શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડોનો કોંગ્રેસનો આક્ષેપ
સમગ્ર ગુજરાતમાં ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
- Advertisement -
શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા અને ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
દેશ અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ-યુવાનોના અવાજને બુલંદ કરવાના હેતુથી આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા અને ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપર લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોનો સાક્ષી છે.
- Advertisement -
રાજદીપસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે, મોદી સરકારના છેલ્લા 10 વર્ષ દરમિયાન અંદાજે 88 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડ અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આકાંક્ષાનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી.
રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
‘પરીક્ષાની તૈયારીમાં 1.32 લાખ કરોડનો ખર્ચ’
NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદાજ જોતા માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે રૂ.1.32 લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોચિંગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચોને સમાવવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.
‘વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે તે ચિંતાજનક’
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ.3 લાખ કરોડ જેટલો હોવાનો માનવામાં આવે છે, જે કેન્દ્રીય સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં અનેકગણો વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે. દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.




