સરકારનો જ દસ્તાવેજ સરકારને જ અમાન્ય?
પંચાયત અને આધારકેન્દ્રના સંકલનના અભાવે હજારો પરિવાર પરેશાન
- Advertisement -
અરજદારોને ગેઝેટ નોટિફિકેશન જેવા ખર્ચાળ દસ્તાવેજો રજૂ કરવાની સલાહ અપાતી હોવાનો આક્ષેપ
ગ્રામ પંચાયત, નોંધણી વિભાગ તથા આધાર કેન્દ્રો વચ્ચે એકરૂપતા લાવી સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવા લોકોની માગ
પંચાયતને હજુ સુધી બારકોડવાળું મેરેજ સર્ટિફિકેટ આપવા અંગે સરકાર તરફથી કોઈ પરિપત્ર કે સૂચના મળી નથી : પંચાયત વિભાગ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરની બહાર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન કરનાર દંપતી અને ખાસ કરીને લગ્ન બાદ દિકરીનું નામ આધારકાર્ડમાં બદલાવવા ઇચ્છતા પરિવારો માટે એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા મેરેજ સર્ટિફિકેટમાં બારકોડ ન હોવાથી આધાર અપડેટ કેન્દ્રો દ્વારા અરજી સ્વીકારવામાં અડચણો ઉભી કરવામાં આવતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પરિણામે હજારો અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરની હદ બહાર આવેલા ગામના પાર્ટી પ્લોટમાં લગ્ન યોજાતા હોવાથી સંબંધિત ગ્રામ પંચાયતમાંથી મેરેજ સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. પંચાયત દ્વારા આપવામાં આવતું આ સર્ટિફિકેટ કાયદેસર અને માન્ય હોવા છતાં તેમાં બારકોડનો સમાવેશ કરવામાં આવતો નથી. બીજી તરફ, લગ્ન બાદ દિકરીના આધારકાર્ડમાં નામ બદલાવવા માટે આધાર કેન્દ્રો બારકોડ ધરાવતું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની માંગ કરતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ વિસંગતતાના કારણે અરજદારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ પંચાયત દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેટ સંપૂર્ણપણે માન્ય ગણાય છે, તો બીજી તરફ આધાર કેન્દ્રો દ્વારા બારકોડનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે તે અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રશ્ન રોજિંદા ધોરણે આધાર કેન્દ્રોમાં ઉભો થાય છે અને અનેક પરિવારોને અરજી અધૂરી રહી જવાના કારણે વારંવાર ચક્કર કાપવા પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો અરજદારોને ગેઝેટ નોટિફિકેશન જેવા ખર્ચાળ દસ્તાવેજો રજૂ કરવાની સલાહ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડે છે. આ મામલે તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પંચાયતને હજુ સુધી બારકોડવાળું મેરેજ સર્ટિફિકેટ આપવા અંગે સરકાર તરફથી કોઈ પરિપત્ર કે સૂચના પ્રાપ્ત થઈ નથી. તેથી હાલ પંચાયતની પ્રક્રિયા મુજબ જ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાક્રમને જોતા આધારકેન્દ્ર અને ગ્રામ પંચાયત વચ્ચે જરૂરી સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એક સરકારી વિભાગ દ્વારા આપવામાં આવતો માન્ય દસ્તાવેજ બીજા વિભાગમાં સ્વીકારવામાં ન આવતો હોવાના કારણે સામાન્ય નાગરિકોને બિનજરૂરી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સંબંધિત પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપે અને ગ્રામ પંચાયત, નોંધણી વિભાગ તથા આધાર કેન્દ્રો વચ્ચે એકરૂપતા લાવી સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે. જેથી લગ્ન બાદ નામ બદલાવવા માટે હજારો પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે.




