રાજકોટ શહેર પોલીસ, બોલબાલા ટ્રસ્ટ અને બાન લેબના સંયુક્ત સહયોગથી સેવા કેન્દ્ર શરૂ કરાયુ
જરૂરિયાતમંદોને વર્ષના 365 દિવસ, 24 કલાક કપડાં, પગરખાં, વાસણ અને પુસ્તકો સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજકોટ શહેર પોલીસ, બોલબાલા ટ્રસ્ટ અને બાન લેબના સંયુક્ત સહયોગથી “ખાખીની માનવતા” સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવા કેન્દ્રનો મુખ્ય હેતુ સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકોને દૈનિક જીવન માટે જરૂરી વસ્તુઓ સરળતાથી અને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો છે. આ સેવા કેન્દ્રમાં કપડાં, પગરખાં, વાસણ, પુસ્તકો સહિત જીવનજરૂરિયાતની વિવિધ સામગ્રી વર્ષના તમામ 365 દિવસ અને 24 કલાક ઉપલબ્ધ રહેશે. જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના લોકો તેમજ જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક સહાય મળી શકશે. પોલીસ વિભાગની આ પહેલ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પૂરતી મર્યાદિત નહીં રહેતા સામાજિક જવાબદારી નિભાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.
ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ભાનુબેન બાબરિયા, રાજકોટના કલેક્ટર તેમજ બ્રજેશકુમાર ઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ પહેલને સમાજમાં સહકાર, સેવા અને સંવેદનાની ભાવનાને મજબૂત બનાવનાર પ્રયાસ ગણાવી હતી. સમાજમાં ઘણા લોકો એવા છે કે જેઓને રોજિંદા જીવનમાં જરૂરી વસ્તુઓની અછતનો સામનો કરવો પડે છે. “ખાખીની માનવતા” સેવા કેન્દ્ર આવા લોકો માટે આશાનું કેન્દ્ર બનશે. સમાજના સક્ષમ લોકો પોતાની ઉપયોગી પરંતુ વધારાની વસ્તુઓ અહીં દાનરૂપે આપી શકશે, જ્યારે જરૂરિયાતમંદ લોકો તે વસ્તુઓનો લાભ મેળવી શકશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલું આ સેવા કેન્દ્ર પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ અને માનવતાના સંબંધોને વધુ મજબૂત બનાવશે. “ખાખીની માનવતા” નામને સાર્થક કરતી આ પહેલ પોલીસના માનવીય ચહેરાને ઉજાગર કરતી અનોખી અને પ્રેરણાદાયી કામગીરી તરીકે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.




