માત્ર 11 દિવસમાં 350 કંપનીઓને એક્સ્પોઝિશન સાથે જોડવાનો વિશ્વવિક્રમ : મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સિસ દરમિયાન ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવતાં રાજ્યના ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત iNDEXTbએ કે અને ડી કોમ્યુનિકેશન લિમિટેડ સાથે મળીને ગત 2 મે, 2026ના રોજ સુરતમાં આયોજિત બિઝનેસ એક્સ્પોઝિશનમાં માત્ર 11 દિવસના ટૂંકા ગાળામાં કુલ 350 જેટલા પ્રદર્શકોને જોડીને અનોખો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. આ અભૂતપૂર્વ સિદ્ધિને માન્યતા આપતાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેનું વિતરણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે iNDEXTb ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે રોકાણકારો માટે “સિંગલ પોઇન્ટ ઑફ કોન્ટેક્ટ” તરીકે કાર્ય કરે છે. સંસ્થા રાજ્યમાં રોકાણ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે માર્ગદર્શન, જરૂરી પરવાનગીઓ, નીતિ આધાર અને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. રાજ્યમાં ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં તેમજ સ્થાનિક અને વૈશ્વિક રોકાણોને આકર્ષવામાં iNDEXTbનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંસ્થાની કામગીરીના પરિણામે ગુજરાત આજે દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે અને રાજ્યના સામાજિક તેમજ આર્થિક વિકાસને નવી દિશા મળી રહી છે.




