22 માર્ચે 51 નવયુગલના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામ ખાતે આવેલા શ્રી જય જખરાપીર હિન્દવાપીર દાદાની જગ્યા-પાળધામમાં આગામી તા.13 માર્ચથી તા.21 માર્ચ 2026 સુધી ભવ્ય શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથાનું સવારે 9થી 12 અને બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન ભક્તિ, સત્સંગ અને સંસ્કારોથી ભરપૂર વિવિધ કાર્યક્રમો યોજાશે. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજરી આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન આઈશ્રી ઘૂનાવાળી ખોડિયાર માતાજી તથા શ્રી જય જખરાપીર દાદાની જગ્યા તથા ભક્ત સેવકમાના બાળકો દ્વારા કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી ચાલનારી આ કથામાં ભગવાન શ્રીરામના જીવનપ્રસંગો, ભક્તિ અને ધર્મના માર્ગ વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવશે. કથા દરમિયાન રોજ સવારે અને સાંજે ધાર્મિક પ્રવચનો તથા ભજન-કીર્તન યોજાશે. કથા દરમિયાન તથા બહારગામથી આવતા ભક્તો માટે 24 કલાક અન્ન્પૂર્ણા ભોજનપ્રસાદ તથા ચા-પાણીની વ્યવસ્થા અને બટુક ભોજન સહિતની તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત કથામાં આવતા ઉત્સવો વેશભૂષા સાથે ઉજવાશે તેમ જયંતીભાઇ મિસ્ત્રી ડોડિયાળાવાળાએ જણાવ્યું છે. કથા દરમિયાન દરરોજ સવારે કથા વક્તા શ્રી શ્રી 1008 સ્વામી મહામંડલેશ્વર શ્રી ક્ષિપ્રાગીરી મહારાજ (પાલનપુરવાળા) મારુતિ યજ્ઞ કરાવશે જેમાં દરેક ભાવિભક્તો લાભ લઇ શકશે. કથાના અંતિમ દિવસે તા.22 માર્ચના રોજ, રવિવારે 51 નવયુગલ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના વિવિધ જ્ઞાતિઓના નવયુગલોને સામાજિક અને ધાર્મિક વિધિ સાથે પરણાવવામાં આવશે. સમાજમાં સાદગીભર્યા લગ્નોને પ્રોત્સાહન મળે અને અનાવશ્યક ખર્ચ ઘટાડાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવ દરમિયાન ભજન સંધ્યા, લોકડાયરો, રામધૂન, મહાપ્રસાદ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભાવિકો અને યાત્રાળુઓ માટે ભોજન, પાણી અને અન્ય સેવાકીય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હજારો ભાવિકો જોડાય તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા તમામ ભાવિકોને ઉપસ્થિત રહી લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામકથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગો
પાળ ગામ રામજી મંદિરે સાંજે 3:30 વાગ્યે પોથીયાત્રા નીકળશે તથા કથા દરમિયાન શિવ મહિમા, શિવ વિવાહ, રામ વનવાસ, હનુમાનજી મિલન, શબરી મિલન, રામજન્મ, રામ વિવાહ, ભરત મિલન, રામેશ્વર સ્થાપના, રાવણ વધ સહિતના પ્રસંગો ઉજવાશે.
- Advertisement -
દિવસ તથા રાત્રિના અન્ય કાર્યક્રમો
10 માર્ચ, મંગળવાર સાંજે 7 વાગ્યે કુંભ સ્થાપના
13 માર્ચ, શુક્રવારના રોજ સવારે 7:30 વાગ્યે નવકુંડી યજ્ઞ, બપોરે 12 વાગ્યે ચાદર ચડાવવાનો મહોત્સવ, બપોરે 1 વાગ્યે શ્રી જય જખરાપીર દાદા તથા મામા સાહેબને બાવનગજ ધ્વજા ચડાવવાનો મહોત્સવ યોજાશે.
14 માર્ચ, શનિવાર સાંજે 7 વાગ્યે બાર પહોર પાઠ
14 માર્ચ, શનિવાર સાંજે 8 વાગ્યે જ્યોત પ્રાગટ્ય
15 માર્ચ, રવિવારે વહેલી સવારે સવરા મહામંડપ
16 માર્ચ, સોમવારે વહેલી સવારે મંડપ વિસર્જન
નકલંક નેજાધારી રામામંડળ-તોરણિયા ગ્રૂપ (રાત્રિના કાર્યક્રમ) સાંજે 8 વાગ્યાથી.
16 માર્ચ, સોમવારે રાત્રે 9 વાગ્યાથી સમસ્ત પાળ ગામ મહિલા મંડળ દ્વારા રામધૂન
17 માર્ચ, મંગળવારે ભવ્ય લોકડાયરો-હસાયરો (ધીરૂભાઇ સરવૈયા, પૂનમ ગોંડલિયા, અજય ડાભી, જ્યોતિદાન ગઢવી એન્ડ ગ્રૂપ)
18 માર્ચ, બુધવારે રાત્રે 9 વાગ્યે સમસ્ત પાળ ગામ રામધૂન(ભાઇઓ દ્વારા)
20 માર્ચ, શુક્રવાર આઇશ્રી ઘૂનાવાળી ખોડિયાર માતાજી તથા શ્રી મેલડી માતાજીનો માંડવો (રાવળદેવ: ધર્મેશભાઇ રાવળ)
22 માર્ચ, રવિવારે 51 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તેમજ બપોરે 11 વાગ્યે 6 ગામ ધુમાડાબંધ મહાપ્રસાદ (પાળ,મવડી, જસવંતપુર, રાવકી, ઢોલરા, કાંગશિયાળી) તથા પધારેલા તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.
જખરાપીર દાદાની જગ્યામાં કાયમી ચાલતી સેવાઓ
જખરાપીર દાદાની જગ્યામાં કાયમી કીડીને કીડિયારું, કૂતરાંને રોટલો, પાણીના પરબ, કાગડાને ગાંઠિયા, ગૌશાળા, કાયમી અન્ન્ક્ષેત્ર, પાણીના અવેડા, પક્ષીને ચણ, માનવ સેવા, ધર્મ સેવા સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે.



