રાજકોટના કોઠારિયા રોડના પટેલ ક્લાસીસની શરમજનક ઘટના
ક્લાસીસ શિક્ષકે પીવીસીના પાઇપ વડે તન્મયને હાથ પર તેમજ શરીરના પાછળના ભાગે બેફામ માર માર્યોઃ શિક્ષક સામે ગુનો નોંધવા તજવીજ
- Advertisement -
ઈજા એટલી ગંભીર કે માસૂમ તન્મય બેસી પણ શકતો નથીઃ પીઠ પર લોહી જામી ગયું
રાજકોટ: શહેરમાં વિદ્યાર્થીઓ પર શારીરિક અત્યાચારની વધુ એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલા એક જાણીતા ક્લાસીસમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા ૧૫ વર્ષીય માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે માત્ર ‘કુરકુરે’ ખાવા જેવી નજીવી બાબતે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ ઉઠી છે. શિક્ષકની આ ક્રૂરતાના કારણે વિદ્યાર્થીને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચી છે, જેને પગલે રોષે ભરાયેલા વાલીએ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા ‘પટેલ ક્લાસીસ’માં ૧૫ વર્ષીય વિદ્યાર્થી તન્મય હરસોરા ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. ચાલુ ક્લાસ દરમિયાન જ્યારે બ્રેક (વિરામ)નો સમય થયો, ત્યારે તન્મય કુરકુરે ખાઈ રહ્યો હતો. આ નાની અમથી બાબત ક્લાસીસના શિક્ષક તુષાર રાયચુરાને એટલી હદે ગુજરી કે તેઓ પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા.શિક્ષકે પવિત્ર વ્યવસાયને લાંછન લગાડતા હોય તેમ તન્મયને ગાલ પર એકપછી એક અનેક ફડાકા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં, રાક્ષસી વલણ અપનાવીને શિક્ષકે પીવીસીના પ્લાસ્ટિક પાઇપ વડે તન્મયને હાથ પર તેમજ શરીરના પાછળના ભાગે બેફામ માર માર્યો હતો.શિક્ષકના આ અમાનુષી અત્યાચારના કારણે માસૂમ વિદ્યાર્થી તન્મયને પીઠ અને શરીરના અન્ય ભાગો પર લોહી જામી ગયું છે. વાલીના જણાવ્યા અનુસાર, બાળક એટલો અંદરથી ડરી ગયો છે અને તેને એટલી ગંભીર ઇજા થઈ છે કે તે અત્યારે સામાન્ય રીતે બેસી પણ શકતો નથી.
- Advertisement -
જવાબદાર શિક્ષક સામે કડકમાં કડક સજા થવી જોઈએઃ કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂત
આ ઘટનાથી સ્તબ્ધ બનેલા વિદ્યાર્થીના પિતા ન્યાયની આશા સાથે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂત પાસે પહોંચ્યા હતા અને સમગ્ર આપવીતી જણાવી હતી. આ મામલાની ગંભીરતાને જોતા વાલીએ નરાધમ શિક્ષક તુષાર રાયચુરા સામે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. “શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ઘડતર અને સુરક્ષા માટે હોય છે, નહીં કે ત્યાં ભય અને હિંસાનું વાતાવરણ ઊભું કરવા માટે. વિદ્યાર્થીઓ પર શારીરિક અને માનસિક અત્યાચારના વધતા બનાવો આજના સભ્ય સમાજ માટે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે.




