કેન્દ્રીય મંત્રીએ સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્ર્નનો આપ્યો જવાબ; ગુજરાતમાં 7 સોલાર પાર્કને મંજૂરી, રાજસ્થાન બીજા ક્રમે
ગુજરાતની સોલાર ક્ષમતા પર એક નજર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ભારત સરકારની “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નનો લેખિત જવાબ આપતા કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 12,150 મેગાવોટ (ખઠ)ની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા 7 સોલાર પાર્કને મંજૂરી આપવામાં આવી છે. ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ ગુજરાત આ ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.
ગુજરાત બાદ રાજસ્થાન 10,726 મેગાવોટની ક્ષમતા સાથે 11 સોલાર પાર્ક ધરાવીને બીજા ક્રમે છે. સમગ્ર દેશમાં કુલ 54 સોલાર પાર્કને મંજૂરી અપાઈ છે, જેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે. સાંસદ પરિમલ નથવાણીએ સોલાર પ્રોજેક્ટના લક્ષ્યાંકો અને તેના અમલીકરણમાં આવતા પડકારો વિશે પૃચ્છા કરી હતી, જેના જવાબમાં મંત્રીએ રાજ્યની પ્રગતિની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ સોલાર પ્રોજેક્ટ્સના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં મુખ્યત્વે જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની સમયરેખા સાથે તાલમેલ સાધવો અને ટેરિફ અપનાવવામાં થતા વિલંબ જેવા પડકારોનો સમાવેશ થાય છે. મંત્રાલય દ્વારા આ પડકારોને પહોંચી વળવા માટે સંબંધિત રાજ્યો અને હિતધારકો સાથે નિયમિત બેઠકો યોજીને ઝડપી ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



