2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા વ્યૂહાત્મક પસંદગીની કવાયત તેજ; એક ડઝનથી વધુ નામો ચર્ચામાં
ચૂંટણી દરમિયાન અમુક સમાજોમાં જોવા મળેલી નારાજગી દૂર કરવા માટે ’એક કાંકરે બે પક્ષી’ મારવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે
- Advertisement -
મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે અત્યારથી જ ભારે કવાયત શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો પર ભાજપના ભવ્ય વિજય બાદ હવે શહેરના રાજકારણમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે, “હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળશે?” મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે અત્યારથી જ ભારે કવાયત શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે મેયરપદની પસંદગીમાં જ્ઞાતિ અને રાજકીય સમીકરણોને વધુ મહત્વ આપે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
મહાપાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ સામાન્ય (જનરલ) કેટેગરી માટે અનામત છે. પરિણામો જાહેર થયાના બીજા જ દિવસથી શહેરના રાજકીય વર્તુળોમાં એક ડઝનથી વધુ નામો ચર્ચામાં આવ્યા છે. દાવેદારોમાં જૂના જોગીઓની સાથે અનેક નવા ચહેરાઓ પણ રેસમાં છે, જેના કારણે અટકળોનું બજાર ગરમ બન્યું છે. હાલમાં જે નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે તેમાં નરેન્દ્રસિંહ જાડેજા, કેતન પટેલ, અશ્વિન ભોરણીયા, મનીષ ભટ્ટ, ઘનશ્યામ હેરભા, પ્રદીપ ડવનો સમાવેશ થાય છે.
જોકે, ભાજપની પરંપરા મુજબ મેયરપદ માટે કોઈ સાવ નવા જ નામની જાહેરાત કરવામાં આવે તો નવાઈ નહીં. અગાઉ વોર્ડ નં. 7 માં જે રીતે ટિકિટ ફાળવણીમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરીને નેહલ શુકલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, તેવું જ કંઈક મેયરની પસંદગીમાં પણ જોવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી દરમિયાન અમુક સમાજોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. હાઈકમાન્ડ હવે આ નારાજગી દૂર કરવા માટે ‘એક કાંકરે બે પક્ષી’ મારવાની વેતરણમાં છે. 2027ની ચૂંટણીને હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે વિધાનસભાની બેઠકો પર જે સમાજનું પ્રભુત્વ વધુ હોય તે જ્ઞાતિના ઉમેદવારને મેયર બનાવીને મતદારોને રીઝવવાનો માસ્ટર પ્લાન ઘડાઈ રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ અનુભવને પ્રાધાન્ય આપે છે કે પછી આગામી ચૂંટણીના સમીકરણોને આધારે કોઈ નવા ચહેરાને રાજકોટના ‘પ્રથમ નાગરિક’ બનાવવાની તક આપે છે.



