હનુમંત કથાના ત્રીજા દિવસે દિવ્ય દરબારમાં એક જરૂરિયાતમંદ મહિલાને રોકડ રૂપિયાની મદદ કરી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ભવ્ય ‘સનાતન સેતુ હનુમંત કથા’ના ત્રીજા દિવસે રાજકોટના કથા મંડપમાં એક અલૌકિક માહોલ સર્જાયો હતો. લાખો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) દ્વારા ‘દિવ્ય દરબાર’ ભરવામાં આવ્યો હતો. આ દરબારમાં બાબાએ પોતાની આગવી શૈલીમાં દૂર દૂરથી આવેલા ભાવિકો, અનુયાયીઓની જટિલ સમસ્યાઓ, પારિવારિક કંકાસ અને વર્ષો જૂની બીમારીઓનું સમાધાન કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્ય દરબારમાં આવેલી એક જરૂરિયાતમંદ અને મજૂરીકામ કરતી મહિલાને બાબા બાગેશ્વરે રોકડ મદદ પણ કરી હતો. દિવ્ય દરબારની શરૂઆત થતાં જ બાબા બાગેશ્વરે હનુમંત ચરણોમાં ધ્યાન ધરીને લાલ કલમથી અગાઉથી જ કાગળ (પરચો) લખવાનું શરૂ કર્યું હતું. દરબારમાં કોઈ વ્યક્તિ આગળ આવે તે પહેલાં જ બાબાએ તેના મનમાં ચાલતી મૂંઝવણો કાગળ પર ઉતારી દીધી હતી. અનુયાયીઓની સમસ્યાઓનું સમાધાન કર્યા બાદ બાબા બાગેશ્વરે મંચ પરથી ગર્જના કરતા જણાવ્યું હતું કે, “હું કોઈ ભગવાન કે ચમત્કારી પુરુષ નથી. હું માત્ર મારા બાગેશ્વર ધામના બાલાજીનો એક સામાન્ય સેવક છું. તમારી શ્રદ્ધા અને હનુમંત લલાની શક્તિ જ તમારા પ્રશ્નો અને પીડાઓને હરી રહી છે. કથાના ત્રીજા દિવસનો આદિવ્ય દરબાર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં શ્રદ્ધા, સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિનો એક અનોખો સેતુ સાબિત થયો છે. આ સભા દરમિયાન તેમણે કહ્યુ કે ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે. અનુયાયીઓની ચિંતા દૂર કરતા જણાવાયું હતું કે, આજથી તમારી સમસ્યા તમારી નથી, પરંતુ અમારા બાબા બાગેશ્વરની છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધર્મલાભ લીધો હતો.
બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધુણ્યા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’ બાદ કથિત પ્રેત આત્માઓના નામે ધૂણતા લોકો જોવા મળ્યા હતા. તેમજ એક બાળક પણ ધુણતો હોવાનું સામે આવ્યુ હતુ.




