રાજકોટ મનપાનું ઐતિહાસિક ઓપન જનરલ બોર્ડઃ શાસક પક્ષના કોર્પોરેટરોએ જ વિપક્ષની ભૂમિકા ભજવીને અધિકારીઓને પરસેવો છોડાવ્યો, ટીપીઓ અને કમિશનર પણ ગોથે ચડ્યા
વિરોધ કરી રહેલા કોંગ્રેસી કોર્પોરેટર અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક પહેલાં આજે ભારે હોબાળો અને હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલી ડિમોલેશનની કામગીરી દરમિયાન અધિકારીઓના ખાણીપીણીના રૂ. ૨૭ લાખના તોતિંગ બિલને મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કાજુકતરી સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને વિજિલન્સ ટીમ વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બંદોબસ્ત અને ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આ કામગીરીના ગણતરીના દિવસોના ખાણીપીણીનો ખર્ચ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. ‘આરાધના ટી’ દ્વારા અધિકારીઓને કાજુ કતરી, સમોસા, ખજૂર રોલ, ચા-કોફી અને વેફર્સ પીરસવામાં આવ્યા હતા, જેનું 6 લાખ બનાવીને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું હતું. જેનો વિરોધ આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જંગલેશ્વર ડિમોલિશનના ફૂડ બિલમાં પણ કૌભાંડના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ એક નવો ઇતિહાસ રચાયો છે. મનપાનું ઓપન જનરલ બોર્ડ કોઈ પણ પ્રકારની સમયમર્યાદા વિના પ્રથમવાર યોજાયું હતું. આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ રહી કે વર્ષો અને દાયકાઓ બાદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરો ખુલ્લીને સામે આવ્યા હતા અને જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા. સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળતું હોય તેવું બોર્ડ જોવા મળ્યું હતું, જેમાં સભ્યોએ પૂછેલા તમામ પ્રશ્નો અંગે વિગતવાર અને આકરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપના 12 કોર્પોરેટરો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે મનપાના ઉચ્ચ અધિકારી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અનેક પ્રશ્નોના જવાબો આપવામાં તેમના પરસેવા છૂટી ગયા હતા.સામાન્ય સભાની શરૂઆતમાં જ ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલના સનસનીખેજ અને આકરા પ્રશ્નોએ ટીપી વિભાગના અધિકારીઓને રીતસર દોડતા કરી દીધા હતા. કેતન પટેલે મુખ્ય ટાઉન પ્લાનિંગ અધિકારીને મનપાના પ્લોટમાં થયેલા દબાણોને લઈને ઘેર્યા હતા. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, મનપાની માલિકીના કુલ કેટલા સરકારી પ્લોટ આવેલા છે, તમામ વોર્ડમાં કેટલા દબાણગ્રસ્ત પ્લોટ છે અને અત્યાર સુધીમાં દબાણ દૂર કરાયેલા પ્લોટોનું લિસ્ટ શું છે? આ ઉપરાંત કોર્પોરેશનના પ્લોટમાં વર્ષોથી દબાણ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં આવી નથી, તેવા આકરા સવાલો કર્યા હતા. આ સવાલોનો જવાબ આપવામાં ઇન્ચાર્જ ટીપીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને સ્ટેજ પર જ ગેંગેફેફે થઈ ગયા હતા. મેયર દ્વારા પ્લોટનું નામ જણાવવા કહેવામાં આવ્યું ત્યારે પણ ઇન્ચાર્જ ટીપીઓ ચોક્કસ વિગત આપી શક્યા ન હતા અને એક-બે દિવસમાં લેખિત અહેવાલ તૈયાર કરીને જવાબ આપવાનો બચાવ કર્યો હતો.




