અમદાવાદનો એક બિઝનેસમેન, જે છેલ્લા 16 વર્ષથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે, તેને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(DHS) દ્વારા 1.8 મિલિયન યુએસ ડોલર(આશરે 15 કરોડ રૂપિયા)ની સિવિલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ વ્યક્તિ 2010માં મેક્સિકો બોર્ડર દ્વારા ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને પ્રવેશના થોડા સમય બાદ તેની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે, થોડા અઠવાડિયામાં મુક્ત થયા બાદ તેને દેશ છોડવા માટેનો ‘ફાઈનલ રિમૂવલ ઓર્ડર’ આપવામાં આવ્યો હતો, પરંતુ તે અમેરિકામાં જ રોકાઈ ગયો હતો.
નિયમોના ઉલ્લંઘનનું મોટું પરિણામ
- Advertisement -
અમેરિકન સત્તાવાળાઓ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ, આ બિઝનેસમેને વર્ષો પહેલા દેશ છોડવાના આદેશનો ઈરાદાપૂર્વક અનાદર કર્યો હતો. આથી 16 વર્ષ સુધી ગેરકાયદેસર રીતે રહેવા બદલ આ દંડની રકમ 15 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
અમેરિકામાં જ બિઝનેસ જમાવ્યો અને પરિવારને પણ બોલાવ્યો
ગેરકાયદે હોવા છતાં, આ વ્યક્તિએ અમેરિકામાં અનેક વ્યવસાયો સ્થાપિત કર્યા અને સમાન ગેરકાયદે માર્ગો દ્વારા પોતાની પત્ની અને બે બાળકોને પણ ત્યાં બોલાવી લીધા હતા. બે વર્ષ પહેલા તેમણે ‘U વિઝા’ (ચોક્કસ ગુનાઓના પીડિતો માટેના વિઝા) માટે અરજી કરી હતી, જેના આધારે હાલમાં તેમની પાસે વર્ક પરમિટ અને સોશિયલ સિક્યુરિટી નંબર પણ છે. તેમ છતાં, સરકારે લાંબા સમયથી ચાલી રહેલા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ સિવિલ પેનલ્ટી ફટકારી છે.
- Advertisement -
બિઝનેસમેન પાસે 15 દિવસનો સમય
નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ વ્યક્તિ અમેરિકાનો નાગરિક નથી અને તેને કાયદેસર રહેવાની મંજૂરી પણ નથી. તેને આ દંડ સામે અપીલ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તે આ સમય મર્યાદામાં અપીલ નહીં કરે, તો આ આદેશ અંતિમ ગણાશે અને ત્યારબાદ વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ગુજરાતી ડાયસ્પોરા માટે આ કિસ્સો ચર્ચાનો વિષય
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક મહિનાઓમાં લેટિન અમેરિકાના સ્થળાંતર કરનારાઓને આવી લાખો ડોલરની હજારો નોટિસો મોકલવામાં આવી છે. જોકે, કોઈ ગુજરાતી કે ભારતીય વ્યક્તિને આટલી મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો આ કિસ્સો ખૂબ જ દુર્લભ અને નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે. હાલમાં આ વેપારી કાયદાકીય સલાહ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.




