મૃતકનું વારસાઈ મકાન પચાવી પાડવા બુટલેગર અવારનવાર ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ
બી ડિવિઝન પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની કરી અટકાયત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટના સામા કાંઠે આવેલ ભગીરથ સોસાયટીમાં દારૂ પીધા બાદ બે લોકોના મોત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે આ કોઈ લઠ્ઠાકાંડ નહિ પરંતુ સમજી વિચારીને, પ્લાન ઘડીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ફલિત થયું છે કારણકે બુટલેગર જીણા ભગતે જ બંને મિત્રને દેશી દારૂમાં ઝેરી દવા ભેળવેલો દારૂ પીવડાવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધી તેની અટકાયત કરી છે પાંચ મહિના પહેલા મૃતક મનસુખભાઇ ડાભીના ઘરે પોલીસ આવી હતી અને જીણા ભગતનું ઘર બતાવતા તે વાતનો ખાર રાખી આ કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે હુડકો ક્વાર્ટર આરટીઓ પાછળ રહેતાં વિનયભાઈ મનસુખભાઇ ડાભી ઉ.30એ ભગીરથ સોસાયટીમાં રહેતા જીણા વિઠલ ગોહીલ સામે તેના પિતા મનસુખભાઇ અને પિતાના મિત્ર અલ્પેશભાઈ સાબરીયાની હત્યા કરવા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે હાલ સંતકબીર રોડ પર ઈમીટેશનના કારખાનામાં મજૂરીકામ કરે છે વડીલો પાર્જીત મકાન ભગીરથ સોસાયટી, શેરી નં-10 કોર્નર ખાતે આવેલ હોય જે મકાન પાડી નાખી નવુ બાંધકામ કરવાનુ હોય તેથી પિતા ત્યા જૂના મકાને છેલ્લા પાંચ-છ દિવસથી ત્યાં જ રહે છે ગઇ તા. 17 ના ફરીયાદી ઘરથી થોડે દૂર મિત્ર ભાર્ગવ તથા લાલો રાત્રીના આશરે નવેક વાગ્યે બેઠેલ હતા તે દરમ્યાન પિતાનો ફોન આવેલ હતો કે, મને જીણું જીણું પેટમાં દુખે છે તુ આવી જા, તો કહેલ કે, હમણા નાનો નીલેશ ટીફીન લઇને આવે છે અને પૂછેલ કે કેમ પેટ મા દુખે છે ? તો પિતાએ કહેલ કે, હું તથા અલ્પેશ દારૂ પીવા બેઠેલ હતા અને તે દારૂ જીણા ભગતના ઘરેથી અલ્પેશ લાવેલ હતો આ દારૂ પીધા બાદ મને તથા અલ્પેશને બન્નેને પેટમા દુખાવો થવા લાગેલ છે, આ જીણા ભગતે દારૂમા કાંઇક ભેળવ્યુ હોય તેવુ મને લાગે છે જેથી યુવકે તેના ભાઇને ફોન લગાડવા કોશીષ કરેલ પરંતુ ફોન લાગેલ નહી, આથી તે ઘરે ગયેલ અને ત્યાંથી પપ્પા પાસે જવા માટે નીકળેલ તે દરમ્યાન રસ્તામા નાના ભાઈ નીલેશનો ફોન આવેલ કે, હું પપ્પાને ટીફીન આપવા માટે જૂના મકાને આવેલ હતો અને ત્યા મકાનની પાસે પપ્પા તથા એક અજાણ્યા ભાઇ બેભાન હાલાતમા પડેલ છે, આ લોકોને ઉઠાડવાની કોશીષ કરેલ હોય પરંતુ કાંઇ બોલતા ન હોય અને બેભાન અવસ્થામા જ પડેલ છે જેથી તે ત્યાં પહોંચેલ અને જોયુ તો બન્ને બેભાન હાલાતમા પડેલ હતા. જેથી તુરત જ 108 મારફત બન્નેને અલગ-અલગ એમ્બુલન્સમા સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ હતા. ત્યાં તબીબે બંનેને તપાસી મૃત જાહેર કર્યા હતા. વધુમાં ફરીયાદીએ જણાવેલ કે, તેમના પપ્પા મનસુખભાઇ છેલ્લા પાંચેક વર્ષથી દારૂ પીવાની ટેવ ધરાવે છે, અલ્પેશભાઈ પપ્પાના મિત્ર હોય તે બન્ને અવાર-નવાર સાથે દારૂ પીતા હતા. પાંચેક મહીના પહેલા પોલીસ ઘરે આવી હતી અને જીણા ભગતનું ઘર ક્યાં છે તેમ પૂછતા પપ્પાએ જીણા ભગતનું ઘર બાજુની ગલીમા હોય તે બતાવેલ હતુ ત્યારથી આ જીણો ભગત પપ્પા સાથે ઝઘડો કરતો હતો અને કહેતો હતો કે, તે કેમ પોલીસને મારૂ ઘર બતાવ્યુ હુ તને જીવતો નહી રહેવા દઉં. ઉપરાંત મકાન આ જીણા ભગતને લઇ લેવુ હોય અવારનવાર પપ્પાને મકાન આપી દેજો નહીંતર હું તને મારી નાખીશ તેવુ કહેતો હતો. આ વાત પપ્પાએ ઘણી વખત કહેલ હતી તેમજ મૃતક અલ્પેશભાઇ જીણા ભગતને ત્યાં કામ કરતા હોય અને પપ્પાના પણ મિત્ર હોય જેથી તે પપ્પાને તને જીણો ભગત જીવતો મૂકશે નહી તેવુ કહેતો રહેતો હતો. તે વાત પણ પપ્પાએ કરેલ હતી. જેથી યુવકે તેના પપ્પાને આ અલ્પેશ સાથે દારૂ નહી પીવાનો તેમજ કોઈ સંબંધ નહી રાખવાની ઘણી વખત વાત કરેલ હતી, કેમ કે શંકા હતી કે, જીણા ભગત દારૂમા કાંઇક ભેળસેળ કરી પપ્પાને મારી નાખવાની કોશીષ કરશે. જેથી મૃતક મનસુખભાઇએ અગાઉ પોલીસને જીણા ભગતનુ ઘર બતાવેલ હોય જે બાબતનુ મનદુખ રાખી પપ્પા મનસુખભાઇને તથા તેના મિત્ર અલ્પેશભાઈ સાભરીયાને દેશી દારૂમા કોઇ ઝેરી પદાર્થ આપી મોતને ઘાટ ઉતારી દેતાં ફરીયાદ નોંધાવી હતી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઙઈં જી. આર.ચૌહાણ અને ટીમે આરોપી જીણા ભગતની અટક કરી વધુ તપાસ હાથ ધરી.
જીણા ગોહિલએ પોલીસ સ્ટેશનમાં જ વંદા મારવાનો સ્પ્રે છાંટી કર્યો આપઘાતનો પ્રયાસ
- Advertisement -
સ્ટાફને ધક્કો મારી ફરજમાં રુકાવટ કરતા અલગથી ગુનો નોંધાયો
રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદિશભાઈ મનુભાઈ વાંકએ બુટલેગર ભગીરથ સોસાયટીમાં રહેતા જીણા વિઠ્ઠલભાઈ ગોહિલ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે નોંધાયેલા ગુનામાં આક્ષેપીત જીણાભાઇ વિઠલભાઈ ગોહેલની ગુનાનાં કામે પુછપરછ કરતા હોય બંને મરણ જનારને દારૂમાં વંદા તથા મછર મારવાનોં સ્પ્રે ભેળવી મોત નિપજાવેલ હોય તેવી કબુલાત આપતા આક્ષેપીતની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે દરમિયાન સર્વેલંસ રૂમમાં એક વંદા મારવાનો સ્પ્રે પડેલ હતો તે સ્પ્રે આ આક્ષેપીતની નજરમાં આવતા અને પુછપરછ દરમ્યાન આરોપી ચાલાક હોય અને ગુનાહીત ઇતિહાસ ધરાવતા હોય ધરપકડની કાર્યવાહી દરમ્યાન વધારે પુછરપછનો સામનો કરવો ન પડે તે માટે ચાલકી પુર્વક ટેબલ નીચે પડેલ વંદા તથા મચ્છર મારવાનો સ્પ્રે લઇ સ્ટાફને ધક્કો મારી પોતાનાં મોઢામાં સ્પ્રે મારી દીધો હતો અને અમો તથા સ્ટાફનાં માણસોએ તાત્કાલીક તેને પકડી હાથમાંથી સ્પ્રે જુંટવી લીધેલ અને તાત્કાલીક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો આમ પોલીસની કાયદેસર ફરજ દરમ્યાન ધરપકડથી બચવા સ્ટાફને ધક્કો મારી આપઘાત કરવાની કોશીષ કરતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.



