આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે, જ્યારે આજે 24 જૂન અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ગીર સોમનાથ વગેરે વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના વધુ વિસ્તારો તેમજ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ બનેલી છે.
- Advertisement -
નર્મદા જિલ્લાના 6 તાલુકામાંથી સાગબારા તાલુકામાં 23 જૂને મધરાત્રીથી ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદી નાળાઓ છલકાયા છે. એ સાથે જ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે 24 જૂને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે.




