પરંપરાગત રમતો જેવી કે લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ મુખ્ય આકર્ષણ રહેશે
રોશનીથી ઝગમગતા નવનિર્મિત બ્રિજ પર પરિવાર-મિત્રો સાથે લટાર મારવાનો અનેરો આનંદ માણી શકશે
- Advertisement -
રાજકોટ સ્માર્ટ સિટીના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વધુ એક ભવ્ય યશકલગી ઉમેરાઈ છે. જામનગર રોડ પર આશરે રૂ. 74 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત સાંઢિયા પુલ ખાતે કરવામાં આવેલી ભવ્ય અને અત્યંત આકર્ષક લાઈટિંગ-રોશની શહેરવાસીઓ માટે વિકાસનું એક ઝગમગતું નજરાણું બની રહેશે. આ નવતર પહેલ અંતર્ગત નાગરિકોને પ્રકાશથી ઝળહળતા બ્રિજ પર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે સહેલગાહનો અદભુત આનંદ માણવાની અનોખી તક પ્રાપ્ત થશે. આ સાથે જ સ્થાનિકો શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ભવ્યતાને ખૂબ નજીકથી અનુભવી શકશે.
આ ઉત્સાહભર્યા માહોલને વધુ મનોરંજક અને યાદગાર બનાવવા માટે અહીં ખાસ “Happy Street” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકોટવાસીઓને બાળપણની યાદોમાં સેર કરાવવાની સાથે ફિટનેસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ પૂરો પાડશે.
આ ‘હેપ્પી સ્ટ્રીટ’ ખાતે યોજાનારી વિવિધ આકર્ષક ગેમ્સ અને એક્ટિવિટીઝમાં પરંપરાગત અને મનોરંજક રમતો જેવી કે લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ અને હોપ્સકોચ (ચીકલો) મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત મગજ કસતી પઝલ તેમજ લૂડો અને સાપસીડી જેવી લોકપ્રિય બોર્ડ ગેમ્સ પણ આયોજિત કરાશે. બાળકોમાં કળા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ખાસ ડ્રોઈંગ એક્ટિવિટીનું આયોજન પણ આ હરવા-ફરવાના સ્થળે આકર્ષણનું કેન્દ્ર બનશે.
- Advertisement -
સાંઢિયા પુલના આ ભવ્ય નજરાણામાં યુવાધનને ડોલાવવા માટે એનર્જેટિક જુમ્બા સેશન અને આપણી લોકસંસ્કૃતિના પ્રતીક સમાન પરંપરાગત ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. સમગ્ર બ્રિજ અને તેની આસપાસના વિસ્તારને ભવ્ય દેખાવ આપતી આકર્ષક લાઈટિંગ આ આખી ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવશે. આધુનિકતા અને મનોરંજનની આ જુગલબંધી રાજકોટના નાગરિકો માટે વીકેન્ડ માણવાનું એક આદર્શ અને ઉત્તમ સ્થળ સાબિત થશે તે નક્કી છે.




