કચરા-પોતું કરતી મહિલા કર્મચારીએ જ ફાર્માસિસ્ટ રામગોપાલના પાપનો ઘડો ફોડી નાંખ્યો
ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ઓપરેશન કરતો હતો, ગુનો નોંધાયો: હૉસ્પિટલ સીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછામાં 6 મહિના પહેલા પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાના બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખધંધો શરૂ કરી દીધો હતો.
આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું છે.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે, રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો હતો. આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરીને હોસ્પિટલ પર ઓચિંતી રેડ કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો. અનિલ પટેલે ટીમ સાથે રેડ કરી હતી. તેમને વરાછા વિસ્તારમાં લાભેશ્વર ચાર રસ્તા પાસે આવેલી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ વિશે અત્યંત ખાનગી અને સચોટ બાતમી મળી હતી. બાતમી એવી હતી કે, ભૂતકાળમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને કસુવાવડ કરાવવાના રેકેટમાં જેલની હવા ખાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ કિશન ખંડેલવાલ ફરી સક્રિય થયો છે. આ મમતા હોસ્પિટલનો સંચાલક પણ તે જ છે.
આરોગ્ય વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ત્રાટકી ત્યારે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી બે મહિલા કર્મચારીઓ અને ત્રણ સગર્ભા મહિલા દર્દીઓ મળી આવી હતી. ટીમે જ્યારે હોસ્પિટલમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોપટની જેમ સાચું ઓકી દીધું હતું. તેણે કબૂલાત કરી હતી કે, રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં આવતી મહિલાઓના ઓપરેશનો કરતો હતો. આ કબૂલાત બાદ ફાર્માસિસ્ટ રામગોપાલની કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હતો અને મામલો એકદમ સ્પષ્ટ થઈ ગયો હતો.
દરોડા દરમિયાન મળી આવેલી ત્રણ ગર્ભવતી મહિલાઓ પૈકી એક મહિલા વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય મહિલાઓએ આરોગ્ય અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે, તેઓ અહીં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટે જ આવી હતી. આ મહિલાઓના નિવેદન લીધા બાદ તેમની તબીબી ચકાસણી કરવી ખૂબ જરૂરી હોવાથી, આરોગ્ય વિભાગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડી શકાય. જોકે, આ સમગ્ર હોબાળા અને અંધાધૂંધીનો લાભ ઉઠાવીને વ્યારાની રહેવાસી 24 વર્ષીય ગર્ભવતી મહિલા પેશન્ટ તક જોઈને ત્યાંથી ભાગી છૂટી હતી. જ્યારે બાકીની બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.



