સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ
સરકારી કચેરીઓના દરવાજે જ પોલીસનો પહેરો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને ડામવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એટલે કે 1લી મે 2026થી 31મી મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી ‘ખાસ હેલ્મેટ ડ્રાઇવ’ ચલાવવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને અકસ્માત સમયે થતી જીવલેણ ઇજાઓ અટકાવવાનો છે.
સામાન્ય રીતે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન માત્ર સામાન્ય જનતાને જ નિશાન બનાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ આ વખતે પોલીસની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરાયો છે. ઇન ચાર્જ આઈજી (જીએન્ડબી) મકરંદ ચૌહાણ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ટ્રાફિકના નિયમોના પાલનમાં ઉદાહરણ પૂરું પાડે તે જરૂરી છે. આથી, તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર જ ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત રહેશે. જો કોઈ કર્મચારી કે અધિકારી હેલ્મેટ વગર ઓફિસમાં પ્રવેશતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ, ટુ-વ્હીલર ચલાવનાર વ્યક્તિની સાથે પાછળ બેસનાર (પિલિયન રાઇડર) માટે પણ હેલ્મેટ પહેરવું કાયદાકીય રીતે ફરજિયાત છે. આ ઝુંબેશ દરમિયાન પોલીસ માત્ર ચાલક જ નહીં, પરંતુ પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ દંડ વસૂલશે. પોલીસ દ્વારા આ નિયમની કડક અમલવારી માટે દરેક ચાર રસ્તા અને વ્યસ્ત વિસ્તારોમાં ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.
આ ડ્રાઇવને ગંભીરતાથી લેવા માટે ઉચ્ચ કક્ષાએથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, તેમણે દરરોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં મુખ્ય કચેરીને ઈ-મેલ દ્વારા અગાઉના દિવસનો રિપોર્ટ મોકલવાનો રહેશે. આ રિપોર્ટમાં દંડાયેલા સામાન્ય નાગરિકોની સંખ્યા અને પકડાયેલા સરકારી કર્મચારીઓની અલગથી વિગત દર્શાવવી પડશે.
સુરત શહેરમાં હેલ્મેટના નિયમોની જે પ્રકારે શિસ્તબદ્ધ અમલવારી કરવામાં આવી છે, તે જ મોડેલ હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં લાગુ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. પોલીસનું કહેવું છે કે આ ઝુંબેશનો હેતુ દંડની આવક વધારવાનો નથી, પરંતુ લોકોની કિંમતી જિંદગી બચાવવાનો છે. નાગરિકો પણ આ ઝુંબેશમાં સહકાર આપે અને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરે તેવી અપીલ કરવામાં આવી છે.



