હવે બાળકોની પહેલી ભાષા બની રહી છે ‘યૂ ટ્યૂબની બોલી’
માતા-પિતા બાળકોને શાંત રાખવા, રડતાં બંધ કરવા અથવા ખાવાનું ખવડાવવા માટે મોબાઈલ ફોનને ‘ડિજિટલ રમકડાં’ બનાવી દે છે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ અમદાવાદ
‘લાઈક કરો, શેર કરો, બેલ આઇકન દબાવો…’, ‘હેલો ગાઇઝ…’ જેવા વાક્યો હવે યૂટ્યૂબ સુધી સીમિત રહ્યાં નથી. ઘણાં બાળકો બોલતાં શીખતી વખતે ‘મમ્મી-પપ્પા’ પહેલાં ‘સબ્સ્ક્રાઇબ’ અને ‘ફોલો’ જેવા શબ્દો બોલવા લાગ્યાં છે. તેઓ પોતાનાં મનપસંદ યૂટ્યૂબર્સ અને કાર્ટૂન પાત્રોનાં અવાજ, લહેકો અને હાવભાવ અપનાવવા લાગ્યાં છે.
નિષ્ણાતોના મતે આનું સૌથી મોટું કારણ નાની ઉંમરમાં બાળકોનાં હાથમાં મોબાઈલ પહોંચવો છે. વ્યસ્ત દિનચર્યામાં માતા-પિતા બાળકોને શાંત રાખવા, રડતાં બંધ કરવા અથવા ખાવાનું ખવડાવવા માટે મોબાઈલ ફોનને ‘ડિજિટલ રમકડાં’ બનાવી દે છે. ધીમે-ધીમે બાળકો સ્ક્રીનના રંગબેરંગી ક્નટેન્ટ સાથે એટલાં જોડાઈ જાય છે કે તે જ તેમની શીખવાની, વિચારવાની અને બોલવાની પહેલી પાઠશાળા બની જાય છે.
- Advertisement -
ડબ્લ્યુએચઓના જણાવ્યાં અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સ્ક્રીનથી દૂર રાખો, જ્યારે 2 થી 4 વર્ષનાં બાળકોનો સ્ક્રીન ટાઈમ 1 કલાકથી વધુ ન હોવો જોઈએ. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશનના સંશોધન મુજબ, રોજ 2 થી 3 કલાકનાં સ્ક્રીન ટાઈમથી બાળકોમાં ‘વર્ચ્યુઅલ ઓટિઝમ’ નું જોખમ રહેલું છે. જેમાં બાળક લોકો સાથે નજર મિલાવવાનું અને લાગણીઓ વ્યક્ત કરવાનું બંધ કરી દે છે.
શું છે સમાધાન?
– બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરો.
– બાળકોને વાર્તાઓ, પુસ્તકો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડો.
– રમતગમત અને પારિવારિક સંવાદને પ્રોત્સાહન આપો.
– જરૂર પડ્યે જ ઉંમરને અનુરૂપ શૈક્ષણિક ક્નટેન્ટ બતાવો.




