પ્રથમ વખત પ્રશ્નપત્રોની સુરક્ષા માટે ડિજિટલ લોક સિસ્ટમનો ઉપયોગ
એરફોર્સ હવાઈ માર્ગે પેપર લાવશે, CISFના જવાનો કેન્દ્રો પર પહોંચાડશે
- Advertisement -
દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મૂકાશે
11થી 1:30 વાગ્યા સુધી જ પ્રવેશ, 2થી સાંજે 5:15 વાગ્યા સુધી પરિક્ષા ચાલશે
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની અતિ મહત્વની ગણાતી UG NEETની પુનઃ પરીક્ષા 21 જૂન, 2026ને રવિવારના રોજ યોજાનાર છે. અગાઉ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના વિવાદ બાદ, આ વખતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 5330 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
આ વખતે પ્રશ્નપત્રોની સુરક્ષા માટે પ્રથમ વખત ડિજિટલ લોક સિસ્ટમનો ઉપયોગ કરાયો છે, જેમાં ઇન્ડિયન એરફોર્સના જવાનો મારફતે હવાઈ માર્ગે પેપર રાજકોટ લાવવામાં આવશે. કેન્દ્રો સુધી પેપર પહોંચાડવાની કમાન્ડ CISFના જવાનો અને સ્થાનિક પોલીસને સોંપાઈ છે. ગેરરીતિ રોકવા માટે દરેક સેન્ટર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે.
કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, ST બસના રૂટ ગોઠવાયા
રાજકોટના એડિશનલ કલેક્ટર જે. એચ. બારોટે જણાવ્યું કે, પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તમામ સરકારી વિભાગો સાથે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પરિવહનમાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગને ખાસ રૂટો ફાળવવા અને પીજીવીસીએલને પરીક્ષા દરમિયાન એકપણ મિનિટનો વીજકાપ ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મૂકવામાં આવશે.
પરીક્ષાનો સમય, એન્ટ્રીના નિયમો અને વિદ્યાર્થીઓ માટે સ્પે. ટ્રેનની વિગત
એન્ટ્રીનો સમય : પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. વિદ્યાર્થીઓને કેન્દ્ર પર બપોરે 11:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ કોઈને એન્ટ્રી મળશે નહીં.
કડક સ્ક્રીનિંગ : કેન્દ્રના મુખ્ય ગેટ પર મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ અને ડિજિટલ બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસવા દેવાશે.
વિજિલન્સ સ્ક્વોડ : પરીક્ષા દરમિયાન શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અને ચોરી કે ગેરરીતિના કિસ્સા ડામવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ફ્લાઈંગ સ્ક્વોડ સતત રાઉન્ડ મારશે.
પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેની ખાસ વ્યવસ્થા
20 જૂન (શનિવાર) : ઓખાથી ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે.
21 જૂન (રવિવાર) : પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ સરળતાથી પરત ફરી શકે તે માટે ગાંધીનગરથી ઓખા સ્પેશિયલ ટ્રેન દોડશે.




