લખનૌ સુપર જાયન્ટ્સના 22 વર્ષીય બેટર અક્ષત રઘુવંશીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં ઈતિહાસ રચ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અક્ષતે તેના આઈપીએલ કરિયરના પહેલા જ બોલે છગ્ગો ફટકારીને દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
વૈભવ સૂર્યવંશીના રેકોર્ડની કરી બરાબરી
- Advertisement -
થોડા સમય પહેલા જ રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ પણ પોતાના પહેલા બોલે સિક્સ ફટકારી હતી. હવે અક્ષત રઘુવંશીએ વિલ જેક્સના બોલ પર લોન્ગ ઓન ઉપરથી ગગનચુંબી છગ્ગો ફટકારીને તે પરાક્રમ દોહરાવ્યું છે. આ સાથે જ અક્ષત આઈપીએલ ઈતિહાસમાં આવું કરનાર 11મો ખેલાડી અને આ યાદીમાં જોડાનાર નવો ભારતીય ખેલાડી બન્યો છે.
ડેબ્યૂ મેચનું પર્ફોર્મન્સ
અક્ષત 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. જોકે, તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો અને માત્ર 7 બોલમાં 11 રન બનાવી રઘુ શર્માનો શિકાર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના આ ખેલાડીને હરાજીમાં લખનૌએ 2 કરોડ 20 લાખની મોટી કિંમતે ખરીદ્યો હતો. અક્ષતે તેના રણજી ડેબ્યૂમાં પણ સદી ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.




