ઝૂના નૈસર્ગિક અને સાનુકૂળ વાતાવરણમાં વધુ એક વખત એશિયાઇ સિંહનું સફળ સંવર્ધન
સિંહોની કુલ સંખ્યા 17 પર પહોંચીઃ વેટરનરી ઓફિસર અને તેમની ખાસ ટીમ દ્વારા થી માતા અને બચ્ચાંનું રાઉન્ડ ધ ક્લોક સખત મોનીટરીંગ
- Advertisement -
સિંહણ ધારાએ આ બીજી વખત બચ્ચાંને જન્મ આપ્યોઃ અગાઉ 5 ડિસેમ્બરે બે સિંહ બાળને જન્મ આપ્યો હતો
સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાન (પ્રદ્યુમન પાર્ક ઝૂ) ખાતેથી એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ઝૂના નૈસર્ગિક અને સાનુકૂળ વાતાવરણમાં વધુ એક વખત એશિયાઇ સિંહનું સફળ સંવર્ધન થયું છે, જેમાં સિંહણ ‘ધારા’એ ૩(ત્રણ) સિંહ બાળને જન્મ આપ્યો છે. આ નવા મહેમાનોના આગમન સાથે જ રાજકોટ ઝૂમાં એશિયાઇ સિંહોની કુલ સંખ્યા વધીને ૧૭ પર પહોંચી ગઈ છે.
- Advertisement -
ઝૂ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, એશિયાઇ સિંહ નર “ધનંજય” તથા માદા સિંહણ “ધારા” ના સફળ સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાનના અંતે સિંહ માદા “ધારા” દ્વારા ગત તા.૧૧/૦૬/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ૩ સિંહ બાળને જન્મ આપવામાં આવ્યો હતો. હાલમાં માતા સિંહણ તેમજ ત્રણેય બચ્ચાં સંપૂર્ણપણે તંદુરસ્ત છે. ઝૂના વેટરનરી ઓફિસર અને તેમની ખાસ ટીમ દ્વારા સીસીટીવી (CCTV) કેમેરાના માધ્યમથી માતા અને બચ્ચાંનું ચોવીસેય કલાક (રાઉન્ડ ધ ક્લોક) સખત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે સિંહણ ધારાએ આ બીજી વખત બચ્ચાંને જન્મ આપ્યો છે. આ અગાઉ તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ પણ સિંહ નર ‘ધનંજય’ સાથેના સંવનનથી તેણે બે સિંહ બાળને જન્મ આપ્યો હતો. વન્યજીવ નિષ્ણાતોના મતે, સિંહ, વાઘ અને દીપડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સામાન્ય રીતે સરેરાશ ૨ થી ૩ બચ્ચાંને જન્મ આપતા હોય છે અને ખૂબ જ ઓછા કિસ્સાઓમાં એક અથવા ૪ થી ૫ બચ્ચાંનો જન્મ થતો હોય છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપનું નૈસર્ગિક વાતાવરણ એશિયાઇ સિંહ અને સફેદ વાઘને ખૂબ જ અનુકૂળ આવી ગયું હોવાથી અહીં સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. નવા જન્મેલા ૩ બચ્ચાંના ઉમેરા સાથે હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહોની કુલ સંખ્યા ૧૭ થઈ ગઈ છે, જેમાં પુખ્ત નર-૦૪, પુખ્ત માદા-૦૮, પાઠડા નર-૦૨ તથા ૩ નવજાત બચ્ચાંનો સમાવેશ થાય છે. આ નવા જન્મેલા સિંહ બાળ સહિત રાજકોટ ઝૂના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કુલ ૫૫ (પચાસ) સિંહબાળનો સફળ જન્મ થઈ ચૂક્યો છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયા (CZA)ના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકસાવાયેલું રાજકોટ ઝૂ વન્યપ્રાણી વિનિમય (એક્સચેન્જ) યોજના હેઠળ ભારતના અન્ય ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વની બીજી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં અગ્રેસર રહ્યું છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ (પંજાબ), લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ (છત્તીસગઢ), કાંકરીયા ઝૂ (અમદાવાદ) અને સક્કરબાગ ઝૂ (જૂનાગઢ) વગેરેનો સમાવેશ થાય છે.
ઝૂમાં 70 જુદી જુદી પ્રજાતિઓનાં કુલ 618 વન્યપ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ
હાલમાં રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૭૦ પ્રજાતિઓનાં કુલ ૬૧૮ વન્યપ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ છે, જેમને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરાતા અહીં દર વર્ષે અંદાજિત ૭ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાતે પધારતા હોય છે અને જાહેર રજાઓ તેમજ તહેવારોના દિવસોમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.




