ગ્રામજનોએ જાણ કરતા પોલીસે લાશ બહાર કાઢી, ફોરેન્સિક પીએમ કરાવતા ખુલ્યો ભેદ
મૃતકના કોઈ વાલીવારસ ન હોય એરપોર્ટ પોલીસના પીએસઆઈએ ફરિયાદી બની દંપતીની કરી ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ઝીકી હત્યા કર્યા બાદ ગુનાને છુપાવવા લાશ સ્મશાનમાં દાટી દેતા ચકચાર મચી ગઈ છે હત્યાના આ બનાવ અંગે ગ્રામજનો પાસેથી મળેલી માહિતી આધારે પોલીસે સ્મશાનમાંથી લાશ બહાર કાઢી હત્યા કરનાર બેડલા ગામે રહેતા શખસ અને મદદગારી કરનાર તેની પત્ની બંનેને ઝડપી લીધા છે પ્રાથમિક તપાસમાં આ દંપતી અને મૃતક ત્રણેય સાથે રહેતા હોય આરોપીને મૃતક અને તેની પત્ની વચ્ચે આડા સંબંધ હોવાની શંકા હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતા યુવાનની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા ઇજાના નિશાન મળી આવતા હત્યા અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ હસ્તકના બેડલાં ગામમાં રહેતા એક યુવાનની હત્યા કરવામાં આવી હોવાની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવતા એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે.પી. તરેટીયા સહિતનો સ્ટાફ સ્મશાન પહોંચ્યો હતો અને સંલગ્ન અધિકારીઓને સાથે રાખી સ્મશાનમાં ખોદકામ કરાવતા મૂળ અમરેલીના ઢસા તાલુકાના દેરડી ગામના સંજય હકાભાઇ વાઘેલા ઉ.25ની લાશ મળી આવી હતી મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે મૃતદેહ ખસેડાયો હતો જેમાં ઇજાના નિશાન હોવાનું સામે આવ્યું હતું હત્યા કોણે અને શામાટે કરી તે દિશામાં પોલીસે તપાસ કરતા મૃતક સંજય છેલ્લા છએક વર્ષથી બેડલા ગામે રહેતા જગદીશ કાળુ કબીરા સાથે રહેતો હોવાનું જાણવા મળતા પોલીસે તુરંત જગદીશને ઉઠાવી લઈ તેની પૂછતાછ કરતા તેણે જ હત્યા કર્યાની કબૂલાત આપી હતી તેમજ આ હત્યામાં તેની પત્ની હીનાએ મદદગારી કરી હોવાનું જણાવતા પોલીસે તેની પણ અટકાયત કરી પૂછતાછ કરી હતી દરમિયાન મૃતક સંજય અને આરોપી જગદીશ બંને માલ ઢોર ચરાવવાની સાથે ઢોલ વગાડવાનું કામ કરતા હતા. બંને વચ્ચે મિત્રતા હતી મૃતક તથા આરોપી અને તેની પત્ની ત્રણેય સાથે જ રહેતા હતા જગદીશને એવી શંકા હતી કે, મૃતક સંજયને તેની પત્ની સાથે આડા સંબંધ છે જેથી આ બાબતે બંને વચ્ચે અગાઉ પણ ઝઘડા થતા હતા દરમિયાન ગઇ તા. 6ના બંને વચ્ચે ઝઘડો થયા બાદ જગદીશે ધોકાના ઘા ફટકારી સંજયની હત્યા કરી નાખી હતી બાદ તેણે પત્ની હીનાની મદદથી લાશ બાંધી કોથળામાં નાખી પત્નીને કોથળા સાથે પાછળ બેસાડી ગામના સ્મશાનમાં લાશ દાટી દીધી હતી મૃતક સંજય અપરિણીત હતો તેના માતા પિતા હયાત નથી આરોપીને સંતાનમાં ત્રણ દીકરા છે. મૃતકના વાલીવારસ ન હોવાથી એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ. જાડેજાએ સરકાર તરફે ફરિયાદી બની હત્યા કરનાર જગદીશ કબીરા અને આ હત્યામાં મદદગારી કરનાર તેની પત્ની હીના બંને સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.



