રાજ્યના 33 તાલુકામાં વરસાદ
સમગ્ર દેશ સહિત ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી ૨ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે અને ત્યારબાદના ૨ થી ૩ દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, ૦૨ જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે વરસાદનું જોર વધી શકે છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉના અને તાપીના વ્યારા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં ૨.૬૦ ઇંચ તો સૌથી ઓછો વલસાડના ધરમપુરમાં ૧ મિમી વરસાદ નોંધાયો છે. સુરતમાં છેલ્લા ૧૫ દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જહાંગીરપુરા, અડાજન અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકા (SMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના-નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે. શહેરના ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે ગંદા પાણી ઉભરાઈ આવ્યા છે અને આખો અંડરપાસ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયો છે. રસ્તાઓ પર ભારે પાણી ભરાવાને કારણે અનેક વાહનો અધવચ્ચે બંધ પડી ગયા છે. જેના લીધે ઉધનાથી સચિન તરફ જતો મુખ્ય માર્ગ આખેઆખો ભારે ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે. વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે એક મોટું ઝાડ પડી જવાની ઘટના સામે આવી છે. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દર વર્ષે સર્જાતી જળબંબાકારની જટિલ પરિસ્થિતિ અને પાલિકાના પૂર્વ આયોજન વિનાના માત્ર કાગળ પરના પોકળ દાવાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




