અમદાવાદના કમિશનર જી.એસ. મલિકે 10 કિલો વજન ઘટાડી પ્રેરણા આપી
અમદાવાદમાં ‘મિશન ફિટ ખાખી’ અભિયાન સફળ થયા બાદ સમગ્ર રાજ્યમાં શરૂ કરાયું
- Advertisement -
દર સોમવારે યોગ, કસરત, ડાયેટ પ્લાન, ટ્રેકિંગ શીટથી મોનિટરિંગ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ દળના કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલો ‘મિશન ફિટ ખાખી’ કાર્યક્રમ મંગળવારે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. 10 માર્ચે પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા 12 અઠવાડિયાના આ વિશેષ અભિયાનના અંતે ઉત્સાહજનક પરિણામો સામે આવ્યા છે. વધુ વજન અને મોટી ફાંદની સમસ્યાથી પીડાતા તથા જેમનો બોડી માસ ઈન્ડેક્સ (ઇખઈં) 30થી વધુ હતો તેવા 100 પોલીસ કર્મચારીઓમાંથી 70 કર્મચારીઓએ 3 કિલોથી લઈને 17.7 કિલો સુધીનું વજન ઘટાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન લાંબા કલાકોની કામગીરી, અનિયમિત જીવનશૈલી અને તણાવને કારણે વધતા વજનની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વિશેષતા એ રહી કે આ અભિયાન શરૂ કરતા પહેલાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોતે આ ડાયેટ અને ફિટનેસ કાર્યક્રમનું પાલન કર્યું હતું. તેમણે પોતાના શરીરનું 7થી 10 કિલો જેટલું વજન ઘટાડીને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ જ વધુ વજન ધરાવતા કર્મચારીઓ માટે ‘મિશન ફિટ ખાખી’ શરૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન દર સોમવારે પોલીસ હેડક્વાર્ટરમાં વિશેષ તાલીમ અને મોનિટરિંગ સત્રો યોજવામાં આવતા હતા. તમામ પસંદ કરાયેલા પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવતા અને નિષ્ણાતો દ્વારા તેમને યોગ્ય આહાર, યોગ, કસરત અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. સાથે જ દરેક કર્મચારીની પ્રગતિ પર સતત નજર રાખવા માટે ‘વીકલી ટ્રેકિંગ શીટ’ પણ તૈયાર કરવામાં આવી હતી. અભિયાનના અંતે પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ 10 પોલીસ અધિકારી અને કર્મચારીઓએ 10 કિલોથી વધુ વજન ઘટાડ્યું છે, જ્યારે 7 કર્મચારીઓએ 8થી 10 કિલો સુધી વજન ઓછું કર્યું છે. ઉપરાંત 20 કર્મચારીઓએ 3થી 5 કિલો સુધી વજન ઘટાડ્યું છે અને 13 કર્મચારીઓએ 3 કિલો સુધીનું વજન ઉતારવામાં સફળતા મેળવી છે. કેટલાક કર્મચારીઓએ 17.7 કિલો સુધીનું વજન ઘટાડીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પોલીસ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ‘મિશન ફિટ ખાખી’ માત્ર વજન ઘટાડવાનો કાર્યક્રમ નહોતો, પરંતુ કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા, કાર્યક્ષમતા વધારવા અને માનસિક તણાવ ઘટાડવાના હેતુથી પણ ચલાવવામાં આવ્યો હતો. અભિયાનના સફળ પરિણામોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ આવા ફિટનેસ અને વેલનેસ કાર્યક્રમો વધુ વ્યાપક સ્તરે અમલમાં મૂકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
ઇખઈં 30થી વધુ હોય તેવા 100 કર્મચારીઓ માટે વિશેષ કોર્સનું આયોજન
ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ (સાઈબુર ક્રાઈમ) : 110.7 કિલોમાંથી 17.7 કિલો ઘટાડયું
જિતેન્દ્રસિંહ ગોહિલ (હેડક્વાર્ટર) : 95 કિલોમાંથી 13.2 કિલો ઘટાડયું
ઈશ્વરસિંહ દશરથસિંહ (નરોડા) : 92.7 કિલોમાંથી 12.4 કિલો ઘટાડ્યું
રાજેન્દ્રસિંહ ઝાલા (એસઓજી) : 113 કિલોમાંથી 10.9 કિલો ઘટાડ્યું
કલ્પેશકુમાર સોલંકી (કાગડાપીઠ) : 109.9 કિલોમાંથી 10.9 કિલો ઘટાડયું
રાકેશ ભૂપેન્દ્રસિંહ (કૃષ્ણનગર) : 90 કિલોમાંથી 10.6 કિલો ઘટાડયું
અમૃતજી બાબુજી (કંટ્રોલ રૂમ) : 95.2 કિલોમાંથી 10.5 કિલો ઘટાડ્યું
વિનોદભાઈ ભવાનભાઈ (ગોમતીપુર) : 122 કિલોમાંથી 10.3 કિલો ઘટાડયું
જિતેન્દ્રસિંહ બહાદુરસિંહ (સરદારનગર) : 90.2 કિલોમાંથી 10.2 કિલો ઘટાડયું
વિનોદકુમાર ચંદુભાઈ (નારોલ) : 109.0 કિલોમાંથી 10 કિલો ઘટાડ્યું.



