈ રહી હતી. આ દરમિયાન તેમને હોસ્પિટલ પરિસર નજીકથી ઉપાડી લેવામાં આવ્યા. ચાર દિવસ સુધી તેમને અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા. આ દરમિયાન તેમને ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવ્યા. બાદમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી. સરલા ગુમ થયાના ચાર દિવસ પછી, તેમનો મૃતદેહ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં મળ્યો. શરીર પર ગોળીઓના ઘણા નિશાન હતા. ટોર્ચરના પણ નિશાન હતા. મૃતદેહ પાસે મળેલા એક નોટમાં તેમને સુરક્ષા દળોના બાતમીદાર તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. હત્યા પછી આતંકવાદીઓએ તેમના ઘર પર ગ્રેનેડ પણ ફેંક્યો. આ પછી તેમનો પરિવાર કાશ્મીર છોડવા મજબૂર બન્યો હતો.
માર્ચ 2024માં આ કેસ જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)ને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ એજન્સીએ લગભગ બે વર્ષ સુધી કેસની તપાસ કરી. તપાસ દરમિયાન ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા. જૂના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા. મેડિકલ, ફોરેન્સિક, બેલિસ્ટિક, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. આ જ પુરાવાના આધારે 737 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી. ચાર્જશીટમાં પાંચેય આરોપીઓ પર હત્યા, અપહરણ, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવા સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
કોણ હતાં સરલા ભટ?
સરલા ભટ મૂળ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વતની હતાં. તેઓ શ્રીનગરની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ‘શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ’ (SKIMS), સૌરામાં નિયોનેટોલોજી (નવજાત શિશુ) વિભાગમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. વર્ષ 1990ની શરૂઆતમાં જ્યારે આખી કાશ્મીર ઘાટી આતંકવાદની આગમાં સળગી રહી હતી ત્યારે હોસ્પિટલના મોટાભાગના કાશ્મીરી પંડિત કર્મચારીઓ જીવ બચાવવા પલાયન કરી રહ્યા હતા. પરંતુ સરલા ભટે પલાયન કરવાને બદલે ઘાટીમાં જ રહીને દર્દીઓની સેવા કરવાનો અડગ નિર્ણય લીધો હતો.
આ કેસ આજે પણ શા માટે મહત્વનો છે?
ફોજદારી કાર્યવાહીથી આગળ વધીને સરલા ભટનો કેસ કાશ્મીરમાં બળવાખોરી સાથે જોડાયેલા ઐતિહાસિક આતંકવાદી ગુનાઓમાં ન્યાયની લાંબી અને મુશ્કેલ શોધનું એક પ્રતીક બની ગયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠનોના ભય અને ધાકને કારણે વર્ષો સુધી સાક્ષીઓ આગળ આવવા તૈયાર નહોતા. માર્ચ 2024માં કેસ SIAને સોંપાયા બાદ તપાસ ફરી શરૂ કરવામાં આવી, જૂના રેકોર્ડની ફરી તપાસ કરવામાં આવી અને નવા મૌખિક, ફોરેન્સિક, બેલિસ્ટિક, તબીબી તથા ઇલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા. એજન્સીનું કહેવું છે કે સુરક્ષિત સાક્ષીઓના નિવેદનો, સ્વતંત્ર પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો, દસ્તાવેજી પુરાવા અને વર્ષો દરમિયાન એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. અને હવે આરોપીને કડક સજા કરવામાં આવશે.




