નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને આવતા ફોર-વ્હીલર ચાલકોને હવે મહિલા અંડરબ્રિજ તરફથી ડાયવર્ઝન લેવું પડશે
દ્વિચક્રી વાહનો માટે કોટેચા સર્કલ પરથી પસાર થવાની છૂટછાટ પૂર્વવત રહેશે
- Advertisement -
રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કોટેચા સર્કલ ખાતે ટ્રાફિકના ભારણને નિયંત્રિત કરવા માટે મોટો ફેરફાર કરાયો છે. નવા નિયમ મુજબ હવેથી નિર્મલા રોડ પરથી કાલાવાડ રોડ તરફ આવતા કાર ચાલકો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ટુ-વ્હીલર ચાલકો માટે પસાર થવાની છૂટ યથાવત રાખવામાં આવી છે. નિયમનો કડક અમલ કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા કોટેચા સર્કલ આસપાસ મજબૂત બેરીકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, હનુમાન મઢી તરફથી નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને આવતા ફોર-વ્હીલર ચાલકો હવે સીધા કોટેચા સર્કલ તરફ જઈ શકશે નહીં. આ કાર ચાલકોએ હવે મહિલા અંડરબ્રિજ તરફથી ડાયવર્ઝન લઈને લાંબો ફેરો કરવો પડશે. પીક અવર્સ દરમિયાન ફોર-વ્હીલર વાહનોના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોવાથી આ પ્રતિબંધ મુકાયો છે.



