35 દિવસનાં વેકેશન બાદ બાળકોથી સ્કૂલ કેમ્પસ ફરી ગૂંજી ઉઠ્યુ
શિક્ષકોએ તિલક કરીને તામમ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
- Advertisement -
પ્રથમ સત્રમાં 120 અને બીજા સત્રમાં શૈક્ષણિક કાર્યના 124 દિવસો રહેશે, વર્ષમાં વિદ્યાર્થીઓને 80 રજા મળશે
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યમાં લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી રાજ્યની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા 35 દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે 54000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. સતત ૩૫ દિવસના ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજે સોમવારથી પ્રાથમિકથી લઈ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રાંરભ થયો છે. આ સાથે જ વેકેશનના કારણે શાંત પડેલી શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી છે. નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે શાળાએ પહોંચેલા અંદાજે 1.15 કરોડ બાળકોનું વિવિધ શાળાઓમાં પરંપરાગત અને ભારે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરીને અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને ફરી મળવાનો અનોખો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હતો.
- Advertisement -
નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે આજે શાળાઓના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર અને કુમકુમ તિલક કરી અને ફુલોથી સ્વાગત કરી આવકારવામાં આવ્યા છે. દરમિયાન ભારે ગરમીના પગલે રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓને તા.1 સુધી સવારની પાળીમાં જ ચલાવવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ અન્ય સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, તીવ્ર ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026-27ના આ નવા શૈક્ષણિક વર્ષમાં તા.8 જુનથી તા.4 નવેમ્બર દરમિયાન શાળાઓમાં પ્રથમ સત્રમાં 120 દિવસ શૈક્ષણિક કાર્ય ચાલશે ત્યારબાદ તા. 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. જયારે 26 નવેમ્બરથી 124 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જે તા. 2 મે 2027 સુધી ચાલશે. નવા વર્ષમાં વાર્ષિક પરીક્ષા બાદ તા.3 મેથી ઉનાળુ વેકેશન પડશે. શિક્ષણ બોર્ડના એકેડેમીક કેલેન્ડર મુજબ આ નવા વર્ષમાં 80 રજાઓ વિદ્યાર્થીઓને મળશે.
સરકારી-ગ્રાન્ટેડ શાળામાં હજુ પાઠ્યપુસ્તકો નથી મળ્યા, ખાનગીમાં પુસ્તકો-યુનિફોર્મ 10% મોંઘા!
ગુજરાત બોર્ડની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને અપાતા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો હજુ સુધી પહોંચ્યા જ નથી, જેના કારણે આચાર્યો અને શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સીધી અસરને લીધે ખાનગી શાળાઓના પાઠ્યપુસ્તકો સહિત સ્કૂલ યુનિફોર્મ, શૂઝ અને બેગમાં 7%થી 10% નો ધરખમ ભાવવધારો ઝીંકાયો છે. ગુજરાત બોર્ડની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને દર વર્ષે મે મહિનાના અંત સુધીમાં મફત પાઠ્યપુસ્તકો મળી જતા હોય છે, જેથી શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે તેનું વિતરણ થઈ શકે. પરંતુ આ વર્ષે જૂન મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પુસ્તકોનો સ્ટોક સ્કૂલો સુધી પહોંચ્યો નહીં હોવાનું જાણવા મળ્યું છે.




